દલિત વડીલે પાઘડી ઉતારીને પગમાં મૂકી, અંતે આત્મહત્યા કરી લીધી
આખી જિંદગી કાળી મજૂરી કરીને ભેગી કરેલી મૂડીમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી પણ જાતિવાદીઓની તેના પર નજર બગડી.

આઝાદ બાદ ખેડે તેની જમીન જેવા નિયમો બાદ રાજા-મહારાજાઓ પાસે રહેલી જમીનો એક ચોક્કસ જાતિના લોકો પાસે આવવા લાગી હતી અને તેઓ સમૃદ્ધ થવા માંડ્યા હતા. જો કે કહેવાતી એ લોકશાહી પ્રથામાં પણ દલિતો-આદિવાસીઓ જમીનોના માલિકો ન બની જાય તેની ખાસ કાળજી રખાઈ હતી. આજે પણ આ બાબતનું ખાસ ધ્યાન રખાય છે કે, ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ કોઈ દલિત-આદિવાસી પાસે ન જવો જોઈએ. ભલેને પછી તેના માટે તેનો જીવ કેમ ન લેવો પડે.
આ ઘટનામાં કંઈક આવું જ બન્યું છે. આખી જિંદગી પરિવાર સાથે ખેતમજૂરી કરીને જે થોડીઘણી મૂડી બચી હતી તેમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી. પણ એ પછી ગામના માથાભારે તત્વોએ તેના પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે જમીન પરનો કબ્જો છોડતા નહોતા. દલિત વડીલે તેમના પગમાં પોતાની આબરૂ જેવી પાઘડી મૂકી, પણ જાતિવાદી આ તત્વોએ તેને લાત મારીને ફગાવી દીધી અને જાતિસૂચક ગાળો બોલી દલિત વડીલને અપમાનિત કર્યા. આ અપમાન અને કોર્ટમાં આખો મામલો ફસાઈ જતા તંગ આવી ગયેલા દલિત વડીલે આખરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી.
ઉત્તરપ્રદેશના બાંદાની ઘટના
ઘટના ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બાંદા (Banda)ની છે. અહીં બિસંડા પોલીસ સ્ટેશન(Bisanda Police Station)માં આવતા હનુમાન નગર (Hanuman Nagar)માં રહેતા 65 વર્ષના દલિત (Dalit) વડીલ રામબહોરી (Rambahori) એ જાતિવાદીઓની દાદાગીરી અને જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની વૃત્તિથી તંગ આવી ટોઈલેટમાં ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી. ગામની માથાભારે કોમના ગુંડાઓએ રામબહોરીએ મરણમૂડીમાંથી ખરીદેલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે તે જમીન છોડતા નહોતા. આ માટે રામબહોરીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પણ તેમાં સતત મુદતો પડતી જતી હોવાથી ખુદની જમીન હોવા છતાં કોઈ નિર્ણય નહોતો આવતો. આ બધાંથી તેઓ ભારે પરેશાન હતા.
ટોઈલેટમાં દોરી બાંધી આત્મહત્યા કરી
65 વર્ષના દલિત રામબહોરી શિવલોચન રૈદાસે ગત શનિવારે સવારે ઘરની બહાર બનેલા શૌચાલયનો દરવાજો બંધ કરીને અંદર દોરડું બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમય બાદ પણ તેઓ રૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ ટોઈલેટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ હલચલ જણાતી ન હતી. જેથી પરિવારજનોએ જેમતેમ કરીને દરવાજો તોડ્યો હતો અને અંદર જોયું તો રામબહોરીની લાશ લટકતી હતી. મૃતદેહ જોતા જ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઠાકુરોએ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો
બનાવની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. મૃતકના પુત્ર વિનોદે જણાવ્યું કે તેના પિતા મજૂરી કામ કરતા હતા. તેમણે 9 સપ્ટેમ્બર 2021ના રોજ પાડોશી પાસેથી 17 બિસ્વા જમીન ખરીદી હતી. દરમિયાન, ગામના ઠાકુર સમાજના ગુંડાઓએ તે જમીન કબજે કરી લીધી. રામબહોરીએ તેમને જમીનનો કબ્જો છોડી દેવા કહ્યું તો ગુંડાઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પણ તેમણે જમીન પરનો ગેરકાયદે કબ્જો છોડ્યો નહોતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનાથી કંટાળીને રામબહોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પાઘડી ઉતારી પગમાં મૂકી તો લાત મારી ફગાવી દીધી
મૃતક રામબહોરીએ ઠાકુર કોમના ગુંડાઓને તેમની જમીન છોડી દેવા વિનંતી કરી હતી, પરંતુ ગુંડાઓએ કબ્જો છોડ્યો નહોતો. જમીનનો કબ્જો છોડાવવા માટે રામબિહોરીએ પોતાની આબરૂસમી પાઘડી ઠાકુરોના પગમાં મૂકી દીધી હતી. પણ ગુંડાઓએ તેને લાત મારીને ફેંકી દીધી હતી અને જાતિસૂચક ગાળો ભાંડી રામબિહોરી સહિત તેમના આખા પરિવારનું અપમાન કર્યું હતું અને થાય તે કરી લેવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારથી તેઓ હતાશ થઈ ગયા હતા. આખરે તેમણે જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો: જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી