ગણેશ જાડેજાના વિરોધમાં હવે ગાંધીનગર સુધીની બાઈક રેલી યોજાશે?
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવકના કરેલા અપહરણ મામલે હવે દલિત સમાજ ગાંધીનગર સુધીની બાઈક રેલી યોજશે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી, માર મારી જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે ગણેશ જાડેજાની દાદાગીરીના વિરોધમાં ગુજરાતભરના દલિતોએ ભેગા મળી ગોંડલમાં શક્તિ પ્રદર્શન કરતું સંમેલન યોજ્યું હતું. જેના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. હવે આવું વધુ એક સંમેલન આગામી દિવસોમાં જૂનાગઢના મોટી મોણપરીમાં ૬ જુલાઈએ યોજાશે. જેમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે. મળતી માહિતી પ્રમાણે આ સંમેલનમાં જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલી યોજવા અંગે ચર્ચા થશે.
જૂનાગઢના મોટી મોણપરી ખાતે તા. ૬ જુલાઈના રોજ સમસ્ત અનુ. જાતિ સમાજનું સમેલન યોજાશે. અહીં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઈ જૂનાગઢ કોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ ૨૫ જૂને સુનાવણી રાખવામાં આવી છે.
જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાના અને ગણેશને પોલીસ દ્વારા છાવરવામાં આવતો હોવાના આરોપો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે.
આ કેસ મામલે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા આ કેસને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી ૨૫ તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા કે નહીં તે મામલે હુકમ કરવામાં આવશે.
જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવક સંજય સોલંકી સાથે ૩૦ મે ની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેઓ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. જ્યાં તેને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. એ પછી આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ગણેશની આ દાદાગીરી સામે સમસ્ત ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ગોંડલમાં તેના વિરોધમાં મોટું સંમેલન પણ યોજાયું હતું.
આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?