દલિત મહિલા ડેપ્યૂટી મેયર શાકભાજી વેચી જીવન ગુજારવા મજબૂર
દલિત હોવાથી મહાનગર પાલિકાના સવર્ણ નેતાઓ-અધિકારીઓ દ્વારા તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આર્થિક સંકડામણ અને ઉપેક્ષાથી કંટાળી તેઓ શાકભાજી વેચે છે.
જાતિવાદ ભારત દેશનો સ્થાયી ભાવ છે. અહીં તમારા કર્મ કરતા પણ પહેલા તમારી જાતિનું મહત્વ છે. તમે ગમે તેવા મોટા બંધારણીય હોદ્દા પર હો તો પણ જો તમે કથિત નીચી જાતિના છો તો ત્રણ દિવસે નહાતો નહીં હોય તેવો ગંદોગોબરો તમારાથી કથિત ઉંચી જાતિનો નોકર પણ તમારું જાતિગત અપમાન કરતા ખચકાશે નહીં. રાષ્ટ્રપતિ હોવા છતાં દ્રૌપદી મુર્મુને રામ મંદિરના ઉદ્ઘાટનમાંથી બાકાત રખાયા હતા. અગાઉ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એક મંદિરમાં ગયા બાદ પૂજારીઓ આખું મંદિર ધોવડાવ્યું હતું. આ દેશના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરને પણ જાતિવાદીઓએ છોડ્યા નહોતા. કહેવાતી સંસ્કારીનગરી વડોદરાના જાતિવાદી લોકો તેમને રહેવા માટે એક રૂમ આપી શક્યા નહોતા. હવે જે લોકો મહાનાયક આંબેડકરને ન છોડતા હોય તેઓ તેમનાથી નીચલા સ્તરના લોકોને છોડે તેવી અપેક્ષા રાખવી પણ નકામી છે. બાબાસાહેબને જેમ જાતિવાદીઓએ વડોદરા છોડાવ્યું હતું, એમ હવે એક મહાનગરપાલિકામાં જાતિવાદીઓએ ડેપ્યૂટી મેયરને તેમની જાતિના કારણે હેરાન કરી રહ્યાં છે. જેનાથી કંટાળીને દલિત ડેપ્યૂટી મેયર રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર બન્યાં છે.
દલિત ડેપ્યૂટી મેયર શાકભાજી વેચે છે
મામલો બિહારના ગયાનો છે. અહીં ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત ડેપ્યુટી મેયર ચિંતા દેવીને આર્થિક સંકડામણ અને વહીવટી ઉપેક્ષાને કારણે રસ્તા પર શાકભાજી વેચવાની ફરજ પડી છે. ઘરે ગેસ કે ચા માટે પણ પૈસા નથી અને મહાનગરપાલિકામાં પણ તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. જ્ઞાતિના ભેદભાવ અને ઉપેક્ષાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે.
ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિંતા દેવીના જીવનનું એક એવું દર્દનાક અને ચોંકાવનારું પાસું સામે આવ્યું છે, જેણે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને જ નહીં પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરી દીધા છે. સોમવારે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પાસે રસ્તાના કિનારે શાકભાજી વેચતી તેમની તસવીરો વાયરલ થઈ, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ચિંતા દેવીએ પોતાની પરિસ્થિતિ જણાવતી વખતે કહ્યું હતું કે, "મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સતત અવગણના કરી રહ્યા છે. કચેરીમાં તેમની હાજરીને મહત્વ આપવામાં આવતું નથી અને તેમના અધિકારોની સદંતર અવગણના કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે વહીવટમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેઓ અનુસૂચિત જાતિના છે. તેમણે જણાવ્યું કે આર્થિક સંકડામણના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યાં છે અને શાકભાજી વેચીને રોજના ત્રણ-ચારસો રૂપિયા માંડ કમાઈ શકી છે."
આર્થિક તંગીએ શાંતિ છીનવી લીધી, ચૂલા પર ભોજન બનાવવા મજબૂર
ચિંતા દેવીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેમના ઘરમાં એલપીજી ગેસ પણ નથી. આજે પણ તેને ચૂલા પર ખોરાક રાંધવાની ફરજ પડે છે. તેમણે તેની પુત્રીના લગ્ન માટે 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા જે તે આજ સુધી ચૂકવી શક્યા નથી. તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયર બન્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમને ન તો કોઈ સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી છે અને ન તો કોઈ આર્થિક મદદ આપવામાં આવી છે. આ સ્થિતિ તેમના માટે અત્યંત અપમાનજનક અને પીડાદાયક છે.
જાતિ ભેદભાવ અને રાજનીતિનો શિકાર બન્યાં
તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અંગે ચિંતા દેવીએ કહ્યું કે, તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવાથી શરૂઆતથી જ તેમની સાથે ભેદભાવનું રાજકારણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું, “અમે સાચું બોલીએ છીએ, એટલે બધાને કડવું લાગે છે. જ્યારે અમે જનહિતની વાત કરીએ છીએ અને અધિકારીઓ દ્વારા યોજનાઓના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે તેઓ અમારી અવગણના કરે છે. અમારી હાજરીનું સન્માન કરવામાં આવતું નથી અને અમારા મંતવ્યોને બિનમહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમને મીટિંગ્સ અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણ કરવામાં આવતી નથી, જેના કારણે તે મહાનગરપાલિકામાં સંપૂર્ણપણે એકલતા અનુભવે છે.
સમાજ અને વહીવટ માટે પ્રશ્નો
ચિંતા દેવીની આ લડત માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર કરતી નથી પરંતુ સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને આર્થિક અસમાનતાનું કડવું સત્ય પણ બહાર લાવે છે. સવાલ એ છે કે પ્રજાની સેવા કરવા માટે ચૂંટાયેલા ડેપ્યુટી મેયરને આવી સ્થિતિમાંથી કેમ પસાર થવું પડે છે?
આ ઘટના સામાજિક અને વહીવટી ખામીઓને ઉજાગર કરે છે, જેને સુધારવાની જરૂર છે. ચિંતા દેવીનો આ સંઘર્ષ સમાજ અને વહીવટ બંને માટે અરીસો છે, જે દર્શાવે છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.
ન્યાય અને સમાનતાની આશા
આ ઘટના એક ચેતવણી છે કે જો સમાજ અને વહીવટીતંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ નહીં લે, તો તે આપણા લોકતાંત્રિક મૂલ્યો માટે જ નહીં, પરંતુ ન્યાય અને સમાનતા માટે દરરોજ લડતા વંચિત સમાજો માટે પણ ખતરનાક બની રહેશે. ચિંતા દેવીની આ વ્યથા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર આપણા સમાજમાં દરેક માટે સમાન તક અને સન્માન છે કે પછી તે માત્ર કાગળ પરની વાતો છે?
ચિંતા દેવી 40 વર્ષથી સફાઈકામ કરતા હતા
ચિંતા દેવી ડેપ્યૂટી મેયર બન્યાં તે પહેલા 40 વર્ષ સુધી ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2023માં ચૂંટણી લડ્યાં અને ડેપ્યૂટી મેયર બન્યા હતા. ચિંતા દેવીએ માથે મેલું ઉપાડવાનું કામ કર્યું છે, જ્યારે તેઓ ડેપ્યૂટી મેયર બન્યાં ત્યારે મનુવાદી મીડિયાએ તેમને ભારે કવરેજ આપ્યું હતું અને હવે જાતિ ભેદભાવ જેવું કશું રહ્યું નથી તેવો પ્રચાર કર્યો હતો. પણ એક જ વર્ષની અંદર વાસ્તવિકતા સામે આવી ગઈ છે.
ગેસનો બાટલો ભરાવવાના પણ પૈસા નથી
ચિંતા દેવીનું ઘર ગયા શહેરના મદનપુરની મંગલાગુરી લટ્ટુ ગલીમાં છે. તેમના ઘર સુધી પહોંચવા માટે સાંકડી શેરીઓમાંથી પસાર થવું પડે છે. શેરી સાવ જર્જરિત છે અને ચિંતા દેવીના ઘરમાં ખોરાક પણ લાકડાના ચૂલા પર રાંધવામાં આવે છે. અગાઉ તેમને ઉજ્જવલા સ્કીમ હેઠળ ગેસ કનેક્શન મળ્યું હતું, પરંતુ પૈસાના અભાવે તેઓ ગેસ ફરીથી પુરાવી શક્યા નહોતા તેથી ચૂલા પર જ ભોજન રાંધવામાં આવે છે. ચિંતા દેવીના પરિવારમાં ત્રણ પુત્રો, ભોલા માંઝી, બબલુ માંઝી, મોહિત કુમાર અને બે પુત્રવધૂ દેવદંતિ દેવી અને સોની દેવી છે. તેમના પુત્રો અને પુત્રવધુ ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દૈનિક સફાઈ કામદાર તરીકે કામ કરે છે.
આ પણ વાંચો: જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી