દારૂડિયા પતિએ પત્નીને બાઈક પાછળ બાંધીને ગામ વચ્ચેથી ઢસડી
એક ગામમાં દારૂડિયા પતિએ તેની પત્નીને બાઈક પાછળ બાંધીને ગામ બહાર સુધી ઢસડી હતી. કરુણતા એ રહી કે, લોકો ઘટના જોતા રહ્યાં પરંતુ કોઈ મહિલાની મદદે નહોતું આવ્યું.
પુરૂષપ્રધાન ભારતીય સમાજમાં આજે પણ સ્ત્રીઓને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે જોવાની લોકોની માનસિકતામાં કોઈ ફરક પડ્યો નથી. ગામડાની ખેતમજૂર મહિલાથી લઈને કોર્પોરેટ કંપનીમાં કામ કરતી બોસ સુધી દરેક મોચરે મહિલાઓ પર અત્યાચાર અલગ અલગ સ્વરૂપે મોજૂદ છે. એમાં પણ દલિત અને આદિવાસી સમાજની સ્ત્રીઓ જે સહન કરે છે, તેની તો વાત જ થાય તેમ નથી. પતિ કમાતો ન હોય, દારૂ પીને પડ્યો રહેતો હોય, ઈચ્છા થાય ત્યારે માર મારતો હોય, તો પણ દલિત-આદિવાસી સમાજની મહિલાઓ તેને સહન કરવાની સાથે ઘર પણ ચલાવે છે. જો કે, ક્યારેક એવી ઘટના તેમની સાથે બનતી હોય છે, જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. અહીં જેની વાત કરવાની છે તે આવી જ એક ઘટના છે.
મામલો મહિલા અત્યાચાર માટે દેશભરમાં પ્રથમ નંબરે રહેલા રાજસ્થાનનો છે. અહીં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક ક્રૂર પતિ પોતાની પત્નીને મોટરસાઈકલ પાછળ બાંધીને ઢસડીને ગામ બહાર સુધી લઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાને અનેક લોકોએ જોઈ હોવા છતાં કોઈ મહિલાની મદદે આવ્યું નહોતું. ક્રૂરતાની હદો પાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી હતી અને નિર્દયી પતિની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર તાલુકાના પાંચોડી ગામની છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવક મોટરસાઈકલ પાછળ બાંધીને કોઈ મહિલાને ઢસડીને લઈ જઈ રહ્યો છે. વીડિયો એક મહિના પહેલાનો હોવાનું કહેવાય છે. પાંચોડી પોલીસ સ્ટેશને સ્વયં આ મામલે પગલાં લઈને આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી
પોલીસે 35 વર્ષના આરોપી યુવક પ્રેમારામ મેઘવાળની ધરપકડ કરી છે. વીડિયોમાં પ્રેમારામ બાઈક ચલાવતો દેખાય છે અને બાઈકની પાછળ એક યુવતી બાંધેલી હાલતમાં ઢસડાઈ રહી છે. વીડિયોમાં એક નોંધવા જેવી બાબત એ છે કે, પ્રેમારામ તેની પત્નીને ઢસડીને રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એક મહિલા પણ એ રસ્તા પર ચાલીને જતી જોવા મળી રહી છે. પણ તે આ બાબતે જાણે કશું બન્યું જ નથી તે રીતે ચાલતી જઈ રહી છે. તેના પરથી જ ખ્યાલ આવે છે કે, અહીં સમાજની કેટલો નિષ્ઠુર બની ગયો છે.
પ્રેમારામ જેને ઢસડીને લઈ જતો હતો તે તેની પત્ની હતી. તે યુપી કે બિહારથી લગ્નના નામે તેને અહીં લઈ આવ્યો હતો. પીડિતા યુવતીને તેની જેસલમેર ખાતે રહેતી તેની બહેન પાસે જવું હતું. પણ પ્રેમારામે તેની મનાઈ ફરમાવી હતી, એ પછી તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ અને પ્રેમારામે તેને ફટકારીને બાઈક પાછળ બાંધીને ઢસડી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ વીડિયો એકાદ મહિના પહેલાનો છે. એ વખતે રવિવારની સાંજે પ્રેમારામને દારૂ પીધાં પછી એક શખ્સ સાથે બબાલ થઈ ગઈ હતી. જેની સાથે તેને ઝઘડો થયો હતો એ જ વ્યક્તિએ આ વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે.
આખી ઘટનાનો વીડિયો વાયરલ થતા પાંચોડી જ નહીં પરંતુ નાગોર જિલ્લા મથક સુધી હોબાળો મચી ગયો હતો. એ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને તરત પ્રેમારામની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે પીડિતા યુપી કે બિહારની છે. લગ્ન કરીને પ્રેમારામ તેને પોતાની સાથે રાખતો હતો. જો કે, ક્યા કારણે તેણે યુવતીને બાઈક પાછળ બાંધીને ઢસડી તે વિશે હજુ ચોક્કસ જાણકારી મળી રહી નથી. આ મામલે પીડિતા તરફથી પણ કોઈ ફરિયાદ પોલીસમાં નોઁધાવવામાં આવી નથી. આના પરથી જ સમજી શકાય છે કે, રાજસ્થાનમાં મહિલાઓની સ્થિતિ કેવી છે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા...