વાલ્મિકી યુવકને ઊંધો લટકાવી 6 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા મોત

દારૂ માફિયાઓએ એક 27 વર્ષના નિર્દોષ વાલ્મિકી યુવકનું અપહરણ કરી, ઊંધો લટકાવી 6 કલાક સુધી તેના પગના તળિયે દંડા ફટકારતા તેનું મોત થઈ ગયું.

વાલ્મિકી યુવકને ઊંધો લટકાવી 6 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા મોત
all image credit - Google images

દલિત વ્યક્તિને નાની અમથી વાતમાં માર મારવો, તેને જાતિસૂચક ગાળો ભાંડવી, જાહેરમાં તેનું અપમાન કરવું કે અમાનવીય વર્તન કરવું કે મારી નાખવી, આ બધું જાતિવાદી તત્વો માટે જાણે સામાન્ય બાબત હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં અને બંધારણમાં આભડછેટ ખતમ કરી દેવામાં આવી હોવા છતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. દેશમાં દરરોજ દલિત અત્યાચારની કોઈને કોઈ એવી ઘટના બનતી રહે છે જે માણસ તરીકેના આપણા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે. 'A WEDNESDAY' ફિલ્મમાં નસરુદ્દીન શાહ જ્યારે પોલીસ અધિકારી અનુપમ ખેરને કહે છે કે, "મેં જ્યારે તમને કહ્યું કે મારું કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાણ નથી. હું તો એક સામાન્ય માણસ છું. ત્યારે કેવો તરત તમારા અવાજમાં આત્મવિશ્વાસ આવી ગયો." બસ આવું જ કંઈક દલિતો મામલે છે. જાતિવાદીઓને જ્યારે ખબર પડે છે કે, તેઓ જેમના પર અત્યાચાર કરી રહ્યાં છે તે, દલિત-આદિવાસી છે ત્યારે ખબર નહીં ક્યાંથી તેમનો આત્મવિશ્વાસ અચાનક વધી જાય છે. કેમ કે તેમને ખબર પડી જાય છે કે, આખું તંત્ર તેમનું છે, પોલીસથી લઈને આખી સિસ્ટમ તેમના માટે કામ કરતી રહે છે. એટલે તેમને કાયદો વ્યવસ્થાનો ડર નથી રહેતો. એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં દેશભરમાં આ મામલામાં આરોપીઓને સજા થવાનો દર સૌથી ઓછો છે. એ જ સાબિત કરે છે કે, જાતિવાદીઓને તેનો પર ડર નથી.

છેલ્લાં એક અઠવાડિયાથી એક ઘટનાએ છેક દિલ્હી સુધી હોબાળો મચાવી દીધો છે જેમાં એક વાલ્મિકી સમાજના યુવકને જાતિવાદી તત્વોએ ઊંધો લટકાવીને 6 કલાક સુધી તેના પગના તળિયા પર દંડા ફટકાર્યા. જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર દલિત સમાજને હચમચાવી નાખ્યો છે.

દારૂ માફિયાઓની દાદાગીરી

મામલો મહિલાઓ માટે નર્ક મનાતા રાજસ્થાનનો છે. અહીંના ઝૂંઝનૂ જિલ્લાના સૂરજગઢ વિસ્તારમાં ગૌશાળામાં કામ કરતા એક વાલ્મિકી સમાજના કર્મચારીના પગ બાંધીને લોખંડના પાઈપ સાથે ઊંધો લટકાવી દીધો. એ પછી તેના પગના તળિયા પર 6 કલાક સુધી દંડા મારવામાં આવ્યા. થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે તેનું મોત થઈ ગયું. સમગ્ર રાજસ્થાનના દલિત સમાજમાં આ ઘટનાનો મોટો પડઘો પડતા પોલીસ તરત એક્શનમાં આવી હતી અને તમામ આરોપીઓની 48 કલાકની અંદર ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે એક સગીરને પણ ડિટેઈન કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને મારતી વખતે આરોપીઓએ તેનો વીડિયો બનાવ્યો હતો. જે ઘટનાના થોડા દિવસ પછી સામે આવ્યો હતો.

ફક્ત શંકાના આધારે અપહરણ કર્યું અને માર માર્યો

ઝુંઝુનુ જિલ્લાના સૂરજગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુખદેવ સિંહના જણાવ્યા પ્રમાણે "બલોદામાં દારૂની દુકાનના કર્મચારીઓ અને ગેરકાયદેસર દારૂ બનાવનારાઓ વચ્ચે દુશ્મનાવટ છે. આ ઘટના આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણની શંકાના આધારે ઘટી હતી. દારૂનું લાયસન્સ ધરાવતા લોકોને એવું લાગતું હતું કે ગેરકાયદેસર દારૂના કારણે તેમની આવક પર અસર થઈ રહી છે. તેમને શંકા હતી કે, ગૌશાળામાં કામ કરતા રામેશ્વર વાલ્મિકી (27)ને ગેરકાયદેસર દારૂ બનાવનારાઓ સાથે સંપર્ક છે અને રામેશ્વર દ્વારા એ લોકો તેમનો ધંધો ખતમ કરવા માંગે છે. આ શંકાના આધારે આરોપીઓએ રામેશ્વરનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. 14મી મેના રોજ સવારે ગૌશાળામાંથી પરત ફર્યા બાદ રામેશ્વર એક અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે સવારે 11 વાગે ઘરેથી નીકળ્યો હતો. તે નીકળતા જ બદમાશોએ તેનું કારમાં અપહરણ કર્યું અને તેને એક હવેલીમાં લઈ ગયા. જ્યાં તેને બાંધીને 6 કલાક સુધી તેના પગ અને શરીર પર અલગ અલગ જગ્યાએ દંડા ફટકારવામાં આવ્યા. આરોપીઓએ તેનો વીડિયો બનાવ્યો. બે આરોપીઓએ તેના હાથપગ પકડ્યા અને ત્રીજાએ તેના પર આડેધડ લાકડીઓ ફટકારી હતી. રામેશ્વરને ઘડીક ઊંધો સૂવડાવીને મારવામાં આવ્યો તો ઘડીક લટકાવીને માર્યો. 6 કલાક સુધી અત્યંત ખરાબ રીતે થર્ડ ડિગ્રી ટોર્ચર અને મારને કારણે રામેશ્વર બેભાન થઈ ગયો. ટોર્ચરને તે સહન ન કરી શક્યો અને તેનો જીવ જતો રહ્યો. એ પછી સાંજે 7 વાગ્યે આરોપીઓ તેનો મૃતદેહ તેના ઘર નજીક ફેંકીને જતા રહ્યા."

આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો

આ ઘટનાની માહિતી મળતાં જ ડીએસપી વિકાસ ધીંડવાલ અને પોલીસ અધિકારી સુખદેવ સિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવી હતી. કહેવાય છે કે આરોપીઓ રામેશ્વરને હરિયાણાના સતનાલીની એક ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી તેમણે તેને સાંજે 7 વાગ્યે તેના ઘર બહાર ફેંકી દીધો અને ભાગી ગયા.

48 કલાકમાં આરોપીની ધરપકડ

રામેશ્વરના મોટા ભાઈ કાલુરામે સૂરજગઢ પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહાવીર, ચિંટૂ, પર્વત પવન, સુખો, પ્રવીણ, ઉરીકા, ચિંટૂ સહિત એક અન્ય વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

એસપી રાજર્ષિ વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "16 મેના રોજ પોલીસે આરોપી દીપેન્દ્ર ઉર્ફે ચિન્ટુ, પ્રવીણ કુમાર ઉર્ફે પીકે, સુભાષ ઉર્ફે ચિન્ટુ, સતીશ ઉર્ફે સુખો, પ્રવીણ ઉર્ફે બાબાની ધરપકડ કરી હતી. ચાર આરોપીઓ સામે અગાઉથી મારામારી, આર્મ્સ એક્ટના કેસો નોંધાયેલા છે. દિપેન્દ્ર ઉર્ફે ચિંટૂ હિસ્ટ્રીશીટર છે.

બીજા પણ એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું

મળતી માહિતી મુજબ, રામેશ્વર સિવાય આરોપીઓએ જેઠૂ નાયક નામના યુવકનું પણ અપહરણ કર્યું હતું. જેઠૂના કહેવા પ્રમાણે આરોપીઓ તેને ગામમાં જ એક હવેલીમાં બનેલા દારૂના ગોદામમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને માર મારવામાં આવ્યો હતો. રામેશ્વરનો મોટો ભાઈ કાલુરામ નીમકાથાણામાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. બીજો ભાઈ સુલતાન રાજગઢમાં રહે છે. બલોદા સ્થિત મકાનમાં રામેશ્વરની માતા તેની સાથે રહેતી હતી. તેના પિતા હયાત નથી અને હવે પુત્રનું પણ મોત થતા રામેશ્વરની માતા નોંધારી થઈ ગઈ છે અને સતત રડ્યાં કરે છે.

અનેક રાજ્યોમાં ઘટનાના પડઘા પડ્યાં

નિર્દોષ રામેશ્વર વાલ્મિકીની દારૂ માફિયાઓ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજસ્થાન ઉપરાંત યુપી, મધ્યપ્રદેશ સુધી પડ્યાં હતા. યુપીમાં ઉત્તરપ્રદેશ સફાઈ મજૂર સંઘ અને વાલ્મિકી સમાજ મહાસભા દ્વારા રામેશ્વર વાલ્મિકીને ન્યાય મળે તે માટે શોકસભા રાખવામાં આવી હતી. બે મિનિટનું મૌન ધારણ કરીને આ ઘટનાને સમગ્ર દેશના વાલ્મિકી સમાજે વખોડી કાઢી હતી. સાથે જ મૃતક રામેશ્વરના પરિવારને યોગ્ય ન્યાય મળે, આરોપીઓને કડકમાં કડક સજા થાય, મૃતકના પરિવારજનોને રૂ. 50 લાખની સહાય મળે, તેના પરિવારને સરકારી નોકરી સાથે ઘર, શિક્ષણ અને ભરણપોષણનો અધિકાર આપવાની માંગ કરાઈ છે.

આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાયું

ઘટનાના થોડા દિવસો બાદ 23 મેના રોજ બે આરોપીઓના ઘરો પર પોલીસની સુરક્ષામાં તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. રામેશ્વરની હત્યાના બે આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને ઘર બનાવ્યા હતા. જોહડ વિસ્તારમાં આવેલા આ બંને ઘરો પર સ્થાનિક તંત્રે યુપીની તર્જ પર જેસીબી ફેરવી દીધું હતું. જો કે સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે હત્યારાઓને સજા મળે તે બરાબર પણ તેમને પરિવારજનોને સજા ન મળવી જોઈએ. પણ તંત્રે તેમની વાત નહોતી સાંભળી કેમ કે બાંધકામ નિયમ વિરુદ્ધ હતું. આખરે તોડી પડાયું હતું.

આ પણ વાંચો: જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.