દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ
હોસ્ટેલમાં જાતિગત ભેદભાવનો શિકાર થયેલી એક દલિત યુવતીએ હોસ્ટેલના ધાબા પરથી કૂદકો મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાત સહિત દેશભરમાં જાતિના આધારે દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમાજના લોકો સાથે ભેદભાવની વાત છાની નથી. પેઢીઓથી આ ચાલતું આવ્યું છે અને આજે પણ તે ચાલી રહ્યું છે. સદીઓ પહેલા આ વર્ગ ભણી ન શકે તે માટે તેમને મનુસ્મૃતિનો આધાર લઈને શિક્ષણથી દૂર કરી દેવામાં આવ્યા હતા. પણ ડો. બાબાસાહેબ આંબેડકરના કારણે તેમને શિક્ષણનો અધિકાર મળ્યો. જો કે એ પછી પણ તેમની સાથેનો ભેદભાવ અટકતો નથી. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. રોહિત વેમુલાથી લઈને પાયલ તડવી સુધીના કેસો નજર સામે છે, ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તાલીમ લઈ રહેલી એક દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોવાથી તેણે હોસ્ટેલની છત પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવતીને તેની શિક્ષિકા દ્વારા અપમાનિત કરવામાં આવતી હતી અને તેને હોસ્ટેલ છોડવા માટે મજબૂર કરાતી હતી. આથી કંટાળીને વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
રોજગાર તાલીમ માટે હોસ્ટેલમાં રહેતી હતી
મામલો જાતિવાદ માટે દેશભરમાં સૌથી વધુ બદનામ એવા ઉત્તરપ્રદેશનો છે. અહીંના ઝાંસીમાં સકરાર પોલીસ સ્ટેશનના એક ગામની યુવતી સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ તાલીમ લઈ રહી હતી, તેના માટે તે હોસ્ટેલમાં રહેતી હતી. તે બીએના પ્રથમ વર્ષમાં ભણે છે. યુવતીના જણાવ્યા પ્રમાણે તેના ગામમાં કૌશલ્ય વિકાસ યોજનાનો કેમ્પ લાગ્યો હતો જેમાં રોજગારી માટે તેણે પણ અરજી કરી હતી. જેમાં તેની પસંદગી થતા તેને તાલીમ માટે તાલીમ કેન્દ્રની હોસ્ટેલમાં રાખવામાં આવી હતી.
હોસ્ટેલમાં આભડછેટ નડી
વિદ્યાર્થિનીનો આરોપ છે કે, અન્ય છોકરીઓને તેનાથી દૂર રહેવા માટે કહેવામાં આવતું હતું. પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતી હોવાથી તાલીમાર્થી શિક્ષિકા દ્વારા તેની સાથે અપમાનજક વર્તન કરવામાં આવતું હતું. જેમાં હોસ્ટેલમાં કામ કરતો એક યુવક પણ શિક્ષિકાને સાથ આપતો હતો અને તેની સાથે અભદ્ર વર્તન કરતો હતો. પોતાનું શિક્ષણ ન બગડે તે માટે વિદ્યાર્થિની આ બધું સહન કરીને પણ ભણતર પર ધ્યાન આપતી હતી.
ડરાવીને વીડિયો બનાવ્યો
11 મેની સાંજે જ્યારે વિદ્યાર્થિની હોસ્ટેલમાં હતી ત્યારે શિક્ષિકા, યુવક અને અન્ય વિદ્યાર્થિનીઓએ મળીને તેને ડરાવવાનું શરૂ કરી દીધું હતું અને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા લાગ્યા હતા. જો તે આત્મહત્યા નહીં કરે તો તેને ગુમ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાનો બીજી વિદ્યાર્થિની વીડિયો બનાવી રહી હતી.
આ પણ વાંચો: આણંદ જિલ્લાના 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી માધ્યમિક સ્કૂલો!
પીડિત વિદ્યાર્થિનીનું કહેવું છે કે, "આટલાં બધાં લોકો વચ્ચે મારું અપમાન થતા હું અંદરથી તૂટી ગઈ હતી અને એટલે હોસ્ટેલના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે નીચે પડ્યાં બાદ હું બેભાન થઈ ગઈ હતી અને ભાનમાં આવતા ફરી મને ધમકી આપવામાં આવી કે જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશું."
પરિવારજનોએ કલેક્ટરને ફરિયાદ કરી
આ મામલે વિદ્યાર્થિનીના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. ઘરે આવ્યા બાદ તેણે આખો મામલો પરિવારજનોને જણાવ્યો હતો. એટલે તેને પહેલા તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગંભીર હાલતને કારણે તેની સારવાર ચાલી રહી છે. તેના પરિવારજનોએ આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને પગલાં લેવા માંગ કરી છે.
આ મામલે સીઓ સ્નેહા તિવારનું કહેવું છે કે, વિદ્યાર્થિની અને તેના પરિવારજનોએ ન તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે ન ફરિયાદ દાખલ કરી છે. તેમ છતાં વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ હકીકત હશે તે સામે આવી જશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
MANUBHAI NARANBHAI PRIYADARSHIજાતિવાદથી આ દેશ બરબાદ થઈ જશે...
-
Bharat MakwanaUP,MP માં દરરોજ એક ઘટના તો બને જ છે જાતિવાદ ની