આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો
પરિવારજનોનો આક્ષેપ છે કે સગીરાની રેપ બાદ હત્યા કરવામાં આવી છે. અમુક યુવકો તેનો વાંધાજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

Dalit Minor Girl Rape and Murder: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાનપુરના અંતરિયાળ ગામમાં એક દલિત સગીરા પર બળાત્કાર અને હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આઠ દિવસથી ગુમ થયેલા દલિત સગીરાનો મૃતદેહ ગામની ઝાડીઓમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો છે.
પરિવારનો આરોપ છે કે બે યુવકો યુવતીનો વાંધાજનક વીડિયો બનાવીને બ્લેકમેલ કરી રહ્યા હતા. 10 ઓક્ટોબરે ઘરેથી નીકળેલી સગીરાનો હવે આઠ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ઘટના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
પરિવારજનોનો આરોપ છે કે દીકરીને બ્લેકમેલ કરીને પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને પછી તેની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસે હોબાળા વચ્ચે મૃતદેહ કબ્જે કરીને બળાત્કાર અને બ્લેકમેલિંગની કલમો સાથે રમત રમી છે.
એવી પણ ચર્ચા છે કે, પોલીસ બળપ્રયોગ કરીને બળજબરીથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ હાઉસ લઈ ગઈ હતી.
બીજી તરફ સગીરા પર બળાત્કાર અને હત્યાના આ મામલામાં રાજકારણ પણ ગરમાયું છે. ઇટાવાના સપા સાંસદ જિતેન્દ્ર દોહરે અને કાનપુર ગ્રામ્યના સપાના અધ્યક્ષ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા છે. અહીં તેઓ પરિવારના સભ્યોને મળ્યાં હતા. સાંસદે કહ્યું કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આંદોલન ચલાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ચાર દિવસથી ગુમ દલિત સગીરાની તળાવમાં તરતી લાશ મળી આવી