એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો
- કે.બી. રાઠોડ
દલિતો પરના અત્યાચાર/એટ્રોસીટીનાં ગુનામાં સૌ પ્રથમ તો પોલીસ FIR નોંધી ગુનો દાખલ કરતી નથી. આમ FIR નોંધાવવામાં ફરિયાદી કે પીડિતોને ખુબ જ મુશ્કેલી પડે છે. FIR નોંધી ગુનો દાખલ થયા પછી મોટા ભાગના કિસ્સાઓમાં DySP કે ACP તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરતા નથી. તપાસ કરનાર પોલીસ અધિકારી ગુનેગારોની ધરપકડ કરતા નથી અથવા વિલંબ કરે છે. તેથી આરોપીઓને તપાસ કરનાર અધિકારીઓ જ કાં તો હાઇકોર્ટમાં CRPCની કલમ ૪૮૨ નીચે FIR QUASH કરવા મોકો આપતી હોય તેવું બને છે.
તપાસ અધિકારીઓની ઢીલી નીતિને લીધે અથવા આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવાના કારણે તેઓને આગોતરા જામીન અરજી કરવાનો મોકો મળી જતો હોય છે. આગોતરા જમીન અરજી થાય એટલે પોલીસ ગુનેગારની ધરપકડ કરતી નથી. હકીકતમાં આવી આગોતરા જામીન અરજી થવા માત્રથી ધરપકડ ન થઈ શકે તેવું નથી. કોર્ટમાં આગોતરા જામીન અરજી પેન્ડિંગ હોય તો પણ ધરપકડ થઈ શકે છે. છતાં પોલીસ ગુનેગારોને પકડતી નથી.
ડો. સુભાસ મહાજનના સુપ્રિમ કોર્ટનાં બે જજોની બેન્ચના તા.20/03/2018ના ચુકાદા પછી દેશભરમાંથી વિરોધ થતા પાર્લામેન્ટે એસ.સી.- એસ. ટી. પ્રિવેનશન ઓફ એટ્રોસિટી(એમેન્ડમેન્ટ) એક્ટ 2018નો સુધારો કરી કાયદામાં નવી કલમ 18A ઉમેરીને આરોપીઓ આગોતરા જામીન અરજી કરી શકશે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરી છે. છતાં તેનો અમલ થતો નથી.
તેમાં કલમ 18 A(2) નવી ઉમેરીને એવી જોગવાઈ કરી કે દેશની કોઈ પણ કોર્ટ જજમેન્ટ, હુકમ, કે આદેશ આપે તો પણ CrPC ની કલમ 438 મુજબ આગોતરા જમીન અરજી થઈ શકતી નથી.
સદરહુ સુધારેલી કલમ 18 A(1) મુજબ આ કાયદા નીચે કોઈપણ ગુનાની ફરિયાદ થાય તો તેની પ્રાથમિક તપાસ કરવાની જ નથી. FIR નોંધવી ફરજીયાત છે છતાં એટ્રોસીટીનાં ગુનાની ફરિયાદ ને એક સામાન્ય અરજી તરીકે ટ્રીટ કરીને પોલીસ પ્રાથમિક તપાસ કરી ફાઈલ કરી નાખે છે.
એટ્રોસિટી એક્ટ હેઠળના મોટાભાગના ગુનાઓમાં FIR થાય એટલે તે ગુનાના આરોપીઓ હાઇકોર્ટમાં CrPCની કલમ 482 અંતર્ગત FIR રદ(Quash) કરવા માટે પિટિશનો કરે છે. તેવી અમુક પીટીશનોમાં હાઇકોર્ટ તરફથી ફરિયાદી કે પીડિતને સાંભળ્યા વિના માત્ર એ.પી.પી. નોટિસ વેઇવ કરે એટલે No coerceive steps to be taken એવા હુકમો કરી FIRની તપાસ સ્ટે કરી લાંબી મુદત નાખી દેવામાં આવે છે. આવી અનેક પિટિશનો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કાયદાની અસરકારકતા ઘટતી જાય છે.
ઘણા સમયથી ગુજરાતના પોલીસ તંત્રનો એવો ટ્રેન્ડ રહેલ છે કે એટ્રોસિટીના બનાવની FIR નોંધાવનાર ફરિયાદી વિરુદ્ધ આરોપી પક્ષ તરફથી સામી ફરિયાદ (Cross complaint) નોંધાવવામાં આવતી હોય છે, એટલે ફરિયાદી કે પીડિત વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેઓને હેરાન કરતા હોય છે. હકીકતમાં ઘણી વખત પોલીસ તંત્ર જ એટ્રોસિટીના આરોપીને ફરિયાદી વિરૂદ્ધ ફરિયાદ કરવાની સલાહ આપી FIR નોંધે છે. એ રીતે પીડિતને જ ખોટી રીતે ગુનામાં સંડોવી દેવામાં આવે છે જે પણ અત્યાચારનો એક ભાગ છે.
દલિતો પરના અત્યાચારના ગંભીર પ્રકારના મોટા ભાગના બનાવોની તપાસનાં અંતે પોલીસ અધિકારીઓ કોર્ટમાં B અથવા C સમરીનાં રિપોર્ટ ભરી આરોપીઓને છોડી મુકવાના અહેવાલ રજૂ કરીને રિપોર્ટ કરી દે છે.
આવા સમરીના રિપોર્ટ સામે ફરિયાદી તરફથી વાંધા અરજી (Protest petition) કરવી પડે. પરંતુ આવી વાંધા અરજી કરવા માટે સારા વકીલો મળતા નથી. આ રીતે ઘણા કેસોમાં આવી સમરી રિપોર્ટનો સિલસિલો ચાલી રહ્યો છે.
હકીકતમાં એટ્રોસિટી એક્ટની કલમ 4(2)(e) મુજબ તપાસ કરનાર પોલીસ અધિકારીએ તપાસ કરીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ જ કરવું જોઈએ. સમરી રિપોર્ટ કરવાનું કાયદામાં ક્યાંય લખ્યું નથી. છતા સમરી રિપોર્ટ ભરી આરોપીને છોડી મુકવાનાં અભિપ્રાયો આપતા હોય છે.
ગુજરાતની મોટાભાગની એટ્રોસિટીની કોર્ટો આ ગુનાના આરોપીઓની આગોતરા જામીન અરજીઓ મંજૂર જ કરે છે. એટલું જ નહિ, ગુજરાત હાઇકોર્ટમાં પણ મોટાભાગે આગોતરા જમીન અરજીઓ મંજૂર કરવાનો સિલસિલો છે.
હકીકતમાં 20 માર્ચ 2018ના સુપ્રિમ કોર્ટનાં ડો. સુભાસ મહાજનના જજમેન્ટ વિરૂદ્ધની રિવ્યૂ પિટિશનમાં નામદાર સુપ્રિમ કોર્ટનાં તારીખ 01/10/2019 ના ત્રણ જજોની બેન્ચના જજમેન્ટમાં આગોતરા જમીન આપવાની ના પડેલ છે. તેમ છતા આ ગુનાની FIR પરથી કોર્ટને એમ લાગે કે પ્રથમ દર્શનીય રીતે એટ્રોસિટી એક્ટ નીચે કોઈ ગુનો બનતો જ નથી તો માત્ર તેવા અપવાદરૂપ કિસ્સામાં જ આગોતરા જમીન આપવા તેવું જજમેન્ટ છે. તેમ છતા આવા અપવાદને નીચેની કોર્ટો એક જનરલ રૂલ તરીકે ટ્રીટ કરે છે અને પોતાની રીતે આમાં એટ્રોસિટી એક્ટનો કોઈ ગુનો બનતો નથી તેમ માની લઈને મોટાભાગના કેસોમાં આગોતરા જામીન આપે છે. હકીકતમાં FIR જોતા પ્રથમ દર્શનીય રીતે એવું લાગે કે એટ્રોસિટી એક્ટનો ગુનો બને જ છે, છતાં કોર્ટો આગોતરા જામીન અરજીઓ મંજૂર કરી દેતી હોય છે.
આ કાયદા નીચેના સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટ સમક્ષના કેસોમાં આ કાયદાની કલમ 15(A)(3) તથા (5)ની જોગવાઈ મુજબ આ કાયદાની દરેક કાર્યવાહીનાં તબક્કે ફરિયાદી અથવા પીડિતને કોર્ટે સાંભળવા જોઈએ. એટલું જ નહીં, સદરહુ કલમ 15(A)(12)ની જોગવાઈ મુજબ પીડિત અથવા તેના આશ્રિતોને NGO, સામાજિક કાર્યકરો અને વકીલોની મદદ લેવાનો અધિકાર છે. તેમ છતાં મોટાભાગની એટ્રોસિટી એકટ નીચેની કોર્ટો પીડિતો કે તેના આશ્રિતોને કોર્ટમાં રજૂઆત કરવાની ના પાડી દે છે. અને ખાનગી વકીલ રાખે તો તેવા વકીલને પણ આ કોર્ટો સાંભળવાની સ્પષ્ટપણે ના પાડી દેતી હોય છે.
એટલું જ નહિ ફરિયાદી, પીડિતો કે તેનાં આશ્રિતો કે સાક્ષીઓ સરકાર તરફથી આ કેસ ચલાવનાર સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ને રજૂઆત કરે તો મોટાભાગના પ્રોસીક્યુટરો સાંભળતા નથી અને પોતાની મુનસફી પ્રમાણે વર્તી પીડિતોના હિત વિરૂદ્ધ કેસો ચલાવતા હોય છે.
એટ્રોસિટી એક્ટ નીચેના જે કોઈ કેસોમાં પોલીસ અધિકારીઓ તપાસ કરી ચાર્જશીટ કરે તો પણ તેઓએ કરેલ તપાસ કાં તો અધૂરી હોય, ખોટી તપાસ કરી હોય અથવા આરોપીને ગુનામાંથી છાવરવા માટે ઉપરછલ્લી તપાસ કરીને ચાર્જશીટ કરતા હોય છે. તેવા સંજોગોમાં પબ્લિક પ્રોસીક્યુટરોની ફરજ છે કે CRPCની કલમ 173 મુજબ જે તે ગુનાની વિશેષ તપાસ(Further unvestigation) કરવા માટે કોર્ટમાં અરજી કરીને માંગણી કરે. છતાં આવી વિશેષ તપાસની અરજી કરતા નથી.
ગુજરાત રાજ્યની અમુક કોર્ટો માત્ર એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં ગુનેગારોને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ઉપરાંત ફરિયાદી અને પીડિતોને સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી ચૂકવેલ સહાય પરત લેવાનાં હુકમો કરે છે. અમુક કેસોમાં આવી સહાય પરત લેવા માટે ફરિયાદી કે પીડિતની જમીનના રેવન્યૂ રેકર્ડમાં બોજાની એન્ટ્રી પાડવાના હુકમો કરે છે. અમુક કેસોમાં ફરિયાદી અને પિડીતને ખોટી રીતે ખોટી જુબાની આપવાના કારણસર કોર્ટે સજા કર્યાના પણ દાખલા છે.
ઘણાં જિલ્લામાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારી Arnesh Kumar v/s State Of Bihar નાં જજમેન્ટ મુજબ ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં જ અટક કરીને જામીન મુક્ત કરી દે છે. હકીકતમાં એટ્રોસિટી એક્ટની કલમ 18-A મુજબ આ કાયદા નીચેના ગુનામાં જો આગોતરા જામીન અરજી થઇ શકતી ન હોય તો પછી આરોપીની ધરપકડ કરવી ફરજીયાત બને છે અને પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલમાં મોકલવો જ જોઈએ. બીજુ કે, એટ્રોસિટી એક્ટની કલમ 15-A(3) અને (5) મુજબ આ કાયદા નીચેની દરેક કાર્યવાહીમાં ફરિયાદી અથવા પીડિતને સાંભળવા ફરજીયાત છે. એનો મતલબ એ થયો કે ફરિયાદી કે પીડિતને સાંભળ્યા સિવાય પોલીસ સ્ટેશનમાં જ આરોપીને જામીન આપી શકાતા નથી. ઉપરાંત, આ કાયદાની કલમ 20 મુજબ આ કાયદો સ્પેશ્યલ કાયદો છે અને બીજા કાયદાની ઉપરવટ (override)નો કાયદો છે. આવા ઘણા સંજોગો જોતા પોલીસ આરોપીને અર્નેશકુમારના જજમેન્ટના બહાના નીચે જામીન પર છોડી શકતી નથી. છતાં અમુક જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં જામીન પર મુકત કરી દે છે. પોલીસખાતાનું આ વલણ તદ્દન ગેરકાયદેસર છે.
(લેખક એટ્રોસિટી કાયદાના નિષ્ણાત અને નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ છે.)