આણંદ જિલ્લાના 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી માધ્યમિક સ્કૂલો!
ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર ખાડે ગયું છે. આણંદ જિલ્લામાં 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી હાઈસ્કૂલો છે જેના કારણે અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.
શિક્ષણનું ખાનગીકરણ ગુજરાત સહિત દેશભરને કઈ હદે નુકસાન કરી રહ્યું છે તેના દાખલા શોધવા જવા પડે તેમ નથી. વર્તમાન સ્થિતિથી દેશનો સામાન્ય માણસ તેનાથી સારી પેઠે વાકેફ છે. એક બાજુ સરકાર શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજીને વાહવાહી લૂંટવા પ્રયત્ન કરે છે. બીજી તરફ ખરેખર જ્યાં પૈસા ખર્ચવાની જરૂર છે ત્યાં ખર્ચતી નથી. મામલો આણંદ જિલ્લામાં આવેલી સરકારી હાઈસ્કૂલોનો છે. મળતી વિગતો પ્રમાણે અહીં 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી હાઈસ્કૂલો આવેલી છે. જેના કારણે અહીં શિક્ષણનું સ્તર કથળ્યું છે.
સરકારે એક પણ નવી સ્કૂલ માટે મંજૂરી ન આપી
સરકારી શાળાઓની અપુરતી સંખ્યા હવે સમગ્ર ગુજરાતનો પ્રશ્ન બની ગયો છે. જો કે આણંદ જિલ્લાની સમસ્યા જરા જુદા પ્રકારની છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં રાજયમાં નવી ૩૧૬ સરકારી હાઇસ્કૂલો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ તેમાંથી આણંદ જિલ્લામાં એકપણ હાઈસ્કૂલની ફાળવણી કરવામાં આવી નથી. મતલબ જિલ્લાના ૮ તાલુકામાં ૯૧ ટકાથી વધુ ગામોમાં સરકારી માધ્યમિક શાળા ન હોવાથી ખેતી કે મજૂરીકામ સાથે જોડાયેલા સામાન્ય પરિવારોના બાળકોને નજીકના સ્થળે વધુ અભ્યાસની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
જિલ્લામાં સરકારી શાળાઓ 15, ખાનગી શાળાઓ 210
આણંદ જિલ્લામાં ધો.૧થી ૮ની સરકારી પ્રાથમિક શાળાઓ ૯૯ર છે. જયારે ધો.૯થી ૧૦ની સરકારી શાળાઓ માત્ર ૧પ છે. જયારે તેની સામે ર૧૦થી વધુ ખાનગી શાળાઓ નોંધાયેલી છે. ખાસ કરીને ગ્રામ્ય, અંતરિયાળ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા ન હોવાથી ગામથી ૮થી ૧પ કિ.મી. દૂર આવેલ ખાનગી કે શહેરની શાળાઓમાં અભ્યાસ કરવા જવું પડે છે. અપડાઉનની રોજિંદી પળોજણ અને ઋતુજન્ય પડકારોને કારણે નાના ગામડા, પરા-અંતરિયાળ વિસ્તારના બાળકો ધો.૮ પછી આગળનો અભ્યાસ કરતા નથી.
ચિંતાજનક ડ્રોપઆઉટ રેશિયો છતાં એકપણ નવી સ્કૂલ નહીં
તમને જાણીને નવાઈ લાગશે કે, આણંદ જિલ્લામાં દર વર્ષે ધો. ૮ પછી અંદાજે ર૬૦૦થી વધુ બાળકો અભ્યાસ છોડી રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો ઉંચો હોય તે જિલ્લામાં સરકાર દ્વારા ૩૧૬ સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ફાળવવામાં આવી છે. પરંતુ આણંદ જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક હોવા છતાંયે આ વર્ષ એકપણ નવી સરકારી હાઇસ્કૂલને મંજૂરી અપાઈ નથી. સરકારી શાળાઓ ન હોવાના કારણે અનેક ગામોના વિદ્યાર્થીઓને ધો.૮ બાદના વધુ અભ્યાસ માટે દૈનિક ૧પથી ર૦ કિ.મી. અપડાઉન કરવું પડે છે. જેમાં સમય અને નાણાંનો વ્યય થઇ રહ્યો છે. આ ઉપરાંત એસ.ટી.બસ સેવા નિયમિત અને સમયસર ન હોવાની ફરિયાદોના કારણે વિદ્યાર્થીઓને જ સૌથી વધુ પરેશાની ભોગવવી પડે છે. આ હાડમારીની અસર તેમના શિક્ષણ અને પરિણામો પર પણ પડતી હોવાના કારણે તેઓ વધુ અભ્યાસ કરવાનું માંડી વાળે છે.
ખંભાત તાલુકામાં સરકારી હાઈસ્કૂલો ફક્ત 3
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ધો. ૧ થી ૮ની ૧૪પ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થઈને આગળના શિક્ષણ માટે આગળ વધે છે. જો કે તેમને નિરાશા સાંપડે છે કેમ કે અહીં સરકારી માધ્યમિક શાળાઓ ફક્ત 3 છે અને તે પણ મોટાભાગના ગામોથી ૧ર થી ૧પ કિ.મી.ના અંતરે આવેલી છે. આ વિસ્તારમાં મોટાભાગના વાલીઓ ખેતીકામ અને મજૂરી સાથે જોડાયેલા છે. આથી તેઓને દૂરના સ્થળે પોતાના પુત્ર કે પુત્રીને હાઈસ્કૂલમાં ભણાવવા ઇચ્છુક ન હોવામાં દૈનિક ખર્ચ, અપડાઉનમાં વધુ સમય વ્યતિત થવા સહિતના કારણો જોવા મળે છે.
આ મામલે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસીયા જણાવે છે કે, ધો.૮ પછીનો અભ્યાસ માધ્યમિક વિભાગ સંલગ્ન છે. જેથી ધો.૮ સુધીના અને ત્યારબાદ માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓની સંખ્યા સહિતનું ડેટા વર્ગીકરણ જિલ્લા સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવતું હોય છે. આથી આ વિભાગ દ્વારા છેલ્લા પ વર્ષોના ડેટાનું વર્ગીકરણ કરીને સંપૂર્ણ અહેવાલ રાજય શિક્ષણ વિભાગમાં મોકલવો જોઇએ. જેથી ધો.૯માં ડ્રોપ આઉટ નિવારવા માટેના અસરકારક પગલા ભરવાની પ્રકિયા અંગે રાજય સ્તરેથી આયોજન કરી શકાય. મોટાભાગના ગામોમાં ધો.૮ પછી વિદ્યાર્થિનીઓને ૮થી ૧૦ કિ.મી. દૂર આવેલી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા પરિવારજનો મોકલવા ઇચ્છુક હોતા નથી. જેથી આવા વિસ્તારોનો સર્વે કરીને સરકારી હાઈસ્કૂલો શરૂ કરાય તો ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થઇ શકે.
ધો.૮ પછી ડ્રોપ આઉટના અનેક કારણો છે
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની ધો.૧થી ૮ની ૯૯ર પ્રાથમિક શાળાઓમાં દર વર્ષ અંદાજે ૧.૭ર લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. જે પૈકી ધો.૮ પાસ કર્યા બાદ આ શાળાઓના તમામ બાળકો ધો.૯માં પ્રવેશ ન લેતા હોવાનું ગંભીર ચિત્ર જોવા મળે છે. ડ્રોપ આઉટના મુખ્ય કારણોમાં ગામથી પથી ૧ર કિ.મી. દૂર હાઇસ્કૂલ હોવાથી વિદ્યાર્થીનીઓને દૂર મોકલવા પરિવારજનોની અનિચ્છા, દિકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવવા કુટુંબની આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવી, ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધુ હોવાથી ખેતી કે મજૂરી સાથે સંકળાયેલા પરિવાર બાળકોને આગળનો અભ્યાસ કરાવતા નથી. કેટલાક સમાજમાં દિકરીના બાળલગ્ન થઈ ગયા હોવાથી ધો.૮ બાદ તેને વધુ ભણાવવામાં આવતી નથી. જયારે કેટલાક વિસ્તારોના પરિવારજનો દિકરીઓની સુરક્ષાના કારણે આગળ ભણાવવા ઇચ્છુક ન હોવાનું જોવા મળે છે.
ગામથી પ કિ.મી. વિસ્તારમાં હાઇસ્કૂલ ન હોય તો ગ્રામ પંચાયત દરખાસ્ત કરી શકે
આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી હાઇસ્કૂલને મંજૂરી આપવાની પ્રકિયા લગભગ ૧૯૯૦થી બંધ કરવામાં આવી હતી. પરંતુ લગભગ ત્રણેક વર્ષ અગાઉ સરકારી હાઇસ્કૂલ માટે માંગણી આવ્યેથી બનાવવા માટેનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં જે ગામથી સરેરાશ પ કિ.મી. વિસ્તારમાં હાઇસ્કૂલ ન હોય તો ગ્રામ પંચાયત સરકારી હાઇસ્કૂલ બનાવવા માટેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને મોકલી શકે છે. જે દરખાસ્ત રાજયમાં મોકલવામાં આવે છે. જયાંથી મંજૂરી મળ્યા બાદ હાઇસ્કૂલ બનાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવે છે. આણંદ જિલ્લાની ૩૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતમાં છેલ્લા એક વર્ષથી વહીવટદારનું શાસન લાદવામાં આવ્યું છે. ઉપરાંત ગામના ધો.૮ પાસ બાળકોને નજીકમાં શાળા ઉપલબ્ધ થાય તે માટે ગ્રામ પંચાયત પણ માધ્યમ બની શકે તે અંગેના સરકારી ઠરાવનો પ્રચાર-પ્રસાર પણ પૂરતા પ્રમાણમાં થયો ન હોવાથી સરપંચો પણ અજાણ જોવા મળે છે. એવામાં તેમને આ બાબતે વાકેફ કરવામાં આવે તે જરૂરી છે. સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ગામના બાળકોને ધો.૮ પછીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે દરખાસ્ત તૈયાર કરવા સહિતની ઇચ્છાશકિત પણ દાખવવી જોઇએ.
આગળ વાંચોઃ ૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.