અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ
ગુજરાતમાં ઠેરઠેર ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ, ખાનગી બેંકો અને લેભાગુ એજન્ટો અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.
ગુજરાતભરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ત્યાં એડમિશન પૂરા કરાવવા અને તેની ફી વસૂલી માટે હવે અનામત કેટેગરીના વિધાર્થીઓની સ્કોલરશીપ યોજનાને ઢાલ બનાવી રહી છે. રાજ્યમાં ગરીબ પરિવારના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટ્સ કબજે લઈને યુનિવર્સિટીઓ સ્કોલરશીપના કરોડો રૂપિયા સરકાર પાસેથી કમાઈ રહી છે.
આવા જ એક કૌભાંડનો ભોગ બનેલા વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ, તેમના એજન્ટ, તેમણે જ્યાં એડમિશન લીધું હોય એની યાદી વગેરે સામે આવ્યા છે, જેમને અમદાવાદની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન આપી તેમના ડોક્યુમેન્ટ્સ, સીમકાર્ડ લઈને, ખાનગી બેન્કમાં ખાતું ખોલાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
અનામત કેટેગરીના વિદ્યાર્થીને ટાર્ગેટ કરાય છે
અરજદારના જણાવ્યું કે, 'એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી શિષ્યવૃત્તિ અને ફીની ભરપાઈ યોજના હેઠળના ભંડોળના દુરૂપયોગમાં શૈક્ષણિક સંસ્થાઓના માલિકો, બેન્ક અધિકારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે.'
આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ
અરજદારે એજન્ટના નંબર, વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર, તેમણે લીધેલ એડમિશનની વિગત, કોર્સના નામ જેવી વિગતો પૂરી પાડી છે, જેમાં અમદાવાદ, દહેગામ અને ધોળકામાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓના નામ છે. એજન્ટ દ્વારા અરજદારને ૧૦,૦૦૦ રૂપિયા આપવાનું કહીને અમદાવાદ ખાનગી યુનિવર્સિટી ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને નાસ્તો કરાવવામાં આવ્યો, યુનિવર્સીટી બતાવવામાં આવી અને ત્યારબાદ સંમતિ પત્રક પર સહી કરાવી લેવામાં આવી. અરજદારનું એડમિશન માસ્ટર્સ ઓફ ડિઝાઈનમાં કરવામાં આવ્યું પણ ક્લાસ કે યુનિવર્સિટી કે પરીક્ષા કશું આપવાનું નહોતું થયું.
યુનિવર્સિટી, બેંક અને એજન્ટોની મીલિભગત
આખા મામલાની ખબર ત્યારે પડી જ્યારે એકાઉન્ટમાં અલગ અલગ સમયે રૂપિયા ૧.૪૬ લાખ અને રૂપિયા ૧.૮૪ લાખ સ્કોલરશીપ જમા થવાના મેસેજ આવ્યા. આવા મેસેજ બીજા વિદ્યાર્થીઓને પણ આવ્યા. આ એજન્ટો દ્વારા એક નવું સીમ કાર્ડ એક્ટિવ કરવામાં આવ્યું જે તેમણે પોતાની જોડે રાખ્યું અને ત્યારબાદ જણાવ્યું કે આ કાર્ડ અમારી જોડે રહેશે અને તેની સાથે લિન્ક કરેલ બેન્ક ખાતું અમદાવાદની જ પ્રાઇવેટ બેંકમાં ખોલાવી દેવામાં આવ્યું જેમાં આ સ્કોલરશીપના પૈસા જમા થવા લાગ્યા.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ વિભાગના અધિકારીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, આ બાબતે અમારા ધ્યાને આવેલી વિગતો પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમારી જિલ્લા કક્ષાની ઓફિસો દ્વારા આવા એડમિશન અને સ્કોલરશીપના રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવી કોઈ બાબત અત્યાર સુધી ધ્યાનમાં આવેલ નથી અને આવી તો કોઈ સમસ્યા હોય તો આવતા વર્ષથી અમે આવા વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરીશું.
અનેક જિલ્લાઓમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં આ રીતે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેળવી લઈ, તેના આધારે સેટિંગ ધરાવતી ખાનગી બેંકોમાં ખાતુ ખોલાવી કૌભાંડ આચરવામાં આવે છે. ખાનગી બેંકમાં ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીના ડોક્યુમેન્ટના આધારા લેભાગુ એજન્ટો નવું સીમકાર્ડ ખરીદી લે છે અને તે પોતાની પાસે રાખે છે. અને બેંક ખાતામાં એ જ મોબાઈલ નંબર અને નવું બનાવેલું ઈમેઈલ આઈડી લખાવે છે, જેનું તમામ પ્રકારનું એક્સેસ એજન્ટો કે યુનિવર્સિટીઓ પાસે હોય છે. વિદ્યાર્થીને અમુક રકમ ચૂકવીને રવાના કરી દેવાય છે. તેમને તો ખ્યાલ પણ નથી હોતો કે તેમના નામે લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ લેવાઈ ગઈ છે. તેમને તો ત્યારે ખબર પડે છે જ્યારે તેઓ ફ્રીશીપ કાર્ડ કઢાવવા કે શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવા જાય છે. આ પ્રકારના કૌભાંડ અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ સામે આવ્યા છે. પણ હજુ સુધી તેની સામે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્કસ મહાકૌભાંડ ઝડપાય તેમ છે. ગુજરાતના અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માંડ માંડ ભણી શકે છે, એવામાં જો તેમની સ્કોલરશીપ પણ છીનવી લેવામાં આવે તો ઉચ્ચ શિક્ષણ લઈને પ્રગતિ કરવાનું તેમનું સપનું રોળાઈ જાય તેમ છે. આ સમગ્ર મામલે એસસી, એસટી અને ઓબીસી સમાજના જાગૃત નાગરિકો, વડીલો, કર્મશીલો અને વિદ્યાર્થી સંગઠનો આગળ આવે તે જરૂરી છે.
આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Arvindbhai Parmarઅત્યારે પણ ઘણી યુનિવર્સિટીઓમાં એડમિશન આપી પેમેન્ટ સીટ માં બતાવી અને સ્કોલરશીપ લઈ લેવામાં આવે છે એસ સી વિદ્યાર્થીઓને સંમતિમાં સહી કરાવવામાં આવે છે અને સ્કોલરશીપ કોલેજ દ્વારા લઈ લેવામાં આવી છે દરેક ફેકલ્ટી આ પરિસ્થિતિ છે મેરીટ માં આવતા સ્ટુડન્ટને પણ પેમેન્ટ સીટમાં બતાવવાનું કઈ સ્કોલરશીપ લઈ લેવામાં આવે છે જે ગુજરાતની મોટાભાગની બધી જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ચાલે છે પણ કોઈ તપાસ નથી વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હોવા છતાં તેમના ખાતા ખોલાવી એક ચેક ઉપર સહીઓ કરીચેક લઈ લેવામાં આવે છે આ લોકો વાલીઓના અને વિદ્યાર્થીઓના જાણ ન હોવાનું ગેરલાભ ઉઠાવે છે આપણું સામાજિક અને ન્યયઅધિકારીકા મંત્રાલય માં બેઠેલા કેબિનેટ મંત્રી એસીની હવા ખાય છે સમાજમાં શું ચાલી રહ્યું છે તેઓ અન્ યથઈ રહ્યો છે એની કોઈ પડી નથી ફક્ત અનામતના નામે ચૂંટાઈ અને રોગ જણાવો અને એસ સી અનામત કેટેગરીમાં ચૂંટાયેલ હોવા છતાં એસ.સી એસટી નું કામ ના કરવા ના સંકલ્પ લીધો હોય તેવી પરિસ્થિતિ છે