કોળી સમાજે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખ્યો
ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 32 ટકા આસપાસ છે ત્યારે તેણે સમાજના નેતા કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે.
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકારના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે ગુજરાતનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરતો પત્ર વડાપ્રધાન મોદીને લખાયો છે. જો કે, આ મામલે ખુદ બાવળિયાએ સ્પષ્ટતા કરીને આ વાત પાયાવિહોણી હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, આવી બાબતો અંગેનો નિર્ણય મોવડીમંડળ જ લેતું હોય છે તેમ જણાવ્યું હતું. આ બાબતને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપમાં આજ સુધી જેનો અંતરઆત્મા દબાયેલો હતો તેઓ હવે બોલી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી ગુજરાત સરકારનું વિસ્તરણ ગમે ત્યારે થઈ શકે છે, તેવી ચર્ચાઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે એક નવી બાબત સામે આવી છે. જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ અને કોળી સમાજના અગ્રણી ભૂપત એમ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીધા ગુજરાતનાં મુખ્યમંત્રી બનાવવા માટેની રજૂઆત કરી છે.
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ડાભીએ જણાવ્યું છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજ સંપૂર્ણ રીતે ભાજપ સાથે રહ્યો છે. તો કોળી સમાજની લાગણી અને માંગણી છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કુંવરજી બાવળિયાને બનાવવામાં આવે.
આ મામલે કોળી સમાજના અગ્રણી ભૂપત ડાભીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોળી સમાજનો સરવે કરીને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. લોકસભાની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પણ બહોળી છે. કુંવરજીભાઈ જેવા વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: ફાતિમા શેખની પ્રતિભા-ક્ષમતાઓની સાબિતી આપતો માતા સાવિત્રીબાઈ ફૂલેનો પત્ર
ભૂપત ડાભી ઉપરાંત અન્ય કોળી સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે કોળી સમાજની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચર્ચાઓ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ બાબત અંગે મને કોઈ જાણકારી નથી, હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી આવી રજૂઆત થાય છે. પરંતુ કેબિનેટ મંત્રી પદથી હું સંતુષ્ટ છું. જ્યારે આવા પદની નિમણૂક અંગે પક્ષનું મોવડીમંડળ નિર્ણય લેતું હોય છે.
આ મામલે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગોહિલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો અંતરાત્મા જાગ્યો છે. ભૂતકાળમાં ભાજપમાં જે લોકો બોલ્યા, તેમની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. હવે ભાજપમાં આંતરિક લોકશાહી માટેની બારી ખુલી છે. ભાજપમાં બોલવાનું શરૂ થયું છે તે બાબતનું સ્વાગત કરું છું.
ગોહિલે ભાજપના હરેન પંડ્યાને યાદ કરતા જણાવ્યું હતું કે, હરેન પંડ્યા ભૂતકાળમાં ભાજપ સામે બોલ્યા હતા અને તેમની સાથે શું થયું? એ જાણીએ છીએ. ભૂતકાળમાં જે બોલ્યા હતા તેમની કારકિર્દી પતાવવાનું કામ થયું છે. ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનાં નેતાઓનો અંતરાત્મા દબાયેલો હતો, તે હવે જાગ્યો છે અને બોલવાની શરુઆત થઈ છે. ભાજપના નેતાઓને એવું થયું છે કે હવે બોલવા જેવું છે એટલે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે.
આ પણ વાંચો: સંસદ ભવનમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવા પત્ર ઝુંબેશ શરૂ