વિરમગામના દલિતો 'ભેદભાવ નો ગરબો' માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે
અમદાવાદના વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના દલિતોના પ્રશ્નો અંગે તંત્ર બહેરાં કાન કરીને બેસી ગયું છે, તેથી હવે દલિતોએ ગાંધીનગર સુધી જવાનું નક્કી કર્યું છે.
ગુજરાતના સૌથી મોટા અને વિકસિત શહેર અમદાવાદમાં આવીને તમને લાગતું હોય કે હવે તો ભેદભાવ જેવું કશું ક્યાં રહ્યું છે, તો તમારે અમદાવાદ સિટીમાંથી બહાર નીકળીને અમદાવાદ જિલ્લાના કોઈપણ ગામમાં જઈને દલિતવાસની મુલાકાત લેવી જોઈએ. કેમ કે, વાસ્તવિકતા શું છે એ તમને અહીં જ સમજાશે. અમદાવાદ શહેરમાં રોડ, રસ્તાઓ, વીજળી, પાણીની સુવિધાઓ મળતી થઈ છે પણ જિલ્લાના ગામડાઓમાં દલિતોની હાલતમાં ખાસ કોઈ સુધારો જોવા મળતો નથી.
આઝાદીના 75 વર્ષ પછી પણ અમદાવાદ જિલ્લાના વીરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના વાસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વાસમાં જવા માટે પાકા રસ્તા નથી, સરકાર નલ સે જલની વાત કરે છે પણ અહીં અનેક ગામોમાં દલિત વાસમાં પાણી આવતું નથી, ગટરની વ્યવસ્થા નથી, જ્યાં કામ શરૂ થાય છે ત્યાં અધૂરું છે. અનેક ગામોમાં દલિતોના સ્મશાનો સવર્ણોના ખેતરો વચ્ચેથી પસાર થાય છે અને ત્યાં ખેતરમાલિકોએ કરેલા દબાણોને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે.
આ પણ વાંચોઃ પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી, 9 લોકો ઘાયલ
આવા અનેક પ્રશ્નો હાલ વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોને પજવી રહ્યાં છે. આ મામલે જે તે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને અમદાવાદ જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી છે. છતાં યોગ્ય નિકાલ ન આવ્યો હોવાથી આ ત્રણેય તાલુકાના અલગ અલગ ગામોના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મળીને વીરમગામથી ગાંધીનગર સુધી ભેદભાવનો ગરબો ઉપાડીને છેક મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું છે.
આ મામલે માંડલ, વીરમગામ અને દેત્રોજ તાલુકાના ગામોના દલિતોએ મળીને સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં દલિત વાસના વર્ષો જૂના પ્રશ્નોને લઈને જે તે તાલુકા પંચાયતોમાં આવેદન પત્ર આપીને રજૂઆતો કરવામાં આવે છે.
ગઈકાલે માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના દલિત સમાજના વિવિધ પ્રશ્નોમાં સ્થાનિક તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાથી વિંઝુવાડા દલિત વસ્તી પંચે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચના સહકારથી માંડલ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી આંદોલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે ગામની મહિલાઓએ તેનું નેતૃત્વ કર્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચોઃ ગણેશ જાડેજાના વિરોધમાં 2 લાખ દલિતો ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે
(દલિત સમાજની રજૂઆતો સાંભળતા માંડલ ટીડીઓ)
અનુસૂચિત જાતિ સમાજની આ મહિલાઓના આકરા તેવર જોઈને ખુદ માંડલ તાલુકા વિકાસ અધિકારીએ તેમની કેબિનમાંથી બહાર આવીને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી અને તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ આંદોલન દરમિયાન બહેનોએ સંવિધાનને સાથે રાખીને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ 10 દિવસમાં પ્રશ્નોનો નિકાલ ના આવે તો આ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની કચેરી અમદાવાદ ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
વીરમગામના સામાજિક કાર્યકર, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકર કિરીટભાઈ રાઠોડ સમગ્ર આંદોલન વિશે વિસ્તારથી સમજ આપતા જણાવે છે કે, "અમદાવાદ જિલ્લાના વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે આઝાદીના 75 વર્ષ પછી પણ ભારે ભેદભાવ રાખવામાં આવે છે. ગામમાં દલિતવાસમાં સારા રસ્તાઓ નથી, ગટર, પાણીની વ્યવસ્થા નથી. અનેક ગામોમાં ગામના ગટરના પાણી દલિત વાસ તરફ વાળી દેવાયા છે. વરસાદી પાણી ભરાય છે. આ સિવાય સૌથી મોટો પ્રશ્ન સ્મશાનોનો છે. અહીંના અનેક ગામોમાં દલિતોના સ્મશાન સુધી જવાનો યોગ્ય નથી. કેટલાક ગામોમાં આ રસ્તો ખેતરો વચ્ચેથી જતો હોય છે અને ત્યાં જે તે ખેડૂતો તેના પર દબાણ કરીને બંધ કરી દે છે. જેના કારણે દલિતોએ સ્મશાન સુધી કેવી રીતે જવું તે પ્રશ્ન ઉભો થાય છે. આવા અનેક ગામો છે જ્યાં દલિતો સાથે ભેદભાવ થાય છે.
આ પણ વાંચોઃ અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે લડી રહ્યાં છે
કિરીટભાઈ વધુમાં જણાવે છે કે, "આ સમસ્યાઓને લઈને ગ્રામ પંચાયતથી લઈને તાલુકા સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ યોગ્ય નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આથી આ ત્રણેય તાલુકાના દલિતોએ મળીને ભેદભાવનો ગરબો માથે ઉપાડીને વીરમગામથી વિધાનસભા સુધી જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું છે. હિંદુ ધર્મના લોકો દલિતોથી આભડછેટ રાખે છે, ખાસ કરીને નવરાત્રીમાં ગરબા વખતે તેઓ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશવા પણ નથી દેતા. આથી જ અમે ગરબાને વિરોધ પ્રદર્શનનું પ્રતિક બનાવવાનું નક્કી કર્યું છે. અમે લોકો "ભેદભાવનો ગરબો" તૈયાર કરવાના છીએ. જેમાં કેવી કેવી રીતે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે તે લખીશું અને એ ગરબો માથે ઉપાડીને ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાએ જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવશે. ભેદભાવના આ ગરબામાં વીરમગામ, માંડલ, દેત્રોજ ઉપરાંત અન્ય વિસ્તારના સેંકડો લોકો પણ જોડાશે."
આગળ વાંચોઃ દલિત અધિકાર મંચનો સંઘર્ષ ફળ્યો, માણાવદરમાં દલિત સમાજના 116 પ્લોટ મંજૂર થયા