ધ્રાંગધ્રામાં પોલીસ સામે ધરણાં પર બેઠેલા 30 જેટલા દલિતોની અટકાયત

પોલીસ એટ્રોસિટીના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરતી. ફરિયાદી દલિત યુવક સમાજના આગેવાનો સાથે ધરણાં પર બેઠાં હતા. જાણો શું છે આખો મામલો.

ધ્રાંગધ્રામાં પોલીસ સામે ધરણાં પર બેઠેલા 30 જેટલા દલિતોની અટકાયત
image credit - Google images

30 Dalits detained in Dhrangadhra : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ધરણાં પર બેઠેલા અનુસૂચિત જાતિ સમાજના 30થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અહીં રહેતા યુવકે બે શખ્સો સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી. જેના કારણે ભોગ બનનાર યુવક સહિત દલિત સમાજના આગેવાનો અને સ્થાનિકોએ ડીવાયએસપી કચેરી સામે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. જેના કારણે પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મામલો શું હતો?
ધ્રાંગધ્રામાં રહેતા યુવક મનીષભાઈએ સીટી પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં બે લોકો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને દોઢ મહિના જેટલો સમય વીતી જવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, એટલું જ નહીં એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ હોવા છતાં પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નહોતી. 

ફરિયાદીએ આ મામલે અનેક વખત પોલીસ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી. અગાઉ તેઓ આ મામલે ડીવાયએસપી કચેરી સામે પ્રતિક ધરણા પર પણ બેઠા હતા. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા મનીષભાઈ સમાજના આગેવાનો, દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓ, સાથીદારો સાથે ડીવાયએસપી કચેરીએ ધરણાં પર બેસી ગયા હતા અને પોલીસની ઢીલી કામગીરીનો વિરોધ કર્યો હતો. જેથી ધ્રાંગધ્રા પોલીસે સ્થળ પહોંચી વિરોધ કરી રહેલા ૩૦થી વધુ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

પોલીસ શું કહે છે?
આ મામલે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે એટ્રોસીટીની ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ બંને આરોપીઓએ હાઈકોર્ટ સમક્ષ જઈ તપાસ પર સ્ટે લઈ આવ્યા છે. જોવાનું એ રહેશે કે જાતિવાદી આરોપીઓ સામે ઢીલી નીતિ દાખવતી પોલીસ આ મામલે ફરિયાદી મનીષભાઈને ન્યાય માટે કેટલો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચોઃ દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે? 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.