10મી વાર જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ, 21 દિવસની ફર્લો મળી
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ફરી એકવાર 21 દિવસની ફર્લો મળી ગઈ છે. જાણો શું છે કનેક્શન.
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફર્લો મળી ગઈ છે. આજે સવારે રામ રહીમ પોલીસની સુરક્ષા વચ્ચે લગભગ 6:30 વાગ્યે સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમને 21 દિવસની ફર્લો રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લોની રજાઓ ગાળશે. ઉલ્લેખનીય છે કે, રામ રહીમ બે સાધ્વીઓના જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર થયા બાદ 2017થી રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.
ગુરમીત રામ રહીમને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે, જેમાં તેણે ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો પર મુક્ત ન કરવાના નિર્દેશો આપવાની માંગ કરી હતી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર આવા મુદ્દાઓ પર નિર્ણય લેવા સક્ષમ છે. રસપ્રદ વાત એ છે કે, હરિયાણા સરકાર હાઈકોર્ટને પહેલેથી જ જણાવી ચૂકી છે કે ડેરાના વડા કાયદાકીય જોગવાઈ મુજબ પેરોલ અને ફર્લો માટે હકદાર છે.
આ પણ વાંચો: સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?
ડેરા પ્રમુખ રામ રહીમને આ વર્ષે બીજી વખત પેરોલ મળ્યાં છે. આ પહેલા તેને 9 વખત પેરોલ આપવામાં આવ્યા છે. 24 ઓક્ટોબર 2020 ના રોજ રામ રહીમને પ્રથમ વખત પેરોલ મળ્યા હતા. ત્યારબાદ બીજી વખત 21 મે 2021ના રોજ, ત્રીજી વખત 7 ફેબ્રુઆરી 2022ના રોજ, ચોથી વખત જૂન 2022માં, પાંચમી વખત ઓક્ટોબર 2022માં, છઠ્ઠી વખત 21 જાન્યુઆરી 2023ના રોજ, સાતમી વખત 20 જુલાઈ 2023ના રોજ, નવેમ્બર 2023 માં આઠમી વખત અને 19 જાન્યુઆરી, 2024ના રોજ 9મી વખત પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. એ પછી દસમી વખત આજે 13મી ઓગસ્ટે તેને 21 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે.
રામ રહીમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમને આ કેસમાં દોષિત ઠેરવીને સજા સંભળાવી હતી. આ સિવાય ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ કોર્ટે ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમનું હરિયાણા અને પંજાબમાં આજે પણ ભારે વર્ચસ્વ છે. તેના કારણે રાજકારણીઓ સતત તેના સંપર્કમાં રહે છે. હરિયાણાની અગાઉની મનોહરલાલ ખટ્ટર સરકાર પર વિપક્ષો દ્વારા સતત એવો આક્ષેપ થતો રહ્યો છે કે, તે બળાત્કાર જેવા જઘન્ય ગુનાના આરોપી એવા રામ રહીમને ચૂંટણી ટાણે જેલમાંથી બહાર કાઢીને મતોનું સેટિંગ કરાવે છે. આ મહિનાના અંતમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે અને એ જ સમયે રામ રહીમને 21 દિવસની ફર્લો રજા મળવાથી આ પ્રકારના આક્ષેપોને વધારે હવા મળી છે.
આ પણ વાંચો: લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે