બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ

દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં આપેલી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે. વાંચો મહાનાયક આંબેડકરના ભાષણના એ અંશો જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ
image credit - Google images

હિદાયત પરમાર

ચોતરફથી ડો.આંબેડકરે લખેલા બંધારણ પર હુમલા વચ્ચે આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં કહેલા શબ્દો ફરીથી ગાંઠે બાંધવા પડશે. વાંચો મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના ઐતિહાસિક અંતિમ ભાષણમાં શું કહ્યું હતું તે જાણીએ.

બંધારણ સભાના અધયક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 નવેમ્બર, 1949ના દિને કરેલા અંતિમ સંબોધન બાદ ભારતીય બંધારણના ઘડતરનું કાર્ય સંપન્ન થયું. તેના એક દિવસ અગાઉ 25 નવેમ્બર, 1949 ના દિવસે ડૉ. આંબેડકરે બંધારણ સભામાં કરેલ છેલ્લું સંબોધન યાદગાર છે. આપણે ત્યાં ગાંધીજી, નહેરૂએ કરેલા ભાષણોને મીડિયામાં જેટલી પ્રસિદ્ધી મળતી રહે છે, તેની સરખામણીએ ડો.આંબેડકરે બંધારણ સભામાં કરેલું અંતિમ ભાષણ અનેક રીતે મહત્વનું, તાર્કિક અને ઐતિહાસિક હોવા છતાં મનુમીડિયા તેને અવગણે છે. ત્યારે ડો.આંબેડકરે તે દિવસે શું કહેલું તે સમજીએ. બાબાસાહેબે કહેલુંઃ

“મારા અભિપ્રાય મુજબ, બંધારણ ભલે ગમે તેટલું સારું હોય, તો પણ તેના અમલની જવાબદારી જેના પર છે, તે જો ઈમાનદાર ન હોય, તો બંધારણ ખરાબ પુરવાર થઈ શકે છે. તે જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય, તો પણ તેના અમલની જવાબદારી જેમના પર છે, તેઓ જો ઈમાનદાર હોય, તો બંધારણ સારું પુરવાર થશે જ. બંધારણનો અમલ પૂર્ણત: બંધારણના સ્વરૂપ પર આધારિત નથી. બંધારણીય સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર જેવા રાજ્યના વિભાગો અસ્તિત્વમાં આવે છે. રાજ્યના આ વિભાગોનું કાર્ય લોકો અને લોકો દ્વારા તેમની અપેક્ષાઓ અને રાજનીતિ માટે સાધનના રૂપમાં રચાયેલ રાજકીય પક્ષ, તેના પર આધારિત છે."

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત

"માત્ર બાહ્ય સ્વરૂપમાં નહિ, પરંતુ વાસ્તવમાં લોકતંત્ર અસ્તિત્વમાં આવે તેવી આપણી ઇચ્છા હોય તો આપણે શું કરવું જોઈએ? મારા મત મુજબ સૌ પ્રથમ આવશ્યક બાબત એ છે કે આપણે સામાજિક અને આર્થિક ઉદ્દેશોની પૂર્તિ માટે આપણે વૈધાનિક માર્ગનો જ આશ્રય લેવો જોઈએ. એટલે કે ક્રાંતિનો લોહિયાળ રસ્તો આપણે એક તરફ ત્યજી દેવો જોઈએ. એટલે કે કાનૂન ભંગ, અસહકાર અને સત્યાગ્રહ જેવા માર્ગોથી આપણે દૂર રહેવું જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશોની પૂર્તિ માટે વૈધાનિક માર્ગ જેવો કોઈ અન્ય માર્ગ બાકી રહેતો ન હતો, ત્યારે આપણે ત્યાં અવૈધાનિક માર્ગનું મોટા પ્રમાણમાં સમર્થન કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે વૈધાનિક માર્ગો ઉપલબ્ધ છે, ત્યારે અવૈધાનિક માર્ગનું સમર્થન કરી શકાય નહીં. આ અવૈધાનિક માર્ગ બીજું કંઈ નહિ પરંતુ અરાજકતાનું વ્યાકરણ છે. અને જેટલી જલ્દીથી આપણે તેમને દૂર કરીએ, તેટલું જ આપણા હિતમાં છે."

"બીજી મહત્ત્વની બાબત એ છે કે લોકતંત્રમાં આસ્થા ધરાવનાર લોકોએ જહોન સ્ટુઅર્ટ મિલે ઉચ્ચારેલી ચેતવણી યાદ રાખવી જોઈએ, “લોકોએ પોતાનું સ્વાતંત્ર્ય બીજી કોઈ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ, તેમના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ નહિ. સાથે તેના પર એટલો વિશ્વાસ પણ મૂકી દેવો ન જોઈએ કે જેનાથી આપણને મળેલા અધિકારોનો નાશ થાય.' પોતાનું જીવન સંપૂર્ણપણે દેશ સેવામાં અર્પણ કરનાર મહાપુરુષો તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનું અનુચિત નથી, પરંતુ કૃતજ્ઞતા પ્રગટ કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ."

"આયરીશ દેશભક્ત ડેનિયલ ઓકોનેલે યોગ્ય જ કહ્યું છે - “કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાભિમાનનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી, કોઈ પણ મહિલા પોતાના શીલનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી. અન્ય દેશોની સરખામણીમાં ભારતે આ ચેતવણી તરફ ધ્યાન આપવાનું વિશેષ જરૂરી છે. કારણ કે ભારતની ભક્તિ અથવા ભક્તિ માર્ગ અથવા વ્યક્તિ પૂજા જેટલા પ્રમાણમાં ભારતની રાજનીતિમાં દેખાય છે, તેટલા પ્રમાણમાં અન્ય કોઈ દેશની રાજનીતિમાં જોવા મળતી નથી. ધર્મની ભક્તિ આત્માની મુક્તિ માટેનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વ્યક્તિ પૂજા અધ:પતન અને તાનાશાહી તરફ દોરી જનારો નિશ્ચિત માર્ગ છે."

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન

"ત્રીજી વાત આપણે એ યાદ રાખવાની છે કે માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે એક સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જ જોઈએ. રાજકીય લોકતંત્રના મૂળમાં સામાજિક લોકતંત્રનો આધાર ન હોય તો તે વધુ વખત ટકી શકે નહીં."

"સામાજિક લોકતંત્ર શું છે? તે એક જીવન માર્ગ છે, જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વાતંત્ર્ય અલગ નથી. સમાનતા વિના સ્વાતંત્ર્ય સંભવ નથી. બંધુત્વ વગર સ્વાતંત્ર્ય અને સમાનતા સ્વાભાવિક રીતે અસ્તિત્વમાં હોતી નથી. ભારતના સમાજમાં બે બાબતોની પૂર્ણ ગેરહાજરી છે. તેમાંની એક સમાનતા છે. સામાજિક ક્ષેત્રમાં આપણો સમાજ અનેક વિષમતાઓથી ભરપૂર છે. એટલે કે કેટલાક લોકો ઊંચા સ્તરે છે તો બાકીના લોકો નિકૃષ્ઠ અવસ્થામાં છે. આર્થિક ક્ષેત્રમાં આપણા સમાજમાં કેટલાક લોકો પાસે વિપુલ સંપત્તિ છે. તો અનેક લોકો ધૃણાસ્પદ ગરીબીમાં જીવન ગુજારી રહ્યા છે. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે આપણે એક વિસંગતીપૂર્ણ જીવનમાં પ્રવેશ કરવાના છીએ, રાજકીય રીતે આપણે સમાનતા સિદ્ધ કરીશું, પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં વિષમતા રહેશે. રાજકીય રીતે દરેક વ્યક્તિ એકમત અને દરેક મતનું સમાન મૂલ્ય, આ સિદ્ધાંતને આપણે માન્યતા આપીશું. જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આ માન્યતાનો આપણે ઇન્કાર કરીશું. આવા પરસ્પર વિરોધી જીવનમાં આપણે કેટલો સમય રહીશું. જો આપણે વધારે સમય તેને ઇન્કાર કરતા રહીશું, તો આપણું રાજકીય લોકતંત્ર પણ કપટી થયા વગર રહેશે નહિ. આ વિસંગત આપણે તત્કાળ દૂર કરવી જોઈએ. અન્યથા જેમણે આ વિષમતાના પરિણામો ભોગવ્યા છે, તેઓ આ બંધારણ સભા દ્વારા ખૂબ જ પરિશ્રમપૂર્વક નિર્માણ કરાયેલ રાજકીય લોકતંત્ર ઉખાડીને ફેંકી દેશે."

આ પણ વાંચોઃ માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર

"આપણી ક્ષતિની બીજી વાત એટલે કે બંધુત્વના તત્ત્વને માન્યતા આપવાની છે. બંધુત્વ શું છે ? જો ભારતીય લોકો એક બને, તો તમામ ભારતીયોમાં સમાન ભાવના પેદા થાય તે બંધુત્વ છે. આ તત્ત્વ સામાજિક જીવનને એકતા આપે છે. બંધુત્વ પ્રાપ્ત કરવાનું ઘણું કઠિન છે. આ કેટલું મુશ્કેલ છે, તે અમેરિકાની બાબતમાં જેમ્સ બ્રાઈસે વર્ણવેલી કથાથી ખ્યાલ આવશે. બ્રાઈસના શબ્દોમાં - 

‘કેટલાક વર્ષો અગાઉ અમેરિકન પ્રોટેસ્ટ એટ એપિસ્કોપલ ચર્ચના ત્રિવાર્ષિક અધિવેશનમાં સમૂહ પ્રાર્થનામાં ફેરફાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હતો. એમ વિચારાયું કે પ્રાર્થના નાના વાક્યોની બનાવીને તેમાં તમામ લોકો માટે ઉપયોગી પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવે. ન્યુ ઇંગ્લેન્ડના પ્રમુખ ધર્મોપદેશક કે શબ્દોનું સૂચન કર્યું, “હે પ્રભુ, અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો.' તે દિવસે આ શબ્દો સ્વીકારાય. તેના પર બીજા દિવસે ફરી વિચાર કરવામાં આવ્યો. બીજા દિવસે તેમાં “રાષ્ટ્ર” શબ્દ દૂર કરીને નવા શબ્દો એમ ઉમેરવામાં આવ્યા, “હે પ્રભુ, સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો.' આ શબ્દોનો સ્વીકાર કરવામાં આવ્યો."

આ પણ વાંચોઃ જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...

તે સમયે અમેરિકાના લોકોમાં એકતાની ભાવના એટલી ઓછી હતી કે તેમને એમ લાગતું ન હતું કે આપણે એક રાષ્ટ્ર છીએ. જો અમેરિકાના લોકોમાં પોતે એક રાષ્ટ્ર હોવાની ભાવના પેદા ન થતી હોય તો, ભારતીય લોકોમાં આ પ્રકારની ભાવના હોવાનું સંભવિત નથી. મારા મતે આપણે એક રાષ્ટ્ર હોવાની વાત પર વિશ્વાસ રાખવો એટલે કે જે અસ્તિત્વમાં નથી તેના અસ્તિત્વનો સ્વીકાર કરવા જેવું છે. હજારો જાતિઓમાં વિભાજિત લોકોનું રાષ્ટ્ર કેવી રીતે બની શકે ? સામાજિક અને માનસિક દૃષ્ટિથી આપણે આજે એક રાષ્ટ્ર નથી. તેનું ભાન આપણને જેટલું જલદી થાય, તેટલું આપણા હિતમાં છે. તેના પછી જ એક રાષ્ટ્ર હોવાની જરૂરિયાત પર આપણે ગંભીરતાથી વિચાર કરી શકીશું. આ ધ્યેય સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ છે. અમેરિકામાં જાતિ સમસ્યા નથી. ભારતમાં જાતિઓ છે. જાતિઓ રાષ્ટ્ર વિરોધી છે. પ્રથમ બાબત એ છે કે જાતિઓથી સમાજમાં વિભાજન થાય છે. કારણ કે જાતિ-જાતિમાં તિરસ્કાર અને ઘૃણાની ભાવના પેદા થાય છે. વાસ્તવમાં આપણે એક રાષ્ટ્ર બનવું હોવાની, આપણે આ બધી હરકતો ખતમ કરવી જોઈએ.રાષ્ટ્રનિર્માણ બાદ જ બંધુત્વ વાસ્તવમાં જોઈ શકાશે. બંધુત્વ વિના સમાનતા અને સ્વાતંત્ર્ય ઉપરના સ્તરનો બાહ્ય દેખાવ હશે.

આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?

એમાં કોઈ શંકા નથી કે સ્વાતંત્ર્ય આનંદની બાબત છે, પરંતુ તેનાથી આપણે ભૂલવું જોઈએ નહિ કે સ્વાતંત્ર્યથી આપણી પણ મોટી જવાબદારીઓ ઊભી થાય છે. સ્વાતંત્ર્યના કારણથી આપણે ખરાબ બાબતોનું અંગ્રેજો પર દોષારોપણ કરી શકીશું નહી. સ્વાતંત્ર્ય બાદ ખરાબ ઘટનાઓ માટે આપણો આપણા સિવાય અન્ય કોઈને દોષિત ઠરાવી શકીશું નહિ. કંઈક અનુચિત બનવાની શંકા છે. સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણા લોકો પણ નવા વિચારો અનુસરી રહ્યા છે. લોકો હવે ‘લોકોનું રાજ્ય' થી તંગ આવી ગયા છે. તેમને હવે’ લોકો માટે રાજ્ય' જોઈએ છે. રાજ્ય લોકોથી ચૂંટાયેલ છે કે કેમ તેની લોકોને ચિંતા નથી. બંધારણમાં આપણે “લોકોનું, લોકો માટે ચૂંટાયેલ રાજ્ય તંત્ર” તત્ત્વનું પાલન કર્યું છે અને આપણે તેની સુરક્ષા કરવાની છે. આપણે રસ્તામાં આવનારી મુશ્કેલીઓ ઓળખવી પડશે અને આપણે’ લોકો માટે બનેલી સરકાર' ને મહત્ત્વ આપવાની દિશા તરફ આગળ વધવું જોઈએ. તે માટે પહેલ કરવામાં આપણે નબળા પુરવાર થવા જોઈએ નહિ.દેશની સેવા કરવાનો આ એક માત્ર માર્ગ છે. બીજો કોઈ સારો માર્ગ હોવાની મને ખબર નથી.'
(સૌજન્યઃ ચાલો જાણીએ આપણું ભવિષ્ય ભારતીય બંધારણ પુસ્તક (લેખક - અશ્વિનકુમાર ન. કારીઆ)

આ પણ વાંચોઃ એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.