ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત
એકવીસમી સદીમાં પણ ભારતમાં લોકો કેવી કેવી અંધશ્રદ્ધામાં જીતવા જોવા મળે છે તેનો વધુ એક દાખલો સુરેન્દ્રનગરના રતનપરમાંથી સામે આવ્યો છે. વાંચો આ રિપોર્ટ.
એકવીસમી સદીમાં પણ ભારતમાં લોકો કેવા કેવા વહેમો અને અંધશ્રદ્ધાથી પીડાય છે, તેના અનેક દાખલાઓ આપણી સામે મોજૂદ છે. એમાંય ગુજરાતમાં તો કેટલાક એવા કિસ્સાઓ બન્યાં છે જેણે માનવજાતની બુદ્ધિ અને તર્ક પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હોય.
કંઈક આવો જ એક કિસ્સો હાલ સુરેન્દ્રનગર શહેર સાથે જોડાયેલા રતનપર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક અંધશ્રદ્ધાળુ પરિવારે પોતાની ત્રણ મહિનાની માસૂમ દિકરીને બિમારીમાંથી સાજી કરવા દવાખાને લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ ગયા હતા અને મોતને ભેટી હતી.
અહીં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની ત્રણ માસની દીકરી બિમાર રહેતી હતી. તેને તાવ અને શરદી રહેતી હતી. જો કે અંધશ્રદ્ધાળુ તેના માતાપિતા તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે નજીકમાં રહેતા એક ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ બાળકીના પેટના ભાગે અગરબત્તીના ડામ આપ્યા હતા. જો કે માતાજીના નામે પોતાની દુકાન ચલાવતા આ ભુવાના ધતિંગથી બાળકીની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ જતા તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના રતનપરની ઘટના
મામલો સુરેન્દ્રનગર શહેર સાથે જોડાયેલા રતનપર વિસ્તારનો છે. અહીં રતનપર ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા રમેશભાઈ બાંભણિયા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની ત્રણ મહિનાની દીકરી ભગવતી છેલ્લાં ઘણાં દિવસોથી બિમાર રહેતી હતી. સામાન્ય રીતે બાળક નાનું હોય ત્યારે તેને આ પ્રકારની બિમારીઓ થતી રહેતી હોય છે અને તે ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર લેવાથી મટી જતી હોય છે. ભગવતી શરદી અને તાવમાં પટકાઈ હતી. પરિવારજનોએ તેની પ્રાથમિક સારવાર કરાવી હતી પરંતુ કોઈ ફરક ન પડતા તેમને કોઈએ નજીકમાં રહેતા ભૂવાનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ડૂબતો માણસ તરણું ઝાલે એ ન્યાયે દીકરી સાજી થઈ જાય તે માટે રમેશ બાંભણિયાએ નજીકમાં જ ઝૂંપડામાં રહેતા એક ભૂવાને બાળકીને સોંપી દીધી હતી અને તેને સાજી કરી દેવા વિનંતી કરી હતી.
ભૂવાની કરામતથી તબિયત વધુ બગડી
જો કે અંધશ્રદ્ધાળુ આ પરિવારને પરિણામ શું આવશે તેની ક્યાંથી ખબર હોય. અંધશ્રદ્ધામાં ડૂબેલા આ પરિવારની અજ્ઞાનતાનો ભોગ તેમની ત્રણ વર્ષની બાળકી બની હતી. કેમ કે, એ પછી ભૂવાએ માસૂમ ભગવતીના પેટના ભાગે અગરબત્તીના ડામ દીધા હતા. નાનકડી ભગવતીએ રાડારાડી કરી મૂકી તેમ છતાં ભૂવા કે તેના પરિવારમાંથી કોઈને તેની દયા નહોતી આવી. એ પછી તેઓ ભગવતીને લઈને ઘરે જતા રહ્યા હતા. પણ ત્યાં તેની તબિયત સુધરવાને બદલે વધુ બગડી હતી. આથી તેઓ તેને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની હાલત નાજુક લાગતા ગંભીર હાલતમાં તેને રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા
દીકરીના પિતા પણ અકળ બિમારીનો શિકાર છે
ઉલ્લેખનીય છે કે, રમેશ બાંભણિયાનો પરિવાર રતનપરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે પોતે પણ ગંભીર બિમારીથી પિડાય છે. ભગવતી સિવાય તેને એક દીકરો અને દીકરી છે. ભગવતી ત્રણ મહિનાની હતી અને બિમાર રહેતી હતી, જેથી પરિવારજનોને લાગ્યું કે તેને પણ તેના પિતાની બિમારીની અસર થઈ ગઈ છે. આથી દવા સાથે દુવાની આશા સાથે તે ભૂવા પાસે ગયા હતા. પણ ભૂવાએ માસુમ ભગવતીને માતાજીનું નામ લઈને અગરબત્તીના ડામ આપતા તેની તબિયત વધુ બગડી હતી. આથી તેને પહેલા સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. હવે આ મામલે જોરાવરનગર પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ. ઝણકાતના જણાવ્યા પ્રમાણે બાળકી ભગવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવી જાય એ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આગળ વાંચોઃ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અને અંધશ્રદ્ધાનો ઓવરડોઝ