CREDAI ની ચેતવણી : નવી જંત્રી કોઈ કાળે સ્વીકાર્ય નથી, ફેર વિચારણા કરે
રાજ્ય સરકારની નવી સૂચિત જંત્રીને લઈને વિરોધના સૂર ઉઠવા શરૂ થઈ ગયા છે. બિલ્ડરો અને ડેવલપરોની સંસ્થા ક્રેડાઈએ મોરચો માંડી અનેક વાંધા રજૂ કર્યા છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ, 2025 થી સૂચિત નવી જંત્રી અમલમાં લાવવા માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. જો કે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચિત નવી જંત્રી સામે રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સ એસોશિએશનની સંસ્થા એવી ક્રેડાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ક્રેડાઈ દ્વારા એવો દાવો કરાયો છે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સૂચિત જંત્રીના દરમાં જે વધારો કરાયો છે, તે વાસ્તવિક નથી. તેમજ જંત્રીના દરોમાં કરાયેલા સૂચિત વધારાની દરખાસ્તો ખેડૂતો, મકાન ખરીદનાર સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો કરનાર છે. સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નવી જંત્રીના દરોમાં 200થી 2000 ટકાનો અણઘડ વધારો ઝીકયો છે તે ખેડૂતો અને મકાન ખરીદવા ઇચ્છતા સામાન્ય વર્ગના લોકોની કમર તોડી નાખશે. જેથી સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે સૂચિત જંત્રીના દરોમાં ઘટાડો કરવા, જંત્રી માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનોની મર્યાદાને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવે તેમજ વાંધા સૂચનો ઓનલાઈનની સાથોસાથ ઓફલાઇન ધોરણે જે તે જિલ્લા અને તાલુકા મથકથી આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કોઈ પણ જાતના સાયન્ટિફિક રીતે સર્વે કર્યા વિના નવી સૂચિત જંત્રીના દર આગામી તા. 31. માર્ચ 2025થી અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં, આ નવી જંત્રીના દરમાં 200થી 2000 ટકા સુધીનો ધરખમ વધારો કરાયો છે. આ નવી જંત્રીના દર અંગે આગામી તા. 20 નવેમ્બર સુધીમાં ઓનલાઈન દ્વારા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. સરકારનો આ નિર્ણય રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર ગંભીર અસર પહોંચાડી શકે છે. સરકારના આ નિર્ણયથી સૌથી વધુ કફોડી સ્થિતિ ખેડૂતો તેમજ ઘર (મકાન) ખરીદનાર સામાન્ય વર્ગના લોકો તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકોની બનશે.
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કોન્ફેડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોશિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ) અમદાવાદ ગાહેડના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2011 માં જંત્રી આવી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને અવારનવાર સૂચનો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2023 માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે 12 વર્ષ પછી આ જંત્રીમાં વધારો કરાયો છે તે અંગે સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરાયો હોવાની વાત કરી છે. રાજ્ય સરકારે એપ્રિલ 2023 થી અત્યાર સુધી સર્વે કર્યો અને 20 ઓક્ટોબર 2024ના રોજ એ સૂચિત જંત્રી જાહેર કરી છે. અને આગામી તા. 20 નવેમ્બર સુધીમાં વાંધા સૂચનો ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે. જેથી અમે આ મામલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 40,000 વેલ્યૂ ઝોન આવેલા છે. આ ઝોનને ધ્યાનમાં રાખ્યા વિના નવી જંત્રીના દર નક્કી કરાયા છે. આ વેલ્યૂ ઝોનની અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામ લોકોને લાગુ પડે છે.
ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે નવી જંત્રી માટે દોઢ વર્ષ લીધું, પરંતુ જનતાના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો આપ્યો, તે વ્યાજબી નથી. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ 200 ટકાથી લઈને 2000 ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું જણાય રહ્યું છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જોઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો ધરખમ વધારો અમને સ્વીકાર્ય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે રિવ્યૂ કરવા માટે દોઢ વર્ષનો સમય લે છે અને પ્રજાને તેના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો અને તે પણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા આપે છે. જે બિલકુલ યોગ્ય નથી. અમારી માંગણી છે કે, આગામી તા. 31 માર્ચ 2025 સુધી અમને રિવ્યૂ કરવાનો સમય આપો. એટલું જ નહીં, ઓનલાઇન રિવ્યૂનો વિકલ્પ બિલકુલ ઉપયોગી (યુઝર ફ્રેન્ડલી) નથી, ઓનલાઈન સિસ્ટમમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ આવી રહી છે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાદાન અને નાસમજ લોકો આ વાંધા સૂચનો કરી જ નહીં શકે. આ માટે રાજ્યના તાલુકા અને જિલ્લા મથકો ખાતે નાગરિકોના ઓફલાઈન પદ્ધતિથી પણ વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી અમારી માંગણી છે. એટ્લે કે આ માટે મામલતદાર અને કલેકટર કચેરીએ પણ લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ.
ક્રેડાઈના પ્રમુખ ધ્રુવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સૂચિત જંત્રી મામલે અમારે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. તેથી આ જંત્રી હાલના સંજોગોમાં અમારા માટે કોઈ કાળે સ્વીકાર્ય નથી. જેથી આ નવી જંત્રીના ધરખમ દર વધારાનો અમલ કરવા માટે રાજ્ય સરકાર અમને વધુ મુદત આપે તે જરૂરી છે. સાથોસાથ ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો પણ સરકાર વિકલ્પ આપે. તેમજ જંત્રીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જોઈએ પરંતુ હાલની જંત્રી કયા ધારા ધોરણોથી જાહેર કરવામાં આવી છે તેનો અમને જરા પણ અંદાજ નથી આવતો.
સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું સપનું બની રહેશે
આ અંગે ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારની આ નવી સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટેનું પ્રીમિયમ અનેકગણું વધી જાય છે. જેના કારણે અનેક કિસ્સાઓમાં જમીનની કિંમત કરતા પ્રીમિયમની રકમ ઘણી વધારે થાય છે. આ ઉપરાંત દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થતાં મકાન કે ઘર ખરીદનાર સામાન્ય વર્ગના નાગરિકોને મોટી તકલીફ થશે. રાજ્ય સરકારની આ નવી સૂચિત જંત્રીથી અમદાવાદ, ગાંધીનાર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના શહેરો અને નગરોમાં મકાનોની કિંમતમાં 30 થી 40 ટકા જેટલો ધરખમ વધારો થશે. જેના કારણે સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું એક સપનું બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના બળવત્તર બની છે.
નવા તેમજ રિડેવલપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે
નવી જંત્રીથી આવનારી મુશ્કેલીઓ વિશે ક્રેડાઈના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, નવી જંત્રીથી ટીડીઆરમાં પણ મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ તેમજ રિડેવલોપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે. રિડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ પણ વિવાદમાં સપડાશે. ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે વર્તમાન પ્રોજેક્ટને લઈને અનેક કાનૂની ગુંચવણ ઉભી થશે. જંત્રીનો દર બજાર કિંમતની નજીક હોવો જોઈએ એ અમે પણ માનીએ છીએ. પણ આ ટૂંકા ગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવવો શક્ય નથી. એક તરફ અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની અરજી કરાઈ છે, અને અમદાવાદમાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. કોઈપણ સિટીનું રિયલ એસ્ટેટ એની ઓળખ બને છે, પરંતુ આ નવી જંત્રીના કારણે આ આખું માર્કેટ 3 થી 4 વર્ષ પાછળ જતું રહેશે. આની સૌથી મોટી અસર જમીન માલિક એવા ખેડૂતોને થશે.
રાજયમાં કલેકટરને આવેદનપત્ર આપવા ઉપરાંત જરૂર પડે મુખ્યમંત્રીને ફરી મળીશું
ક્રેડાઈ પ્રમુખે જણાવ્યું હતું કે, આ તમામ મામલે આગામી સમયમાં અમે રાજ્યભરમાં કલેક્ટરને આવેદન પત્રો આપી વાસ્તવિકતા જણાવીશું. સમય આવે મુખ્યમંત્રીને પણ પુનઃ મળવા જઈશું. જરૂર પડ્યે કોર્ટનો પણ સહારો લેવાની વાત અમારા સભ્યોએ કરી છે. કોઈપણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારને રજૂઆત છે. હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણ જાહેર કરવા જોઈએ.
આ પણ વાંચો: હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે