વડતાલ સ્વામીનારાયણના સંતોએ રૂ. 1.55 કરોડની છેતરપિંડી આચરી?
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે વડતાલ સ્વામીનારાયણના સંતો સહિત 8 લોકો સામે મંદિર બનાવવાના નામે છેતરપિંડીના કેસમાં ગુનો નોંધ્યો છે.
ધર્મની આડમાં કાળા કામો કરનારા લોકો ધીરે ધીરે કાયદાના સામે નતમસ્તક થઈ રહ્યાં છે. ગુજરાત સહિત દુનિયાભરમાં સ્વામીનારાયણના સાધુઓ તેમના મજબૂત નેટવર્ક, કરોડોની સંપત્તિ ધરાવતા મંદિરોની સાથોસાથ છેતરપિંડી, સગીરાઓ પર દુષ્કર્મ અને પ્રોપર્ટીના વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. એમાંય છેલ્લાં કેટલાક સમયથી તો સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે. આવો જ વધુ એક વિવાદ અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. અહીંના લિંબ અને માથાસુલિયા ગામમાં ૫૦૦ વીઘા જમીન પર પોઈચા જેવું સ્વામીનારાયણ મંદિર બનાવવાનું છે તેમ કહીને વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતો સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. સંતો સહિત આઠ લોકોએ ભેગા થઈને વટવામાં જમીન લે-વેચનો ધંધો કરતા બે વ્યક્તિઓ સાથે રૂ.૧.૫૫ કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સોલા સાયન્સ સીટી રોડ પાસે રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.56) વટવા રોપડા રોડ પાસે ઓશિયા મોલની સામે ઓફિસ રાખીને જમીન દલાલીનો ધંધો કરે છે. તેમની સાથે તેમના ભાગીદાર દિલીપકુમાર પટેલ પણ જમીન દલાલીનો ધંધો કરે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બપોરના સમયે તેમની ઓફિસમાં સુરેશભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા નામની બે વ્યક્તિ આવી હતી અને ‘‘અમે પણ જમીન દલાલીનો ધંધો કરીએ છીએ’’ તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ બંને શખ્સોએ જમીન ખરીદવામાં રસ ધરાવતા હોય તો ‘‘સ્વામીનારાયણ મંદિર વડતાલને ગૌ-શાળા બનાવવા માટે ૫૦૦થી ૭૦૦ વીઘા જમીનની જરૂર છે. પરંતુ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ જમીન ખરીદશે તો ખેડૂતો વધુ ભાવની માંગણી કરશે, જેથી તમે વચ્ચે રહેશો તો સ્વામી તમારી પાસેથી જમીન ખરીદીને તમને નફો આપી દેશે’’ એ પ્રકારની વાતો કરી હતી.
આ પણ વાંચો: 50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો
બંને શખ્સોએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આવેલા લિંબ ગામમાં ૫૦૦થી ૭૦૦ વીઘા જેટલી ખેતીની જમીન આવેલી છે. તે જમીન પર સંતોને પોઈચા જેવું સ્વામીનારાયણનું ભવ્ય મંદિર તથા ગૌ-શાળા બનાવવી છે. જો આ જમીનમાં તમે રોકાણ કરશો તો તમને સારો ફાયદો મળશે’ તેવી લોભામણી વાતો કરીને ઘનશ્યામસિંહ અને તેમના ભાગીદારને લલચાવ્યા હતા.
જમીનનું ફાઇનલ કરાવવા માટે બંને સિદ્ધેશ્વર ગૌ-શાળા આણંદ પહોંચ્યા ત્યારે દેવપ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જયકૃષ્ણ સ્વામી હાજર હતા અને ‘‘અમે નૌતમ સ્વામીના શિષ્ય છીએ’’ તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. સાથે જ ‘‘ટૂંક સમયમાં વિદેશથી ઘણી મોટી માત્રામાં દાન આવવાનું છે, જેમાંથી અમે જમીન ખરીદી લઈશું’’ તેવી વાત કરી હતી.
એ પછી સ્વામીઓએ ‘‘જો અમે સીધા ખેડૂતો પાસેથી જમીન ખરીદીશું તો અમને મોંઘી પડશે, માટે તમે અમારા વતી જમીન ખરીદી લો અને બાદમાં અમે તમને રૂપિયા ચૂકવીને તમારી પાસેથી જમીન ખરીદી લઈશું.” તેમ જણાવ્યું હતું.
એ પછી ગત જાન્યુઆરી મહિનામાં વડતાલ સ્વામીનારાયણ મંદિર વતી સુરેશભાઈ અને લાલજીભાઈ નામના શખ્સો જમીનનો સોદો કરવા માટે આવ્યા હતા. આ બંને લોકો સાથે રહીને જમીન જોવા માટે ગયા હતા. ત્યારે જમીનના ડોક્યુમેન્ટમાં માલિક તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજયસિંહ ચૌહાણનું નામ હતું. તે લોકો પણ જગ્યા પર અગાઉથી હાજર હતા. ત્યારે એક વીઘાના રૂ. ૧૭.૫૧ લાખ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત ૧ જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ તેમજ દલાલ સુરેશ ભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા ફરિયાદીની ઓફિસે આવ્યા અને સમજૂતી કરાર કરાવીને કુલ રૂ. ૧.૧૧ કરોડ રૂપિયા અલગ અલગ લોકોના ખાતામાં જમા કરાવ્યા હતા.
આ રીતે વડતાલના સ્વામીનારાયણ મંદિરના સ્વામીઓએ વટવાના બંને જમીન દલાલો સાથે કુલ ૧.૭૬ કરોડ રૂપિયા મેળવી લીધા હતા. જો કે એ પછી પણ જમીનના સોદાને લગતી કોઈ યોગ્ય વાતચીત કરવામાં આવી ન હતી. જેથી વટવાના બંને જમીન દલાલોએ તેમના રૂપિયા પાછા માંગતા રૂ. ૨૧ લાખ આપ્યા હતા. અને બાકીના કુલ ૧.૫૫ કરોડ રૂપિયા આપવા માટે થઈને વિદેશથી ફંડ આવ્યું નથી તેવા બહાના બતાવવા લાગ્યા હતા. આથી સ્વામીનારાયણના સાધુઓ અને દલાલો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી