બહુજનો મોજ કરો! શાકાહારી થાળી મોંઘી થઈ, નોનવેજ થાળી સસ્તી

માંસાહાર પર નિર્ભર બહુજન સમાજ માટે કારમી મોંઘવારીમાં એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે નોનવેજ થાળી સસ્તી થઈ છે.

બહુજનો મોજ કરો! શાકાહારી થાળી મોંઘી થઈ, નોનવેજ થાળી સસ્તી
image credit - Google images

શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરતા લોકોને મોંઘવારીનો વધુ એક કોરડો સહન કરવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મે મહિનામાં શાકાહારી થાળીનો સરેરાશ ખર્ચ ૯ ટકા વધી ગયો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવા પાછળ ડુંગળી, ટામેટાં અને બટાકાની કિંમતોમાં તેજીને કારણ ગણાવવામાં આવ્યા છે. જેની સામે નોનવેજ થાળી સસ્તી થઈ છે.

ક્રિસિલ માર્કેટ ઈંટેલિજેન્સ એન્ડ એનાલિસિસના માસિક રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવાની વાત કહેવામાં આવી છે. જો કે ચિકનની કિંમતમાં ઘટાડાથી માંસાહારી ભોજનના ખર્ચમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર શાકાહારી ભોજનની કિંમત મે મહિનામાં વધીને 27.8 રૂપિયા પ્રતિ થાળી થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં રૂ. ૨૫.૫ હતી.  હજુ મહિના પહેલા એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત ૨૭.૪ રૂપિયા હતી. આ થાળીમાં મુખ્યત્વે રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટેટા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે.

તેનાથી ઉલટું મે મહિનામાં માંસાહારી થાળીની કિંમત ઘટીને રૂ. ૫૫.૯ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તેની કિંમત રૂ. 56.3 રૂપિયા હતી. માંસાહારી થાળીમાં અન્ય તમામ સામગ્રી સમાન હોય છે, પરંતુ દાળને બદલે ચિકન મીટ હોય છે.

રિપોર્ટ અનુસાર શાકાહારી થાળીની કિંમતમાં કુલ વધારાનું કારણ ટામેટાના ભાવમાં ૩૯ ટકા, બટકાના ભાવમાં ૪૧ ટકા અને ડુંગળીના ભાવમાં ૪૩ ટકાનો વધારો છે. 

ક્રિસિલના રિપોર્ટ અનુસાર 'રવિ પાકના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘટાડાના કારણે ડુંગળીની આવક ઘટી છે તથા પશ્વિમ બંગાળમાં પાક ખરાબ થતાં બટાકાની આવક ઘટતાં આ શાકભાજીના ભાવમાં વધારો થયો. આ ઉપરાંત ચોખા અને દાળના ભાવમાં પણ અનુક્રમે ૧૩ ટકા અને ૨૧ ટકાનો વધારો થયો છે. જો કે, જીરું, મરચું અને વનસ્પતિ તેલના ભાવમાં ૩૭ ટકા, ૨૫ ટકા અને 8 ટકાનો વધારો થતાં શાકાહારી થાળીના ખર્ચમાં વધુ વધારો જોવા મળ્યો નથી.

નોનવેજનો વધતો ક્રેઝ

એક સમય હતો જ્યારે ગુજરાતમાં દલિતો ઘરે માંસ રાધ્યું હોય ત્યારે છાનામાંના ખાઈ લેવું પડતું. કથિત સવર્ણો માંસાહારનું બહાનું આગળ ધરીને બહુજન સમાજ સાથે આભડછેટ રાખતા હતા. પણ સમય બદલાયો, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાને વિશ્વ નાનું થતું ગયું, જેથી કથિત સવર્ણો પણ અન્યોનું જોઈને માંસાહાર કરવા લાગ્યા(જો કે, તેઓ પહેલા પણ છાને ખૂણે માંસાહાર કરતા જ હતા.), સ્થિતિ એ પેદા થઈ કે ચોક્કસ ધર્મમાં માનતા લોકો જેઓ કંદમૂળ આરોગવાથી પણ દૂર રહેતા હતા, તેઓ પણ માંસાહારને સ્ટેટસ સિમ્બોલ અને પ્રગતિશીલતાનું પ્રતિક સમજવા લાગ્યા. ફાઈવ સ્ટાર હોટલોમાં જઈને તેઓ નોનવેજ આરોગવા લાગ્યા. જેના કારણે ગરીબોને સસ્તામાં મળતું નોનવેજ મોંઘું થતું ગયું. આજે સ્થિતિ એ છે કે, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં બહુજન સમાજની સમાંતરે કથિત સવર્ણો પણ માંસાહાર કરતા થઈ ગયા છે. ટૂંકમાં, નોનવેજ ખાવું હવે શરમનો નહીં પરંતુ સ્ટેટસ સિમ્બોલનો વિષય બની ગયો છે.

ગુજરાતમાં 40 ટકા લોકો માંસાહારી

પહેલી નજરે માન્યામાં ન આવે પણ એ હકીકત છે કે, ગુજરાતમાં માંસાહારીઓની સંખ્યા અન્ય રાજ્યો કરતા વધુ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2021-22માં ગુજરાતમાં 40 ટકા કરતા વધુ લોકો માંસાહારી હતા જેઓ ઈંડા અને માંસ આરોગતા હતા. આ આંકડો રાજસ્થાન, હરિયાણા અને પંજાબ કરતા પણ વધુ છે. ગુજરાતની 38 ટકા મહિલાઓ માંસાહારી છે. રાજસ્થાનની સરખામણીએ ગુજરાત 55 ટકા વધુ માંસાહારી હોવાનું પણ આ રિપોર્ટમાં સામે આવ્યું હતું. તેની પાછળનું કારણ ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો માનવામાં આવે છે. જ્યાં મોટાભાગે બહુજન સમાજના લોકોની વસ્તી છે. જેથી સ્વાભાવિક છે કે ગુજરાતમાં માંસાહારીઓનું પ્રમાણ વધુ જ હોવાનું. પણ કથિત સવર્ણોના રીતિરિવાજોને જ રાજ્યના રિવાજો માનીને ચાલતું આપણું મીડિયા આ બધી બાબતોને જાણતું હોવા છતાં તેને અવગણે છે. એટલે જ છાપ એવી ઉભી થઈ છે કે, ગુજરાત શાકાહારી રાજ્ય છે, પણ હકીકત તેનાથી ઉલટી છે.

આ પણ વાંચો: 'તું ગૌમાંસ ખાય છે?' કોઈમ્બતુરમાં શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થિનીને આવો સવાલ કરતા હોબાળો!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.