મહારાષ્ટ્રમાં ફરીથી અનામત જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે

ડૉ. આંબેડકરની જન્મ અને કર્મભૂમિ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ફરી એકવાર અનામત જ મુખ્ય મુદ્દો બનશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ફરીથી અનામત જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે
image credit - Google images

લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે ઝટકો લાગ્યો હતો. આ રાજ્યોમાં ભાજપને થયેલા નુકસાન પાછળનું એક કારણ અનામતનો મુદ્દો હતો. હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે ફરી એકવાર અનામત ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. 

મહારાષ્ટ્રમાં વિપક્ષે ફરી એક વાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિગત અનામતના ક્વોટાને ૫૦ ટકાથી વધારવાની માંગ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે જાતિગત અનામતમાં ૫૦ ટકાની મર્યાદા લાગુ થાય છે. જો કે, પાછલા દિવસોમાં કોંગ્રેસે આ મર્યાદા  હટાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ બાદ હવે શરદ પવારે પણ ક્વોટાની મર્યાદા હટાવવાની માંગ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે.

શરદ પવાર અને કોંગ્રેસની માંગ પરથી લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી અનામતનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. મહારાષ્ટ્રમાં મરાઠા ક્વોટા અને ઓબીસી અનામત મુદ્દે પહેલેથી જ તણાવની સ્થિતિ છે. રાજ્ય સરકાર મરાઠાઓને ઓબીસી સર્ટિફિકેટ આપી રહી છે. ત્યારે ઓબીસી વર્ગનું કહેવું છે કે, મરાઠાઓને અનામત આપવી હોય તો તેમની મર્યાદાથી અલગ અનામત આપવામાં આવે. આ રીતે ૫૦ ટકા મર્યાદા હટાવવાની માંગ પહેલાથી જ ઉઠી રહી છે.

શરદ પવારે અનામતની 50 ટકા જાતિગત મર્યાદા દૂર કરવાની કોંગ્રેસની માંગને ટેકો આપતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ૫૦ ટકા લિમિટ સમાપ્ત કરવા બિલ લાવશે તો મહારાષ્ટ્રના બધાં પક્ષો તેને સમર્થન આપશે. તેમણે કહ્યું કે, માત્ર કેન્દ્ર સરકાર પાસે જ ૫૦ ટકાની સીમા હટાવવાની સત્તા છે. જો મોદી સરકાર મરાઠા સમાજને અનામત આપશે તો અમે તેને સમર્થન આપીશું. 

શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પર પણ દબાણ લાવતા કહ્યું કે, તેણે ઓબીસી અને મરાઠા અનામત મુદ્દે સર્વદલીય બેઠક બોલાવવી જાેઇએ. વિપક્ષના બધાં જ પક્ષો આ બેઠકમાં ભાગ લેવા તૈયાર છે. અમે અનામતની સમસ્યાનો ઉકેલ લાવવા ચર્ચા કરવા માગીએ છીએ. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મરાઠા ક્વોટા માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટિલ અને છગન ભુજબળ જેવા ઓબીસી નેતાઓને પણ ચર્ચામાં બોલાવવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન

આ તરફ મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર માટે અત્યારે અન્ય પછાત વર્ગની શ્રેણીમાં મરાઠા સમાજને અનામત આપવી શક્ય નથી. છગન ભુજબળે મરાઠા નેતા મનોજ જરાંગે પાટિલની પણ ટીકા કરી હતી અને અન્ય નેતાઓ પર હુમલો કરવા માટે જરાંગેને નિશાન બનાવ્યા હતા.

ભૂજબળે કહ્યું કે, "મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકાર છે. ઓબીસીમાંથી મરાઠા સમાજને અનામત આપવી શક્ય નથી. ઓબીસીને કોઈ અનામત આપવામાં આવશે નહીં. ચાર કમિશને કહ્યું છે કે આ શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ શક્ય નથી. જો આપણે ૫૪ ટકાની ગણતરી કરીએ તો બિહારમાં તે ૬૩ ટકા છે, મને બાકીના કમિશન વગેરે પર વિશ્વાસ નથી."

મરાઠા નેતા મનોજ જરાંગેએ કહ્યું કે, અનામતની માંગ પર તેમનું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જે રીતે રાજ્યની જનતાએ લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષને પાઠ ભણાવ્યો છે એ જોતા જો અનામત નહીં આપવામાં આવે તો રાજ્યની જનતા તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ પાઠ ભણાવશે.

આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?

તેમણે કહ્યું કે અમે ૫૪ ટકાથી વધુ છીએ અને ૨૭ ટકા આરક્ષણ આપી અને કેટલું ચૂકવ્યું? ૨૭ ટકા અનામતમાંથી 9.5 ટકા અનામત ભરાઈ જાય તો આપણો બેકલોગ શું છે? અમારો બેકલોગ ભરો પછી અલગ અનામતનો વિચાર કરો.

આ તરફ મનોજ જરાંગે પાટિલ પર નિશાન સાધતા છગન ભુજબળે કહ્યું કે તે છત્રપતિ શિવાજી મહારાજનું નામ લે છે અને આપણા લોકો પર હુમલો કરે છે. બે મહિના સુધી મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ હું કંઈ બોલ્યો નહીં. પરંતુ બીડમાં તેમણે ધારાસભ્યોના ઘરો સળગાવી દીધા, ઓબીસી કાર્યકરોની હોટલ સળગાવી, તેમના પર હુમલો કર્યો, તેમની પત્નીઓ અને બાળકોના જીવ જોખમમાં મૂક્યા. તેમના ઘર બળીને રાખ થઈ ગયા. તમને લોકોને ઘર સળગાવવાનો શો અધિકાર છે?

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા ફરી મરાઠાઓને અનામત આપવાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. મરાઠા અનામતની માંગ કરી રહેલા મનોજ જરાંગેએ માંગ કરી હતી કે મરાઠાઓને ઓબીસી કેટેગરીમાંથી અનામત આપવી જોઈએ. જોકે, છગન ભુજબળ તેનો સતત વિરોધ કરી રહ્યાં છે. આ બાબતે છગન ભુજબળ અને મનોજ જરાંગે વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે.

બીજી તરફ મરાઠા નેતા મનોજ જરાંગેએ દાવો કર્યો કે તેઓ મરાઠાઓ માટે અનામતની માંગણી ચાલુ રાખશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અનામતની માગણી કરતું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સરકાર તેમની સામે જે પણ કાર્યવાહી કરવા ઈચ્છે તે કરે, પરંતુ તેઓ તેમની માંગ પર અડગ રહેશે. 

તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી આ સરકાર સત્તામાં છે ત્યાં સુધી અનામત નહીં મળે. હવે તેમની પાસે આ સરકારને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ સત્તાધારી ભાજપ અને એકનાથ શિંદે તથા અજીત પવારની ગઠબંધનવાળી સરકારને પાઠ ભણાવવા લોકોને અપીલ કરી હતી.

જે રીતનો માહોલ જામ્યો છે તે જોતા મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચૂંટણીમાં મુખ્ય મુદ્દો અનામત જ રહેવાનો છે તે નક્કી લાગી રહ્યું છે.

આ પણ વાંચો: જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.