તથ્ય પટેલ કેસમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કોઈ ખોટી સહીને છોડાવી ગયું?

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નવ જણાને કચડી નાખનાર તથ્ય પટેલના કેસમાં વપરાયેલી જગુઆર કાર કોઈ ખોટી સહીને છોડાવી ગયું હોવાની વાત ફેલાઈ છે અને તે કોણ છે તેની પણ તંત્રને ખબર નથી.

તથ્ય પટેલ કેસમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કોઈ ખોટી સહીને છોડાવી ગયું?
image credit - Google images

અમદાવાદમાં નવ જણને કચડી નાખનારા તથ્ય પટેલના કેસમાં આરોપીઓને બચાવવા માટે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ આ કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલી જગુઆર કારને કોઈ અજાણી વ્યક્તિ ખોટી સહી કરીને છોડાવી ગયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આ મોટો ઘટસ્ફોટ છે. મળતી માહિતી પ્રમાણે આ કેસમાં તથ્ય જે જગુઆર કાર ચલાવતો હતો તે ક્રિશ વરિયાના નામે હતી. અને હવે કોઈ શખ્સ ઈ ટ્રાયલ કોર્ટમાં ક્રિશ વરિયાની ખોટી સહી કરીને આ કારને છોડાવી ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે કાર છોડાવી જનાર કોણ છે તેની તંત્રને ખબર પણ નથી. 

તથ્ય પટેલે કરેલા કાંડમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કારને કોઈ રજિસ્ટ્રાર સામે સોગંદનામુ કર્યા વગર જ છોડાવી જતા ચકચાર મચી ગઈ છે. હવે આ કાર કોણ છોડાવી ગયુ તેને શોધવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે અન તેના પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે.

જગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાની ખોટી સહી કરીને આ કેસનો બધો સામાન મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપતા કાર કોઈ અજાણી વ્યક્તિ છોડાવી ગઈ છે. તથ્ય પટેલ સામેના ગુનામાં તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજી ચાર્જ પણ ફ્રેમ થયા નથી તે પહેલા જ કાર નકલી સહી કરીને કોઈ વ્યક્તિ છોડાવી જતા સ્પષ્ટપણે આગામી સમયમાં આ કેસ નબળો પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે તેમ કહી શકાય.

આ પણ વાંચો: અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ

નિયમ પ્રમાણે કોઈપણ કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલને પરત મેળવવા માટે પરચૂરણ અરજી કરવી પડે છે અને તેમા માલિકે સોગંદનામું રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું હોય છે. પણ અહીં તપાસમાં ખબર પડી કે આવું કોઈ સોગંદનામુ જ કરવામાં આવ્યું નથી.

હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ટ્રાયલ કોર્ટમાં બનાવટી સહીઓ સાથે કોઈ વ્યક્તિ આ કેસની મહત્વની કડી ગુમ કરાવવા માંગે છે. નકલી સહીઓને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલીને તેની પ્રમાણભૂતતા તપાસવા માંગ કરાઈ છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે જગુઆર કાર મૂળ ક્રિશ વરિયા નામના વ્યક્તિની છે. આગામી દિવસોમાં તથ્યના કેસમાં આરોપનામું ઘડાવાનું છે. તે પહેલા કોઈ ક્રિશ વારિયાની ખોટી સહી કરીને આ કાર છોડાવી જતાં કેસના મહત્વના પુરાવાનો નાશ થવાની અનેક કેસને નુકસાન થવાની પુરી શક્યતા સેવાઈ રહી છે.

બીજી તરફ પોલીસે એવો ખુલાસો કર્યો છે કે તથ્યકાંડમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કાર કોઈ ખોટી સહી કરીને છોડાવી નથી ગયું. આ કાર હજુ પણ પોલીસના કબ્જામાં સુરક્ષિત છે અને બનાવટી સહી કરીને કોઈ પોલીસ પાસેથી આ કાર છોડાવી ગયાની વાત તદ્દન ખોટી અને અફવા છે. ત્યારે સમગ્ર મામલે સાચું શું છે તે તો આ મામલે વધુ તપાસ થાય ત્યારે જ સામે આવી શકે તેમ છે.

આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.