એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની સત્યકથા

એક ગામમાં વાલ્મિક સમાજના કોમર્સ અનુસ્નાતક યુવકને નોકરી મળી. સવર્ણોએ દબાણ કર્યું કે ઢોલ વગાડવાનું ચાલું રાખ, યુવક માન્યો નહીં. પછી જે થયું તેની સામે લડત ચાલું છે.

એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની સત્યકથા
image credit - Google images

ચીન કૃત્રિમ સૂર્ય બનાવીને સંશોધન કરી રહ્યો છે. ઈલોન મસ્ક માણસના મગજમાં ચીપ ફિટ કરીને અંધ વ્યક્તિને આંખો વિના પણ જોતો કરી દેવા તૈયારી કરી રહ્યો છે. ઈઝરાયલે પેજરમાં વિસ્ફોટ કરી ઘરે બેઠાં દુશ્મનને મોતને ઘાટ ઉતારી શકાય તેવી ટેકનોલોજી વિકસાવી લીધી છે. ટૂંકમાં દુનિયા આખી ટેકનોલોજી અને સાયન્સ તરફ સતત આગળ વધી રહી છે.

બીજી તરફ આપણો કથિત વિશ્વગુરૂ ભારત દેશ છે, જે સદીઓથી મુઠ્ઠીભર સવર્ણોની મનુવાદી માનસિકતાના કારણે આજે પણ આભડછેટ, વર્ણ વ્યવસ્થા અને તેની આડપેદાશો જેવી અનેક સામાજિક બદ્દીઓમાં વધુને વધુ ખૂંપતો જાય છે. એમાંય મનુવાદને પોષતી સત્તા જ્યારથી સ્થિર થઈ છે ત્યારથી આવા તત્વો વધુને વધુ છાટકા થતા જાય છે અને મનુવાદી પ્રવૃત્તિઓ ખૂલ્લેઆમ થવા માંડી છે, જેને કોઈ રોકટોક કે કાયદો વ્યવસ્થાનો ડર નથી.

મનુવાદીઓ દલિતોની જરાક અમથી પ્રગતિ સાંખી શકાતી નથી

આ ઘટના પણ મનુવાદ અને મનુવાદીઓની દલિતોની જરાક અમથી પ્રગતિ પણ સાંખી ન લેવાની સદીઓ જૂની દ્વેષી માનસિકતાનું પરિણામ છે. તેમાં સ્પષ્ટપણે પોતે સર્વોપરી છે અને શુદ્રો, અતિશુદ્રો તેમના ગુલામ જ રહેવા જોઈએ તેવી મનુવાદી માનસિકતાને કાયમ રાખવાનું કાવતરું દેખાઈ આવે છે.

મામલો કંઈક આવો છેઃ વાલ્મિકી સમાજનો એક 28 વર્ષનો યુવક કોમર્સ ગ્રેજ્યુએટ થયો છે. પોતે અને પોતાનો પરિવાર કંઈક સારી જિંદગી જીવી શકે તે માટે હવે તે ગામમાંથી શહેરમાં નોકરી શોધવા નીકળ્યો છે. તેની આવડત મુજબ સારી નોકરી મળી જતા તે હવે તેના બાપદાદા પર પરંપરાગત રીતે ઠોકી બેસાડાયેલો મરેલા ઢોર ખેંચવાનો અને ઢોલ વગાડવાનું કામ છોડી દે છે.

પણ સવર્ણોને એક વાલ્મિકી યુવકની આ પ્રગતિ આંખના કણાંની જેમ ખટકવા લાગે છે. તેઓ યુવકને ધમકાવે છે કે, તારા બાપદાદાનો ધંધો છોડીને જો શહેરમાં ગયો તો સરખાઈ નહીં આવે. પણ યુવક તેમની ધમકીને તાબે થતો નથી. પરિણામે ગામના તમામ સવર્ણો એક થઈને તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરે છે. જેના કારણે યુવકને એ બધું વેઠવું પડે છે કે આ દેશના દલિતો સદીઓથી વેઠતા આવ્યા છે. તેને પાણીથી લઈને જીવનજરૂરિયાતની દરેક વસ્તુ માટે ફાંફા મારવા પડે છે. જો કે યુવક હિંમત હારતો નથી અને પરિવાર માટે થઈને આખા ગામ સામે લડી લેવા મક્કમ છે. તેણે કોર્ટમાં કેસ કર્યો છે અને હવે કોર્ટે તેને બનતી તમામ મદદ કરવા પોલીસ તંત્રને આહ્વાન કર્યું છે. હવે સવર્ણોની સાન પણ ધીરે ધીરે ઠેકાણે આવે તેવા સંકેતો મળી રહ્યાં છે.

તેલંગાણાના મેડક જિલ્લાની ઘટના

ઘટના કોંગ્રેસ શાસિત તેલંગાણા રાજ્યની છે. એ જ તેલંગાણા, જ્યાંના રેવંત રેડ્ડી નામના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટના એસસી, એસટી પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયરના ચૂકાદાને સૌપ્રથમ પોતાના રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત કરી ખૂલ્લેઆમ સવર્ણોની તરફેણ કરી હતી.

અહીં મેડક જિલ્લાના એક ગામમાં વાલ્મિકી સમાજ સાથે આ ઘટના ઘટી છે. તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં જ અહીં સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા માડિગા અનુસૂચિત જાતિના એક પરિવારનો મામલો હાથ પર લીધો હતો. આ પરિવારના યુવક પર ગામના સવર્ણો તેમના ધાર્મિક-સામાજિક સમારોહ દરમિયાન 'ડપ્પુ' (ઢોલ) વગાડવાનો તેમનો પરંપરાગત વ્યવસાય ચાલુ રાખવા દબાણ કરતા હતા. અરજદાર પી ચંદ્રમને શહેરમાં ખાનગી નોકરી મળી હતી અને તે ઢોલ વગાડવાનો વ્યવસાય કરવા માંગતો નહોતો. આથી ગામલોકોએ તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો.

વાલ્મિકી યુવક ઓસ્માનિયા યુનિ.માંથી માસ્ટર્સ થયેલો છે

આ મામલે તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ બી વિજયસેના રેડ્ડીએ મેડકના પોલીસ અધિક્ષકને પી ચંદ્રમને તાત્કાલિક પોલીસ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો અને જિલ્લા કલેક્ટરને બહિષ્કૃત દલિત પરિવારના રાહત અને પુનર્વસન માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર્સ થયેલો 33 વર્ષનો પી ચંદ્રમ રોજગારીની વધુ સારી તકો માટે શહેરમાં શિફ્ટ થયો હતો. જે સવર્ણોને ન ગમતા તેનો બહિષ્કાર કરાયો હતો.

આ પણ વાંચો: Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!

સવર્ણો છેલ્લા કેટલાક મહિનાઓથી, તેને તેની નોકરી છોડી દેવા અને ઢોલ વગાડવાના તેના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં પાછા ફરવા માટે દબાણ કરતા હતા. 10 સપ્ટેમ્બરના રોજ, ગ્રામસભાની બેઠક દરમિયાન ગ્રામજનોએ તેમને બોલાવ્યા અને ખાનગી નોકરી છોડી દેવાની માંગણી કરી. જ્યારે ચંદ્રમે નોકરી છોડવાનો ઇનકાર કર્યો, ત્યારે સવર્ણોએ તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો.

પાંચ વર્ષની દીકરી માટે દૂધ પણ મળતું નથી

યુવકના વકીલ વી રઘુનાથના કહેવા પ્રમાણે, એ પછી પી ચંદ્રમ અને તેમના પરિવારની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, તે તેની પાંચ વર્ષની પુત્રી માટે દૂધ પણ મેળવી શકતો નહોતો. વકીલે કહ્યું કે જ્યારે તેમની પુત્રી સ્કૂલ બસમાં ચઢી ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ ગ્રામજનોના ડરથી તેની સાથે વાત કરવાનું ટાળતા હતા. જેના કારણે માસુમના માનસ પર ગંભીર અસર પડતી હતી.

નિયમ ભંગ કરનારને 5 હજારનો દંડ, 25 જૂતા મારવાની સજા

મામલો પરિવાર સુધી આવી પહોંચતા પી. ચંદ્રમે પણ 'અસુરન' ફિલ્મના નાયક શીવમણિની જેમ લડી લેવાનું નક્કી કરી લીધું. ચંદ્રમે મનોહરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી,પરિણામે FIR દાખલ કરવામાં આવી. જો કે, ચંદ્રમના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધવા સિવાય કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યાં નથી. ગ્રામજનોએ તેમનો સામાજિક બહિષ્કાર ચાલુ રાખ્યો અને નક્કી કર્યું કે, ચંદ્રમના પરિવારે ગ્રામ પંચાયત દ્વારા મળેલી 'ઈનામ જમીન' પાછી આપવી જોઈએ. તેમણે બહિષ્કારનો ભંગ કરનારને રૂ. 5000નો દંડ અને જાહેરમાં 25 જૂતા મારવાની સજાનું એલાન કરી દીધું.

ચંદ્રમની લડાઈ ચાલુ છે, જુસ્સો અકબંધ છે

પોતાની અરજીમાં ચંદ્રમે નિરાશા વ્યક્ત કરી હતી કે પોલીસ અધિકારીઓએ એક વખત ગામની મુલાકાત લેવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. એફઆઈઆર દાખલ કર્યા પછી, ગામવાસીઓએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. જ્યારે તેણે આ ધમકીઓની જાણ કરવા માટે 17 સપ્ટેમ્બરે ફરીથી પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે આરોપીઓનું માત્ર કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

ચંદ્રમનો સંઘર્ષ જારી છે અને તેણે નક્કી કર્યું છે કે, પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત ભલે થઈ જાય, પણ તે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરે અને મનુવાદી તત્વોને દેશના બંધારણ અને કાયદાથી પર જવાની તક નહીં જ આપે. એટલું જ નહીં, તે મનુવાદી તત્વોને તેમના કર્યાની સજા અપાવવા માટે પણ કટિબદ્ધ છે. ચંદ્રમના આ જુસ્સાને સલામ, જય ભીમ, જય સંવિધાન.

આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.