"તું નીચી જાતિની છે, હવે લગ્ન નથી કરવા" - રાજકોટમાં 6 વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ અંકિત અગ્રાવતે પોત પ્રકાશ્યું, દલિત યુવતીએ એસિડ પીધું
કથિત સવર્ણોની જાતિવાદી માનસિકતામાં કદી ફેર પડતો નથી તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં છ વર્ષથી લિવ ઈનમાં રહેતી એક દલિત યુવતીને અંકિત અગ્રાવત નામના કથિત સવર્ણ યુવકે “તું પછાત જાતિની છે તારી સાથે લગ્ન કરવા નથી” તેમ કહીને તરછોડી દેતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણે યુવકની હાજરીમાં જ એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો પ્રમાણે રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય દલિત યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પીજીવીસીએલમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા અંકીત હરકિશન અગ્રાવત(રહે.સુંદરમ સીટી એપાર્ટમેન્ટ, મોરબી બાયપાસ રોડ)નું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી 376 (2) (એન) 4,6 તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી યુવતીના જણાવ્યા પ્રમાણે તે સગીર હતી ત્યારથી આરોપી સાથે સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ આરોપીએ અવારનવાર લગ્નની લાલચ આપીને તેણીની મરજી વિરૂધ્ધ સબંધ બાંધ્યા હતા. બાદમાં ફરીયાદી પુખ્ત વયની થતા આરોપી અંકિત અગ્રાવત તેની સાથે લીવ-ઈન રીલેશનશીપનો કરાર કરી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતો હતો. યુવતીને આરોપી તેના મોરબી રોડ પર આવેલ સુંદરમ સીટી એપાર્ટમેન્ટના ફલેટમાં તેમજ અલગ અલગ સ્થળોએ લઈ જઈ ઓક્ટોબર 2017થી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. બાદમાં યુવતીએ હવે આપણે સાથે રહી છીએ તેને છ વર્ષ થઈ ગયા છે. માટે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ તેમ કહેતા આરોપીએ “તું પછાત વર્ગમાંથી આવે છે માટે તારી સાથે લગ્ન નથી કરવા” તેમ કહી તેને તરછોડી દીધી હતી.
એ પછી ગઈકાલે તે આરોપીના ઘરે તેને મળવા માટે ગઈ હતી. જ્યાં ફરીવાર લગ્નની વાત કરતા આરોપીએ તેને લગ્નની ના પાડતા યુવતીએ તેની સામે જ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાંથી યુવતીને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એસીપી ભાર્ગવ પંડયાએ તપાસ હાથ ધરી હતી.
યુવતી સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ હોદ્દા પર છે
દુષ્કર્મનો ભોગ બનનારી યુવતીએ એમબીએનો અભ્યાસ કર્યો છે અને રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું. જો કે આરોપીએ આટલા વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ જાતિના કારણે લગ્નની ના પાડતા તેણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને નોકરી છોડી દીધી હતી.
યુવતીએ એસિડ પીધું, આરોપી અંકિતે વીડિયો ઉતાર્યો
ગઈકાલે યુવતી આરોપી અંકિતને તેના મોરબી રોડ બાયપાસ પરના ફ્લેટ પર મળવા ગઈ હતી ત્યારે આરોપીએ ફરી જાતિના કારણે લગ્નની ના પાડતા યુવતીએ એસિડ પી લીધું હતું. આઘાતની વાત એ છે કે યુવતીને બચાવવાને બદલે આરોપી અંકિત અગ્રવાલ તેનો વીડિયો ઉતાર્યો હતો.
આરોપીએ અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ કર્યું
આરોપી અંકિત અગ્રવાલ વર્ષ 2017થી યુવતીના સંપર્કમાં હતો. પીડિતા સગીર હતી ત્યારે અંકિત રેલનગરમાં તેની પડોશમાં રહેતો હતો. બંનેની આંખ મળી જતા એ વર્ષે જામનગર રોડ પરની હોટલમાં બંને મળ્યાં હતાં. જ્યાં અંકિતે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ત્રણ વર્ષ સુધી માઉન્ટ આબુ, જૂનાગઢ, મુંબઈ એમ અલગ અલગ સ્થળે હોટલોમાં લઈ જઈ ડ્રગ્સનો શિકાર બનાવતો હોવાનું સામે આવ્યું હતું.
પીડિતાની જાતિ આગળ ધરીને લગ્ન કરવાનો ઈનકાર કર્યો
દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી છેલ્લા દિવસથી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તબિયત બગડતા તેના કાકા ખબર પુછવા માટે આવ્યા હતાં. તેમને હકીકતની જાણ થતા તેમણે આરોપીને ફોન કરી સમાધાન માટે કહેતા તેણે ચોખ્ખીના પાડી દીધી હતી. બાદમાં યુવતીએ ગઈકાલે આરોપીને પોતાનો સામાન પરત દઈ જવાનું કહેતાં આરોપી સામાન દેવા યુવતીના ઘરે આવ્યો હતો. ત્યારે ફરી તું પછાત જાતિની છો માટે લગ્ન નથી કરવા તેમ કહેતા યુવતીએ એસિડ પી લીધું હતું.