ABP ન્યૂઝની એન્કર ચિત્રા ત્રિપાઠીની POCSO હેઠળ ધરપકડનો આદેશ, જેલમાં જશે?
સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે ચિત્રાના આગોતરા જામીન ફગાવી દીધા છે.
ABP NEWS ની એન્કર (Anchor) ચિત્રા ત્રિપાઠી (Chitra Tripathi) ની મુશ્કેલીઓ વધી રહી છે. ગુરુગ્રામ કોર્ટે ચિત્રા ત્રિપાઠીની ધરપકડનો આદેશ જાળવી રાખ્યો છે. 2013ના એક કેસમાં ચિત્રા ત્રિપાઠી વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. આ કેસમાં ચિત્રા ત્રિપાઠીએ કોર્ટ પાસે આગોતરા જામીનની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે. આ પહેલા કોર્ટે ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે હવે ચિત્રા ત્રિપાઠી સામે મોટી કાર્યવાહી થશે કે કેમ.
દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ પણ આરોપી
આ કેસમાં ચિત્રા ત્રિપાઠી ઉપરાંત ન્યૂઝ એન્કર દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ, રાશિદ હાશ્મી, રિપોર્ટર સુનીલ દત્ત અને લલિત સિંહ બડગુર્જર અને ઈન્ડિયા ન્યૂઝ માટે કામ કરતા નિર્માતા અભિનવ રાજ સામેલ છે. તેમની સામે પહેલાથી જ આરોપો ઘડવામાં આવ્યા છે. આ તમામ લોકો પર દસ વર્ષની બાળકી અને તેના પરિવારના 'મોર્ફ્ડ, એડિટ અને અશ્લીલ' વીડિયો ફરતા કરવાનો આરોપ છે. આ વીડિયોને આસારામ બાપુ સામેના જાતીય સતામણીના કેસ સાથે જોડવાનો પણ આરોપ છે. આ તમામ લોકો પર IPCની કલમ 120B, 469 અને 471, કલમ 67B અને 67 IT એક્ટ અને POCSO એક્ટની કલમ 23 અને 13C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હવે ચિત્રા ત્રિપાઠી સામે શું પગલાં લેવાશે?
હવે જોવાનું એ રહે છે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને ચિત્રા ત્રિપાઠી સામે શું કાયદાકીય પગલાં ભરાય છે? ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું જ્યારે કોર્ટે તેના જામીન રદ કર્યા હતા અને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની તેની અરજીને ફગાવી દીધી હતી. ચિત્રા ત્રિપાઠીએ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી કારણ કે તેને મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાની હતી.
મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાનું બહાનું કાઢ્યું હતું
ચિત્રા ત્રિપાઠીએ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રની ચૂંટણીને કવર કરવા અને નાયબ મુખ્યમંત્રીનો ઈન્ટરવ્યૂ કરવા મહારાષ્ટ્રના નાસિક જઈ રહી છે. જો કે, આ દલીલો સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું કે તે કોર્ટની કાર્યવાહીને હળવાશથી લઈ રહી છે. ચિત્રા ત્રિપાઠીના આ કેસમાં તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં…હાલ આ અંગે કોઈ માહિતી નથી. તેમજ ચિત્રા ત્રિપાઠીએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જો કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ, એકવાર ધરપકડ વોરંટ જારી થયા પછી પોલીસને આરોપીની ધરપકડ કરવાનો અધિકાર મળે છે. આથી વોરંટ જારી થયા બાદ ચિત્રા ત્રિપાઠીએ તેના વકીલ મારફત આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ હવે આ પણ ફગાવી દેવામાં આવ્યું છે. આથી હવે ગમે ત્યારે ચિત્રાની ધરપકડ થઈ શકે છે.
ભાજપ સાથે ઘરોબો હોવાથી કશું નહીં થાય?
પણ ચિત્રા ત્રિપાઠી વગદાર હોવાથી અને સત્તાધારી ભાજપ સાથે તેનો સારો એવો ઘરોબો હોવાથી તેના પર તરત કાર્યવાહી નથી થઈ રહી. જેના કારણે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે છેલ્લી બે તારીખો પર આરોપી ચિત્રા ત્રિપાઠીને સ્વાસ્થ્યના કારણોસર હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આરોપીને હાજર થવામાંથી મુક્તિ આપવા માટે કોઈ યોગ્ય કારણ નથી. જો કે આ કેસમાં ચિત્રા ત્રિપાઠીને જેલમાં મોકલવામાં આવશે કે કેમ તે અંગે હાલ કોઈ અપડેટ નથી.
આ પણ વાંચો: AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.