દલિત કિશોરને પકડીને ત્રણ બ્રાહ્મણોએ બોટલમાં પેશાબ ભરીને પીવડાવ્યો
એક ગામમાં દલિત કિશોરને ત્રણ બ્રાહ્મણ યુવકોએ પકડીને બળજબરીથી દારૂની બોટલમાં પોતાનો પેશાબ ભરીને પીવડાવ્યો હતો.

દલિતો જાતિવાદી તત્વો માટે જાણ રમત કરવા માટેનું રમકડું હોય તેમ તેમની સાથે મનફાવે તેવું વર્તન કરતા હોય છે. ક્યારેક તો અત્યંત ક્રૂર અને નિમ્નસ્તરની હરકત પણ તેમની સાથે કરવામાં આ લોકો જરાય લાજશરમ અનુભવતા હોતા નથી. આવી સેંકડો ઘટનાઓ દેશભરમાં બનતી હોય છે, પણ પોલીસ ચોપડે ન ચડવાને કારણે અને ચડ્યાં પછી પણ સવર્ણ મીડિયા દ્વારા તેનું તટસ્થ રીતે રિપોર્ટિંગ ન થતું હોવાથી લોકોને તેની જાણ જ થતી નથી અને થાય છે તો પણ સવર્ણ મીડિયાની ચાલાકીને કારણે તે સામાન્ય ઘટનામાં ખપી જાય છે.
કેમ કે, સવર્ણ મીડિયા પીડિત વ્યક્તિ દલિત છે તે જાહેર કરે છે, પરંતુ આરોપીઓ કથિત સવર્ણ જાતિના છે તે વાત કાયમ છુપાવવા પ્રયાસ કરે છે. સવર્ણ મીડિયાની આવી જાતિવાદી નિમ્મસ્તરની રમતના કારણે સદીઓથી દલિતો, આદિવાસીઓને અન્યાયનો ભોગ બનતા આવ્યા છે, તેમને ન્યાય મળતો નથી. ઉપરથી પોલીસમાં પણ મોટાભાગના અધિકારીઓ સવર્ણ જાતિના જ હોવાથી દલિતો માટે ન્યાયનો રસ્તો પણ કઠિન બની જાય છે. છેલ્લે સ્થિતિ એ પેદા થાય છે કે, પીડિતને અન્યાય થાય છે. છેલ્લે સવર્ણ ગુનેગારોને પોલીસ, મીડિયા, નેતાઓ સહિત આખી સિસ્ટમની ઓંથ મળવાથી તે બચી જાય છે, અન એ પછી તેમની હિંમત ઔર વધી જાય છે અને વધુ અત્યાચાર કરવા પ્રેરાય છે.
આ ઘટનામાં પણ આરોપીઓ બ્રાહ્મણ છે, જેમણે તેમને ત્યાં કામ કરતા એક દલિત કિશોરને માત્ર દાદાગીરી સિદ્ધ કરવા માટે થઈને અપમાનિત કર્યો હતો. મામલો જાતિવાદના એપીસેન્ટર એવા ઉત્તરપ્રદેશનો છે. અહીં શ્રીવસ્તી જિલ્લાના ગિલૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાયરપુર બિલેલા ગામમાં ત્રણ બ્રાહ્મણ યુવકોએ દલિત કિશોરને બળજબરથી બિયરની બોટલમાં પોતાનો પેશાબ ભરીને પીવડાવ્યો હતો. દલિત કિશોરે તેમનો સામનો કર્યો તો તેને માર માર્યો. કિશોરના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ હજુ એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો: "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."
યુપીના શ્રીવસ્તી જિલ્લાના રાયપુર બિલેલાના દલિત કિશોરને તેના જ ગામના ત્રણ બ્રાહ્મણ યુવકોએ બળજબરથી બિયરની બોટલમાં તેમનો પેશાબ ભરીને પીવડાવ્યાનો આરોપ છે. દલિત કિશોરના ભાઈની ફરિયાદના આધારે ગિલૌલા પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
કિશોરના ભાઈએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 1 જુલાઈના રોજ તેના નાના ભાઈને ગામના કિશન તિવારી ઉર્ફે ભૂરાએ તેના ઘરે ડીજે મશીન મૂકીને આવવા કહ્યું હતું. જે રાખીને તે પરત ફરી રહ્યો હતો ત્યાં ફરી તેને જનરેટર મૂકવા જવા કહ્યું હતું.
આરોપ છે કે, ત્યારે જ ગામના દિલીપ બાબુરામ મિશ્રા, સત્યમ રમાકાંત તિવારીએ તેને રોક્યો હતો અને તેને પકડીને સાઈડમાં લઈ ગયા હતા. એ પછી દિલીપ મિશ્રાએ બિયરની ખાલી બોટલમાં પેશાબ કર્યો હતો અને તે દલિત કિશોરને બળજબરીથી પીવડાવવા પ્રયત્ન કર્યો હતો. જેનો દલિત કિશોરે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો અને તમંચો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશોર ડરી ગયો હતો અને ત્યારે જ સત્યમ અને કિશને તેને જમીન પર પટકીને બળજબરીથી પેશાબ ભરેલી બિયરની બોટલ તેના મોંમા રેડી દીધી હતી. સાથે જ આ મામલે જો પોલીસ ફરિયાદ કરી કે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશું અને ગામ છોડાવી દઈશું તેવી ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલા દલિત કિશોરે ઘરે જઈને સમગ્ર મામલે તેના પરિવારને જાણ કરી હતી.
પીડિત દલિત કિશોરના ભાઈની ફરિયાદના આધારે ગિલૌલા પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જો કે, હજુ પણ મુખ્ય બે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને શોધી શકી નથી. આ મામલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહિમાનાથ ઉપાધ્યાયનું કહેવું છે કે, ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો