વૃદ્ધ દલિત દંપતીને ખાંસડાનો હાર પહેરાવ્યો, ઢોર માર મારી ગામમાં ફેરવ્યું
60-65 વર્ષના એક વૃદ્ધ દલિત દંપતિને જાતિવાદીઓએ ઘરમાં બાંધીને માર માર્યો, પછી ગળામાં ખાંસડાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યું.

એક બાજુ દુનિયાના પ્રગતિશીલ દેશો કૃત્રિમ સૂર્ય બનાવી રહ્યાં છે, માણસમાં ડુક્કરની કિડની ફિટ કરીને અમેરિકા જેવા દેશો માનવજાતને વધુ સારું જીવન આપવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યાં છે, બીજી તરફ ભારતમાં જાતિવાદીઓએ માઝા મૂકી છે અને દેશ જાણે અંધકાર યુગ તરફ ધકેલાઈ રહ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. આઝાદી પહેલા અને પછી પણ મનુવાદીઓ સત્તામાં મોટાપાયે ભાગીદાર રહ્યાં હોવાથી દેશનો દલિત, આદિવાસી સમાજ હજુ પણ પીડિતની જ ભૂમિકામાં રહ્યો છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે દલિતો પર જાતિવાદી તત્વો દ્વારા અત્યાચારના કિસ્સા સામે આવતા રહે છે. કેટલાક કિસ્સા તો એવા હોય છે જેમાં પીડિત પરિવારનો કોઈ જ વાંક નથી હોતો તેમ છતાં જાતિવાદી માથાભારે તત્વો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ દલિત દંપતિને જાતિવાદીઓએ તેમના ઘરમાં બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેમને જાતિસૂચક ગાળો ભાંડી, ગળામાં ખાંસડાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. વૃદ્ધ દંપતિ જાતિવાદીઓની ધમકીના કારણે તેમની ગામમાં આવેલી ખેતીની જમીન અને ઘરબાર છોડીને દૂરના શહેરમાં રહેવા મજબૂર બન્યું હતું. માથાભારે તત્વો દ્વારા તેમને સતત મારી નાખવાની ધમકીઓ મળતી હતી, જેને લઈને તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, પણ મોટાભાગના કિસ્સાઓમાં થાય છે તેમ, પોલીસે તેને જરાય ગંભીરતાથી નહોતી લીધી. આખરે કંટાળીને આ દંપતિ ત્રણ મહિનાથી ગામ છોડીને શહેરમાં રહેતું હતું.
બે દિવસ પહેલા તે ગામમાં પરત ફર્યું હતું. અને તેની જાણ જાતિવાદી તત્વોને થઈ જતા તેઓ વૃદ્ધના ઘરે પહોંચી ગયા હતા અને તેમને લાકડા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આટલેથી પણ તેને ધરવ ન થતા વૃદ્ધ દંપતિને માર મારીને, ગળામાં ખાસડાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. આ ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા વૃદ્ધે ફરી પોલીસ મદદ માંગતા હવે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.
વૃદ્ધ દંપતિને ખાંસડાનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યું
મામલો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાનો છે. અહીંના મુંગાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિલોરા ગામમાં એક વૃદ્ધ દલિત દંપતીને આરોપીઓએ ઢોર માર માર્યો અને પછી તેમના ગળામાં જૂતાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા અને તેમનું હળહળતું અપમાન કર્યું હતું. બાદમાં ઘટનાની જાણકારી પોલીસને મળતા તેણે બંધક દંપતીને છોડાવ્યું હતું.
આ પણ વાંચોઃ મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો
જાતિવાદીઓની બીકના કારણે 3 મહિનાથી ઘર છોડી દીધું હતું
મળતી માહિતી મુજબ, પીડિત 60 વર્ષીય બેટીબાઈ અને તેના પતિ 65 વર્ષીય કરણ સિંહ ઉર્ફે કન્ના અહિરવાર ગામના કથિત ઉચ્ચ જાતિના માથાભારે તત્વોના ડરને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી ગામ છોડીને જતા રહ્યા હતા. તેમણે આ મામલે પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી પણ તે મળી નહોતી. આખરે થાકી હારીને દંપતિ ગામમાં પરત આવી ગયું હતું. આ વાતની જાણ થતાં જ જાતિવાદી તત્વો દલિત દંપતિના ઘરે પહોંચી ગયા હતા અને તેમને જાતિ આધારિત અપશબ્દો બોલીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમના હાથપગ બાંધી દેવામાં આવ્યા અને તેમના ગળામાં ખાસડાનો હાર પહેરાવવામાં આવ્યો અને ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. તેમને ઘરમાં આવેલા થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હોવાથી ગંભીર ઈજાઓ થઈ છે. વૃદ્ધ મહિલા બેટીબાઈને શરીર પર ઘણી આંતરિક ઇજાઓ થઈ છે. જ્યારે તેમના પતિ 65 વરસના કન્ના અહિરવારને પગમાં ફ્રેક્ચર થયું છે. બેટીબાઈના શરીર પર ઈજાના નિશાન પણ છે અને તેમની આંતરિક ઇજાઓ તપાસવા માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. હાલમાં તેઓ જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે
બે મહિલાઓ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે બેટીબાઈની ફરિયાદના આધારે ગામના જાતિવાદી તત્વો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે 2 મહિલાઓ સહિત 10 લોકોના નામ લખ્યાં છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
મુંગાવલી પોલીસ સ્ટેશનના પ્રભારી ગબ્બર સિંહ ગુર્જરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા મારપીટ કરાયેલા વૃદ્ધ દંપતિના પુત્રે ત્રણેક મહિના પહેલા આરોપી પરિવારની કોઈ મહિલાની છેડતી કરી હતી તેવી વાત જાણવા મળે છે. જેના કારણે વૃદ્ધ દંપતી ડરનું માર્યું ગામ છોડીને ભાગી ગયું હતું. પરંતુ આરોપીઓને તેમના આવવાની માહિતી મળતા જ તેમના પર હુમલો કર્યો હતો. આ મામલે ગામના રાજા યાદવ અને તેના પરિવારના 10 લોકો વિરુદ્ધ હુમલા અને એટ્રોસિટી એક્ટ મુજબ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
આગળ વાંચોઃ આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં