કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે
કચ્છની ખમીરવંતી બહુજન મહિલાઓના નામે એક સોનેરી ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. અહીં પહેલીવાર મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવી એક ઘટના આવતા મહિને આકાર પામવા જઈ રહી છે. જો સમાચાર માધ્યમો યોગ્ય નોંધ લે તો ગુજરાત જ નહીં, આખું ભારત મોંમાં આંગળા નાખી જાય તેવા એક પ્રસંગનું કચ્છ સાક્ષી બનવા જઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કચ્છમાં પહેલીવાર મહિલાઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમૂહલગ્ન અનેક રીતે અનોખા છે, પહેલી વાત તો એ કે તેનું તમામ આયોજન ફક્ત અને ફક્ત મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સમૂહલગ્નો મોટાભાગે કોઈ સમાજ અથવા તો રાજકારણીઓ, આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે, જેમાં મહિલાઓની ભાગીદારી અત્યંત મર્યાદિત હોય છે. આવી સ્થિતિમાં કોઈ સમૂહલગ્નનું તમામ આયોજન મહિલાઓ દ્વારા થાય તે કેટલી મોટી વાત ગણાય? ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર મહિલાઓ દ્વારા સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે. એપણ કોઈપણ નાતજાત જોયા વિના. ડૉ. ભીમરાવ આંબેડકરે નાતજાત તોડવાની જે વાત કરી હતી તેને આ મહિલાઓ ખરા અર્થમાં સાકાર કરવા જઈ રહી છે, એ પણ માતા સાવિત્રીબાઈ ફૂલેના નામે નોંધાયેલા સંગઠન હેઠળ.
હસ્તકળા સાથે જોડાયેલી કચ્છી મહિલાઓનું સાહસ
સિસ્ટમમાં પરિવર્તન વાતો કરવાથી નથી આવતું, તેના માટે સ્ટેન્ડ લેવું પડે, ભોગ આપવો પડે, નેતૃત્વ લેવું પડે, રસ્તો ચીંધવો પડે, ત્યારે જતી પરિવર્તનની શરૂઆત થાય. વર્ષોથી બહુજન સમાજ જ્ઞાતિજાતિ તોડવાની વાત કરી રહ્યો છે, તેને કચ્છની મહિલાઓના એક સંગઠને તોડીને નહીં પરંતુ જોડીને બતાવ્યું છે. અહીં એક અનોખા સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે, જેનું તમામ પ્રકારનું નેતૃત્વ ફક્ત મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. ગુજરાત કે ભારતમાં સમૂહ લગ્ન એ કોઈ નવાઈની વાત નથી, પરંતુ માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા સમુહ લગ્ન થાય અને એમાંય કોઈ ચોક્કસ જ્ઞાતિની મહિલાઓ દ્વારા નહીં પરંતુ હસ્તકલાના સ્વરોજગાર સાથે સંકળાયેલી વિવિધ જ્ઞાતિની મહિલાઓના મંડળ દ્વારા "સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન" યોજાય એ બાબત ચોકકસપણે પ્રશંસનીય ગણાય. ભૂકંપ પછી વિકાસનો પર્યાય બનેલા કચ્છ જિલ્લામાં સમાજના છેવાડાના વર્ગની મહિલાઓનું હસ્તકલા જેવા પરંપરાગત ક્ષેત્રે સ્વ સશક્તિકરણ થયું છે. કચ્છી ભરતકામ, માટી કામ, પેચવર્ક જેવી અનેકવિધ હસ્તકલા સાથે મુખ્યત્વે ગુર્જર મેઘવાળ, મારુ-મારવાડા મેઘવાળ, ગુરૂ બ્રાહ્મણ, કોળી-પારધી, રબારી અને આહિર જેવા બહુજન સમાજની મહિલાઓ પરંપરાગત રીતે જોડાયેલી છે. આ સમાજની મહિલાઓના એક સંગઠન સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘ દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત આગામી એપ્રિલ મહિનામાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ સમાજના 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે
આ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં 11 યુગલો આગામી 15 એપ્રિલે એક જ મંડપ હેઠળ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગનું સમગ્ર આયોજન સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘની વિવિધ જ્ઞાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ગુર્જર મેઘવાળ, ગુરૂ બ્રાહ્મણ, રબારી, પારાધી, આહિર અને પટેલ એમ વિવિધ જ્ઞાતિના કુલ 11 યુગલો એક જ મંડળ હેઠળ લગ્નના બંધનમાં બંધાશે. છેલ્લાં ઘણાં દિવસોથી આ સમૂહલગ્ન માટે સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘની મહિલાઓ રાતદિવસ જોયા વિના કામ કરી રહી છે.
આયોજકોમાં દલિત, રબારી, આહિર સમાજની મહિલાઓ
આ સમૂહ લગ્નના આયોજકોની વાત કરીએ તો તેમાં કોઈ એક સમાજની મહિલા નથી પરંતુ દલિત, પટેલ, રબારી, આહિર એમ વિવિધ સમાજની મહિલાઓ છે. સંગઠનનું નામ માતા સાવિત્રીબાઈ ફૂલેના નામ પરથી છે એજ બતાવે છે કે, તેની વિચારધારા શું હશે.
આ સમૂહલગ્નના આયોજકો પૈકીના એક રસીલાબેન ડુંગરીયા કહે છે, “કચ્છમાં અત્યાર સુધીમાં સમૂહલગ્નો તો ઘણાં થયા છે, પરંતુ આ લગ્ન અનોખા એટલા માટે છે કેમ કે તેમાં તમામ આયોજન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં આ પ્રકારના આયોજનો જે તે સમાજ પુરતો મર્યાદિત હોય છે, પણ અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં કોઈ નાતજાતનો ભેદ નથી. કચ્છમાં હજુ સુધી કોઈ બહેનોએ સમૂહલગ્નનું આયોજન કર્યું હોય તેવું અમારી જાણમાં નથી. એ રીતે કદાચ આ પહેલો એવો પ્રસંગ બની રહેવાનો છે. સર્વજ્ઞાતિ સમૂહ થશે તો આગામી દિવસોમાં સમાજ-સમાજ વચ્ચેના ભેદભાવોની ખાઈ ઓછી થશે અને આવનારી પેઢી તેમાંથી કંઈક શીખશે.”
અન્ય એક આયોજક અંજારના લક્ષ્મીબેન રબારી કહે છે, “કચ્છમાં આ પહેલો પ્રસંગ છે અને તેમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનું નામ જોડાયેલું છે તે ખૂબ મહત્વની વાત છે. માતા સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહા સંઘના નેજા હેઠળ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે ત્યારે સૌ કોઈ આમાં જ્ઞાતિજાતિના વાડા તોડીને જોડાય તે જરૂરી છે. અમે રાતદિવસ જોયા વિના હાલ મહેનત કરી રહ્યાં છીએ. આ પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય પછી તેનાથી પણ મોટું આયોજન કરવાની અમારી ઈચ્છા છે.”
આ સમૂહલગ્નમાં માર્ગદર્શક રહેલા અમદાવાદના સામાજિક કાર્યકર શંકરભાઈ ડુંગરીયા કહે છે, “આ સમૂહલગ્નનું આયોજન કરનારી બહેનો મોટાભાગે કચ્છના પરંપરાગત હસ્તકળા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તેઓ મુખ્યત્વે ભરતગુંથણ, માટીકામ, પેચવર્કનું કામ કરે છે. માતા સાવિત્રીબાઈ ફૂલેના નામે તેમનું સંગઠન છે અને જેવું નામ તેવું જ તેમનું કામ છે. આ બહેનો કચ્છમાં સમૂહલગ્ન યોજવા જઈ રહી છે. મેં મારી સામાજિક કાર્યકર તરીકેની કામગીરી દરમિયાન ક્યાંય પણ મહિલાઓ દ્વારા આવું આયોજન જોયું નથી. એ રીતે કદાચ એ કચ્છનો જ નહીં પરંતુ ગુજરાતનો પહેલો એવો પ્રસંગ બની રહેવાનો છે.”
ઉલ્લેખનીય છે કે, આ સમૂહ લગ્નમાં નામ નોંધણી કરાવવા માટે તા. 1 થી 15 એપ્રિલ 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતા યુગલો કે વાલીઓએ નિયત સમયમર્યાદામાં નામ નોંધણી કરાવવી જરૂરી છે. તેના માટે વધુ જાણકારી માટે 6353943986 અને 9726464468 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.