ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે
રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અત્યંત નિંદા કરી છે, એટલે દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાઓની જાળમાં આસાનાથી ફસાતો જઈ રહ્યો છે. પણ હવે સમય પાકી ગયો છે કે...

“હું માત્ર ધનિકોનો ગુરુ છું, ગરીબ માણસ આધ્યાત્મિક ન હોઈ શકે”
“ગૌતમ બુદ્ધ આધ્યાત્મનો હિમાલય છે અને ભવિષ્યનો ધર્મ બુદ્ધનો ધર્મ હશે”
“ગૌતમ બુદ્ધ મારા શરીરમાં પ્રવેશ્યા, તેમના કારણે મારા માથામાં દુખાવો થઈ ગયો, મેં તેમને કહ્યું કે હવે તમે આઉટ ડેટેડ થઈ ગયા છો, મારા શરીરમાંથી નીકળી જાવ”
“ગાંધી મહાત્મા નહોતા, તેઓ એક ચાલાક વાણિયા(વેપારી) હતા”
“આંબેડકરે પણ ગાંધી વિરુદ્ધ ઉપવાસ બેસી જવું જોઈતું હતું. આંબેડકર મોટા માણસ હતા, ગાંધી તેમની સામે લાંબો સમય ટકી શક્યા ન હોત.”
“હિંદુઓનો કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને જાળવી રાખવાનું શસ્ત્ર છે”
આ બધાં વાક્યો આચાર્ય રજનીશ એટલે કે ઓશોના છે. 11મી ડિસેમ્બરે તેમની જન્મતિથિ ગઈ. જે લોકોએ તેમને વાંચ્યા છે અને સાંભળ્યા છે તેઓ ઓશો વિશે તટસ્થ રહી શકતા નથી, તેઓએ કાં તો તેમનો વિરોધ કરવો પડશે અથવા તેમને સમર્થન આપવું પડશે. ઓશોએ પોતે આ વાત કહી છે.
ઓશો - પોતાના સમયના સ્વ-ઘોષિત વિદ્રોહી
ભારતમાં 1980-2000 ની વચ્ચે સમજણ પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિએ આચાર્ય રજનીશ ઉર્ફે ઓશો વિશે ચોક્કસપણે વાંચ્યું અને સાંભળ્યું હશે. આઝાદી પહેલા 1920-1950ના દાયકાઓમાં એવું કોઈ નહોતું જેણે ગાંધીજીને વાંચ્યા કે જાણ્યા ન હોય. આ સમયગાળામાં સામાજિક-રાજકીય પરિવર્તનની વાત કરનારાઓએ કાર્લ માર્ક્સને પણ જાણ્યા અને વાંચ્યા હશે. ઓશોના ભક્તો દાવો કરે છે કે તેઓ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, મુહમ્મદ, ઈસુ વગેરેની કક્ષાના રહસ્યવાદી અને ગુરુ હતા. તેમનો દાવો છે કે ઓશોએ ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક વિમર્શને બદલી નાખ્યું છે. ઓશોના વિરોધીઓ તેમને સેક્સ ગુરુ, અરાજકતાવાદી અને તકવાદી પણ કહે છે. તેમના પર 'સંભોગ સે સમાધિ' જેવા વિવાદાસ્પદ ટાઈટલ અને આક્રમક મીડિયા યુક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો
Netflix પર તેમના વિશે 'વાઇલ્ડ-વાઇલ્ડ કન્ટ્રી' નામની વેબ સિરીઝ આવી હતી. જેમાં ઓશો અને તેમના આશ્રમનું સત્ય શું છે તે બતાવવામાં આવ્યું હતું. ઓશોના ભક્તો કહે છે કે અમેરિકામાં સાચો 'કોમ્યુન' રચાઈ રહ્યો હતો, એટલે જ અમેરિકાની રોનાલ્ડ રીગન સરકારે ઓશોને ઝેર આપીને મારી નાખ્યા. અમેરિકી સરકારે કહ્યું કે ઓશોના આશ્રમની નજીકના શહેરમાં જૈવિક આતંકવાદના પ્રયોગો ચાલી રહ્યા છે. ઓશો આશ્રમ પર આક્ષેપો થયા હતા કે ત્યાં પોતાના જ સન્યાસીઓની હત્યાના ષડયંત્ર ચાલી રહ્યાં છે.
એક ઓશોની અંદર અનેક માણસ
શું ઓશો રજનીશ વિશે કોઈ તાર્કિક વાત થઈ શકે છે? શું આપણે ઓશોનું કોઈ મૂલ્યાંકન તેમના પોતાના કાર્યોના આધારે કરી શકીએ? આજકાલ ભારત પર ફાઈવ સ્ટાર બાબાઓ, ગુરુઓ અને ઉપદેશકોનો પ્રકોપ છવાયેલો છે. દરેક શહેરમાં કોઈને કોઈ બાબા અજીબોગરીબ વાર્તાઓ કહી લોકોને છેતરી રહ્યાં છે. તેમની વાતોમાં ન તો કોઈ તર્ક હોય છે, ન શૈવ, વૈષ્ણવ, યૌગિક, તાંત્રિક શાસ્ત્રોનું સત્ય હોય છે. તેઓ માત્ર ફૂલગુલાબી ભાષણો આપીને જનતાને મૂંઝવણમાં રાખે છે. આ સિવાય આ તમામ કથાકાર બાબા વગેરે અબજો-ખર્વોની સંપત્તિના માલિક હોય છે. તેમના પોતાના જીવનમાં કોઈ શુદ્ધતા કે નૈતિકતા નથી હોતી. તેઓ અપરિગ્રહ, અચૌર્ય, બ્રહ્મચર્ય, સાદગી, ત્યાગ વગેરેની બાબતો શીખવે છે. પરંતુ તેઓ પોતે ફાઈવ સ્ટાર લાઈફ જીવે છે. દુઃખની વાત એ છે કે ભારતના ગરીબ અને અભણ લોકો આ બધું જોઈ સમજી શકતા નથી અને તેમની જાળમાં ફસાયેલા રહે છે. આવા અનેક બાબાઓ અને કથાકારો આજકાલ જેલમાં છે. એજ કારણોસર આજે આપણે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો જોઈએ.
ઓશો રજનીશે પોતાના જીવનમાં ઘણી વખત નામ બદલ્યું હતું. નામ બદલતાની સાથે જ તેમની કામ કરવાની રીત, તેમની ભાષા શૈલી, તેમનું સ્ટેન્ડ અને જીવનશૈલી પણ બદલાઈ જતી હતી. ઉદાહરણ તરીકે, 1965-70 ની વચ્ચે તેઓ ધાર્મિક પાખંડો અને ધર્મગુરૂઓ સામે ડાબેરી ક્રાંતિકારીની ભાષા બોલતા હતા. પછી તેમણે પોતાનું નામ આચાર્ય રજનીશ અને શ્રી રજનીશ રાખ્યું. પછી 1970 ના દાયકાની શરૂઆતમાં, તેઓ પોતે જ નવ-સન્યાસ ચળવળ શરૂ કરીને ભગવાન રજનીશ બન્યા. પછી 1980 થી 1985 સુધી તેઓ ભગવાન અને ભગવાન શ્રી રજનીશ બનતા રહ્યાં હતા. પછી 1988-89 ની વચ્ચે તેઓ ઓશો રજનીશ અને અંતે માત્ર ઓશો બની જાય છે.
એકથી વધુ વખત નામ બદલવા પાછળનું કારણ
આ રીતે નામ બદલવા પાછળ નક્કર કારણ હતું. આ વાત તેણે પોતે પણ ઘણી વખત કહી છે. ઉદાહરણ તરીકે, 1965-68 ની વચ્ચે ઘણાં વિદ્રોહી અને ડાબેરીઓ તેમની સાથે જોડાયા, આ લોકોથી છૂટકારો મેળવવા માટે તેમણે ધર્મ, રહસ્યવાદ, સાધના, મોક્ષ અને ગાંધીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું, એટલે ડાબેરીઓ ભાગી ગયા. પછી 1968-72 વચ્ચે ગાંધીવાદીઓ તેમની સાથે જોડાવા લાગ્યા, પછી તેમણે ગાંધી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને ગાંધીવાદીઓ ભાગી ગયા. એ જ રીતે તેઓ અનુક્રમે હિંદુ ધર્મ, જૈન ધર્મ, યોગ, તંત્ર, સૂફી, કબાલા, ખ્રિસ્તી ધર્મ, સામ્યવાદ, સમાજવાદ વગેરે જેવા નવા વિષયો પર બોલીને જુના લોકોથી છૂટકારો મેળવતા રહ્યા અને નવા લોકોને આકર્ષતા રહ્યા. આ તેમના પોતાના શબ્દો છે.
આ પણ વાંચોઃ shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા
ઓશો અન્ય રીતે પણ નવા લોકોને આકર્ષતા હતા અને ઘણા પૈસા પણ એકઠા કરતા હતા. ઉદાહરણ તરીકે, એંશીના દાયકાના અંત ભાગમાં તેમણે કેટલાક લોકોના બુદ્ધત્વની જાહેરાત કરી, પછી તે લોકોએ ઓશોને ભારે દાન આપ્યું. ઓશોના ખૂબ જ નજીકના શિષ્યા શીલા કહે છે કે જ્યારે પણ તેમને અમેરિકામાં પૈસાની જરૂર પડતી ત્યારે તેઓ તેમના કેટલાક શ્રીમંત સન્યાસીઓમાંથી અમુકને 'ઈનલાઈટેંડ' જાહેર કરી દેતા હતા. તેઓ આશ્રમની બહારના લોકોનો જ નહીં પણ અંદરના લોકોનો પણ એ જ રીતે ઉપયોગ કરતા હતા. ઓશોએ તેમના સમયના સૌથી પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે ફાઇવ-સ્ટાર ગુરુની છબી બનાવી હતી. તેથી જ તેઓ 99 રોલ્સ રોયસ કારનો કાફલો, ફાઈવ સ્ટાર આશ્રમ, પ્રાઈવેટ જેટ, પોતાનું એરપોર્ટ વગેરે ઈચ્છતા હતા.
શા માટે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો?
આજ આપણે રજનીશ પર પુનર્વિચાર કરવાની શું જરૂર છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ, આજે ભારતમાં ધર્મ અને ધાર્મિકતા સહિત સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના નામે એક મોટી ઠગાઈ ચાલી રહી છે, જેમાં ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામીણ વર્ગો સાથે છેતરપિંડી થઈ રહી છે. બીજું કારણ, આજે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતના ગરીબ લોકોમાં ગૌતમ બુદ્ધને લઈને જે નવી તૃષ્ણા પેદા થઈ છે, તે તરસને 'ઈશ્વર-આત્મા-પુનર્જન્મ'ની ઝેરી ત્રિમૂર્તિ દ્વારા નષ્ટ કરવાના પ્રયાસો તેજ થયા છે. અને તેની શરૂઆત થિયોસોફિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી અને સ્વયં ઓશો રજનીશે પોતે આ કાર્યને આગળ વધાર્યું હતું. રજનીશે જે રીતે બુદ્ધની વ્યાખ્યા કરી છે તેમાં બુદ્ધના મોંએથી સાશ્વત આત્મા અને પુ્નર્જન્મ સહિત ઈશ્વરની પણ પ્રશંસા કરવામાં આવી છે. ત્રીજું કારણઃ ઓશો રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અતિશયોક્તિપૂર્વક નિંદા કરી હોવાથી દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાની જાળમાં સરળતાથી ફસાઈ રહ્યો છે. આ કારણથી સમગ્ર ભારતમાં એક ખાસ પ્રકારનું ધાર્મિક ધ્રુવીકરણ અને કોમવાદનું ઝેર ફેલાઈ રહ્યું છે. મારા મતે, આ ત્રણ પરિબળો ભારતના ગરીબ લોકોની પ્રગતિની સંભાવનાઓ સહિત ભારતની લોકશાહી માટે મોટા જોખમો લઈને આવે છે. તેથી જ ઓશોના પ્રમાણિક મૂલ્યાંકનની જરૂર છે.
ઓશો રજનીશની પોતાની સમજ અને શૈલી
ઓશોએ નાનપણથી જ વાર્તા કહેવાની અને લોકોના મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવાની ટેકનિક શીખી લીધી હતી. તેમની આત્મકથા ‘ગ્લિમ્પ્સ ઑફ ગોલ્ડન ચાઇલ્ડહુડ’માં તેઓ જણાવે છે કે તેઓ લોકોના વર્તનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તેમને કેવી રીતે ફોસલાવવા, નારાજ કરવા, ખુશ કરવા વગેરે શીખી લીધું હતું. તેઓ આના દ્વારા ઘણાં ફાયદા પણ ઉઠાવતા હતા અને ઘણાં લોકોની મદદ પણ કરતા હતા. તેઓ લોકો સાથે ખૂબ જ છટાદાર અને મનમોહક ભાષામાં વાત કરવાનું શરૂઆતમાં જ શીખી ગયા હતા. તેઓ ખૂબ જ સારા વાચક હતા અને ઘણા પુસ્તકો ખૂબ જ ઝડપથી અને સ્પષ્ટ રીતે વાંચીને તેનો પોતાની વાર્તા કહેવાની શૈલીમાં ઉપયોગ કરતા હતા. તેથી જ તેમની આસપાસના લોકો પર તેમનો બૌદ્ધિક પ્રભાવ હતો. યુવાવસ્થામાં તેમણે તેમની આ કળાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
તેઓ પોતે કહે છે કે એકવાર તેમણે ડૉ. માનવેન્દ્રનાથ રોય સાથે વાત કરી હતી. ડો. રોય 1925માં ભારતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાપકોમાંના એક હતા. જોકે, રોય ભારતમાં વધુ સફળતા મેળવી શક્યા ન હતા. પછી ડૉ.રૉયની નિષ્ફળતા જોઈને તેમણે કહ્યું કે ભારતમાં કંઈ કરવું હોય તો એક પવિત્ર માણસ, ગુરુ કે બાબાની છબી બનાવવી પડે છે. તેમણે ગાંધીજીનું ઉદાહરણ આપતા કહ્યું કે ગાંધીજી ફકીર અને સન્યાસીની જેમ કામ કરતા રહ્યા, તેથી જ તેઓ સફળ થયા. ડો. રોયે તેમની વાત સાંભળી કે નહીં તે ખ્યાલ નથી, પરંતુ ઓશોએ પોતે વીસ વર્ષ સુધી આ ટેકનિકનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં તેણે ખૂબ જ સાદો પોશાક પહેર્યો - સફેદ ચાદર અને ધોતી. એક પરંપરાગત સાધુનું જીવન જીવ્યા. પછી જેમ જેમ લોકો જોડાયા અને પૈસા આવવા લાગ્યા તેમ તેમ તેમણે પણ નવી ટેકનિકનો ઉપયોગ કર્યો.
થોડા સમય પછી તેઓ ખૂબ જ વૈભવી અને મોંઘા વસ્ત્રો પહેરવાનું શરૂ કરે છે. તેઓ આ બધું વિદેશી લોકોને આકર્ષવા માટે કરે છે. તે સમયે બે વિશ્વ યુદ્ધો પછી થિયોસોફિકલ સોસાયટીએ ગૌતમ બુદ્ધના પુનર્જન્મનો માહોલ બનાવી દીધો હતો. શીતયુદ્ધના યુગમાં અમેરિકા અને યુરોપમાં હિપ્પી ચળવળ ચાલી રહી હતી. હિપ્પી યુવાનો અમીરી અને સુખ સાહ્યબીથી કંટાળીને એશિયાના ધર્મોનો સ્વાદ ચાખવા માંગતા હતા. તેમની પાસે ઘણા પૈસા હતા. આ લોકોને આકર્ષવા માટે ઓશોએ બૌદ્ધ ધર્મમાંથી ધ્યાન અને સમાધિ, વિલિયમ રીકની હ્યુમન પોટેન્શિયલ મૂવમેન્ટમાંથી કોન્શિયસ કૈથાર્સિસ, સાઈકોથેરાપી, ફ્રાયડીયન મનોવિજ્ઞાન વગેરે લઈને તેમાં રશિયન ગુરૂ ગુર્જિયેફની ગુર્જિયેફ મુવમેન્ટ અને ભારતના વજ્રયાન બૌદ્ધ તંત્રને મેળવીને એક નવો ફોર્મ્યુલા તૈયાર કર્યો. આ પ્રયોગો ખૂબ સફળ રહ્યા. તેની સફળતા તેમને સમગ્ર વિશ્વમાં પહોંચાડી દીધાં. પછી જ્યારે તેઓ ખૂબ જ સફળ અને શક્તિશાળી બની ગયા, ત્યારે તેમના જ આશ્રમમાં શિષ્યો વચ્ચે સમસ્યાઓ ઉભી થવા લાગી.
નૈતિકતા અને તંદુરસ્ત ઉદાહરણનો અભાવ
ઓશોની વાતો ગમે તેટલી સફળ રહી હોય, તેમના શિષ્યો અને આશ્રમના સંચાલકો જાણતા હતા કે આ બધી વ્યૂહાત્મક ટેકનિકો છે. તે પોતાનું નામ, શૈલી, ભાષા, પહેરવેશ વગેરે ખૂબ સમજી વિચારીને બદલતા હતા. તેઓ 'સંભોગ સે સમાધિ' જેવા ટાઇટલ દ્વારા યુરોપની સેક્સથી ઉબાઈ ચૂકેલી યુવા પેઢી સાથે ભારતના સેક્સ ભૂખ્યા લોકોને એક સાથે પકડી લેતા હતા. તેમની આક્રમક મીડિયા વ્યૂહરચના ધીમે ધીમે તેમના પર ભારે પડવા લાગી. જેમ જેમ તેઓ બીમાર અને નબળા પડતા ગયા તેમ તેમ તેમના શિષ્યો વચ્ચે મોટા ઝઘડા અને વિવાદ થવા લાગ્યા. આશ્રમની પ્રોપર્ટી અને કોપીરાઈટને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ
તમે બુદ્ધ, મહાવીર અને ઈસુના જીવનને જુઓ. તેઓ હંમેશા તેમના જીવનમાં સર્વોચ્ચ નૈતિક આચરણ કરીને બતાવે છે. તેઓ ક્યારેય તેમના શબ્દો અથવા વર્તનથી કોઈને લલચાવવાનો કે લૂંટવાનો પ્રયાસ કરતા નથી. બુદ્ધે તો રાજમહેલને પણ લાત મારી. બુદ્ધ અને મહાવીર સાધુ જીવન જીવતા અને સામાન્ય રોગોથી સામાન્ય માણસની જેમ મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને સંકટ સમયે એકલા છોડ્યા ન હતા. તેમને ભાગવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેઓ ભાગ્યા નહોતા અને ધરપકડ વહોરીને વધસ્તંભે ચડી ગયા હતા. એ જ રીતે કબીર, નાનક, ગુરુ અર્જુનદેવ અને રૈદાસનું જીવન છે, તેમણે સર્વોચ્ચ નૈતિક આચરણ દર્શાવ્યું. આ કારણોસર બુદ્ધ, મહાવીર, જીસસ, કબીર અને નાનક પછી, કરુણાવાન અને નૈતિક શિષ્યોની ફૌજ ઊભી થઈ. એ જ લોકોએ તેમની ચળવળને આગળ વધારી.
ઓશોનું આંદોલન આજે ક્યાં છે?
આ બધાંની સામે આજે ઓશોનું આંદોલન લગભગ સમાપ્ત થઈ ગયું છે. ઓશોના પોતાના વર્તનમાં નૈતિકતા અને શુચિતાની સાથે સહજ માનવીય કરુણાનો અભાવ હતો. તેથી જ તેમના શિષ્યોમાં નૈતિકતા તો છોડો, સામાન્ય સામાજિક શિષ્ટાચાર પણ વિકસિત થઈ શક્યો નહીં. તેઓ ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામજનોને મૂર્ખ, અધાર્મિક, કુંઠિત વગેરે કહેતા રહ્યા અને તેમની સાથે ક્યારેય જોડાઈ ન શક્યા. તેમણે ભારતના ગરીબોની સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અને સામાજિક નૈતિકતાને ઉપર ઉઠાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. આ કારણોસર ઓશો અને ઓશોના શિષ્યોમાં ન કોઈ મોટી નૈતિકતા જન્મી કે ન મોટી કોઈ પ્રતિભા જન્મી. જ્યારે ગુરુનું જ આચરણ વિચિત્ર હતું તો શિષ્યોમાં સારી પ્રેરણા ક્યાંથી આવે?
(ડૉ. સંજય જોઠેનો આ લેખ હિન્દીમાં પ્રકાશિત થયો હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.)
આ પણ વાંચોઃ RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jayanti Chauhanસત્ય પુનર્વિચાર કરવો જરૂરી છે