આણંદમાં 6072 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધનાની સાઈકલ મળી નથી!

આણંદ જિલ્લામાં એસસી, એસટી અને વિકસતી જાતિની 6 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ સાઈકલ સહાય મળી શકી નથી.

આણંદમાં 6072 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધનાની સાઈકલ મળી નથી!
image credit - Google images

ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળએ છે. પરિણામે કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી. જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે. આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે. 

વાત છે રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજનાની. જેમાં ધોરણ 9ની અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ અને વિકસતી જાતિની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ આપવામાં આવે છે. આ યોજનાને કારણે અનેક ગરીબ પરિવારની કન્યાઓ શાળાએ જતી થઈ હતી. પણ આણંદ જિલ્લામાં અગમ્ય કારણોસર આખું વર્ષ વીતી જવા છતાં 6 હજારથી વધુ વિદ્યાર્થીનિઓને સાઈકલ મળી શકી નથી. જેના કારણે તેમના શિક્ષણ પર માઠી અસર થઈ છે.

રાજય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિ સમાજની ધો.૯ની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. પરંતુ ગત વર્ષે આણંદ જિલ્લામાંથી દરખાસ્ત કરાયેલ લાભાર્થી વિદ્યાર્થીનીઓ પૈકી એકપણને હજી સુધી સાયકલ ફાળવવામાં આવી નથી. મતલબ કે આખું વર્ષ પુરું થવા છતાં સંલગ્ન તંત્રના પેટનું પાણી પણ આ મામલે હલ્યું નથી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના પરિવારોની ધો. ૮ પાસ કરીને ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને શાળાએ પહોંચવા માટે રાજય સરકાર દ્વારા આશરે ૧૪ વર્ષ અગાઉ સરસ્વતી સાધના યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉપરોકત પરિવારોની ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનિને શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ સાયકલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ ગત વર્ષે આ યોજના માટે જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજે કુલ ૬૦૭ર દરખાસ્ત કરવા છતાંયે રાજય તંત્રની લાપરવાહીને કારણે હજી સુધી લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવવામાં નથી આવી. આગામી દિવસોમાં ધો.૧થી ૯ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. જે પૂર્ણ થતાં ઉનાળું વેકેશન પડશે અને બાદમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે. વેકેશન દરમ્યાન સરસ્વતી સાધના યોજના હેઠળ આવરી લેવાયેલ સમાજની ધો. ૯ની દિકરીઓને સાયકલ યોજના માટે કાર્યરત સમાજ કલ્યાણના ત્રણેક વિભાગો દ્વારા નવા વર્ષ માટેની દરખાસ્તો મોકલવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે ગત આખું વર્ષ વીતવા છતાંયે સાયકલો ફાળવવામાં ન આવી હોવા છતાંયે આ લાભાર્થીઓને લાભ અપાશે કે કેમ? નવા વર્ષની મોકલવામાં આવનાર દરખાસ્તો મુજબ સમયસર સાયકલો વિતરણ કરાશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર જવાબ રાજય સ્તરેથી પાઠવવામાં ન આવ્યાનું સંલગ્ન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.૮માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ ફાળવવામાં આવતી હતી. પરંતુ રાજય શિક્ષણ વિભાગ દ્વારા ધો.૮નો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાયો હતો. જેથી સાયકલ યોજનાને પણ ધો.૮ના બદલે ધો.૯માં ફેરબદલ કરવામાં આવી હતી.

ટાર્ગેટ પ્રમાણે અરજીઓ મેળવવા વાર્ષિક આવકમાં સુધારો કરાયો હતો
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અગાઉના વર્ષોમાં પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૪૭ હજાર કે તેથી ઓછી અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૬૮ હજાર કે તેથી ઓછી આવક મર્યાદા ઠરાવવામાં આવેલ હતી. પરંતુ વધતી જતી મોંઘવારી, જીવનઘોરણનો ઊંચો આંક વગેરે ધ્યાને લેતા આવક મર્યાદા ઘણી ઓછી હોવાથી સરકારની યોજનાઓમાં લક્ષ્યાંક મુજબ અરજીઓ મળતી ન હોવાની વિભાગે સ્પષ્ટતા કરી હતી. જેથી કલ્યાણકારી યોજનાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧.ર૦ લાખ અને શહેરી વિસ્તારમાં ૧.પ૦ લાખ વાર્ષિક આવક મર્યાદા નકકી કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જાતિની ધો.૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના) માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા ૬ લાખ કરવામાં આવી છે.

સહાય માટેની સિસ્ટમ કેવી છે?
આણંદ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિ)ના અધિકારીક સૂત્રો મુજબ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં દરેક શાળાના આચાર્યો પાસેથી ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ પૈકી સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની લાભાર્થી વિદ્યાર્થીનિઓની દરખાસ્ત મંગાવવામાં આવે છે. આચાર્યો દ્વારા રાજય સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તેમની શાળાની લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંપૂર્ણ વિગતો સાથેની દરખાસ્ત મોકલવાની હોય છે. જે દરખાસ્ત જિલ્લામાં કાર્યરત યોજના હેઠળના ત્રણેય વિભાગના નાયબ નિયામક દ્વારા ઓનલાઇન દરખાસ્તો ચકાસણી કરીને મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાની કુલ સાયકલોની યાદી રાજય સરકારની અધિકૃત એજન્સી ગ્રીમકોને મોકલવામાં આવે છે. આણંદ જિલ્લામાંથી યોજનાની લાભાર્થી વિદ્યાર્થીનિઓની શાળા કક્ષાએથી આવેલ દરખાસ્તોની ચકાસણી કરીને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેને રાજય સરકાર દ્વારા અધિકૃત એજન્સી ગ્રીમકોને મોકલવામાં આવે છે. ગ્રીમકો દ્વારા જિલ્લા મથકે સાયકલો પહોંચાડવામાં આવે છે. ત્યાંથી તાલુકા મુજબ શાળાઓમાં સાયકલો પહોંચાડવાની કામગીરી સમાજ કલ્યાણ સહિતના વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમાં લાભાર્થી વિદ્યાર્થિનીના વાલીની સાયકલ મળ્યાની પહોંચ સહિતના દસ્તાવેજ એકત્ર કરીને શાળા મારફતે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે.

અગાઉ સાઈકલો વિતરણ વિના કાટ ખાઈ ગઈ
અગાઉના વર્ષોમાં યોજનાની વિતરણ કરાયા વગરની સાયકલો કાટ ખાઇ ગયાનો મામલો ચર્ચિત બન્યો હતો. આણંદ જિલ્લામાં અગાઉના વર્ષોમાં સરસ્વતી સાધના યોજના હેઠળ તાલુકાઓમાં સાયકલોનો જથ્થો મોકલાયો હતો. પરંતુ બાદમાં રાજયસ્તરેથી આ મામલે કોઈ મોનિટરીંગ ન થતા અનેક શાળાઓમાં વર્ષો સુધી સાઈકલોનો ખડકલો થયો હતો અને બીજી તરફ લાભાર્થી વિદ્યાર્થિનીઓ સાઈકલથી વંચિત રહી હતી. કાટ ખાઈ ગયેલી સાયકલોના ફોટાઓ સાથેના અહેવાલે છેક ગાંધીનગર સુધી હડકંપ મચાવી દીધો હતો.

સોફ્ટવેર અપડેટ અને સ્કોલરશીપમાં જ આખું વર્ષ વીતી ગયું?
રાજય અને કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પ્રિ મેટ્રીક સ્કોલરશીપ સહિતની યોજનાઓનો લાભ નિયત વિદ્યાર્થીઓને મળી રહે તે માટે નામ નોંધણી-દરખાસ્તમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવે છે. જેમાં વર્ષ ર૦રર-ર૩થી સ્કોલરશીપ મેળવવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના નામ સહિતની દરખાસ્ત શાળાના આચાર્ય મારફતે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર કરવાનું ઠરાવાયું હતું. યોગાનુયોગ ગત વર્ષે આ પોર્ટલ-સોફટવેર અપડેટ કરવાની પળોજણ ઉભી થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ (ડીબીટી), થમ્બ ઈમ્પ્રેશન, આધારકાર્ડ સહિતના સ્કોલરશીપ માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા સહિતની કામગીરીમાં મહિનાઓ વીતી ગયા હતા. આ આખી કવાયતમાં સરસ્વતી સાધના યોજનાની લાભાર્થી વિદ્યાર્થિનીઓને સાઈકલની ફાળવણીની આખી પ્રક્રિયા હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી અને ઓનલાઈન અટવાઈ પડી હતી.

આગળ વાંચોઃ ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.