ભોલે બાબા દલિતોની 'જાટવ' જાતિના છે અને એટલું પુરતું છે...
હાથરસમાં જેમના સત્સંગ કાર્યક્રમમાં 121 લોકો મોતને ભેટ્યાં તે સૂરજપાલ સિંહ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દલિતોની જાટવ જાતિના છે - આટલું મગજમાં રાખીને આ લેખ વાંચો.
2 જૂન, 2024 ના રોજ, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુર્ઘટનામાં અંદાજે 125 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાબા સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ બાદ અચાનક નાસભાગ મચી ગઈ હતી. પોલીસ, તંત્ર અને બાબાના અનુયાયીઓ અકસ્માતના કારણો અંગે પોતપોતાના દાવાઓ કરે છે. આ દાવાઓ અને પ્રતિદાવાઓની અલગ-અલગ સ્તરે તપાસ થઈ રહી છે, પરંતુ આ દરમિયાન બીજી એક ચર્ચા છેડાઈ ગઈ છે. અને એ છે ભોલે બાબાની જાતિ અને તેમના રાજકીય કનેક્શનોની.
સરકારી આંકડાઓ મુજબ હાથરસના ફુલરાઈ ગામમાં સર્જાયેલી દુર્ઘટનામાં 121 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પોલીસે સત્સંગના આયોજકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તાજેતરમાં લાગુ કરાયેલ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ આયોજકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
હત્યા ઉપરાંત તેમાં સરકારી આદેશોનો અનાદર અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપો પણ ઉમેરવામાં આવ્યા છે. અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરના જણાવ્યા અનુસાર, આ કેસમાં દેવપ્રકાશ મધુકરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દેવપ્રકાશની શોધ હજુ ચાલુ છે. તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવા ઉપરાંત પોલીસ 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવાની પણ વાત કરી રહી છે. પરંતુ આ કેસમાં ભોલે બાબાનું નામ નથી.
હવે સવાલ એ છે કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં પોલીસ-વહીવટી તંત્રે બાબા સૂરજપાલ જાટવ ઉર્ફે ભોલે બાબાને આરોપી કેમ ન બનાવ્યા? આ વિશે અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. આમાંનો એક દાવો એવો છે કે બાબા મજબૂત રાજકીય કનેક્શનો અને રાજકીય પીઠબળ ધરાવે છે. બીજો દાવો એ છે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બાબાના લાખો અનુયાયીઓ છે. સરકાર બાબા પર સીધો હાથ નાખીને તેમના લાખો ભક્તોને નારાજ કરવા માંગતી નથી.
પરંતુ આ દરમિયાન બાબાની જાતિ અને દલિતોમાં તેમના પ્રભાવને પણ તેમને બચાવવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સિનિયર પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, જે લોકોએ કાર્યક્રમનું આયોજન કરવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી માંગી હતી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. કાર્યક્રમ માટેની અરજી બાબા તરફથી કરવામાં આવી ન હોવાથી તેમનું નામ એફઆઈઆરમાં નથી.
કોણ છે બાબા સૂરજપાલ જાટવ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા?
ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિનું સાચું નામ સૂરજપાલ સિંહ છે. તેમનો જન્મ કાસગંજ જિલ્લાના પટિયાલી વિસ્તારમાં એક દલિત પરિવારમાં થયો હતો. તેમનું ગામ બહાદુર નગર હાથરસથી લગભગ 65 કિલોમીટર દૂર છે. પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ હતા. મોટા ભાઈનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. જ્યારે નાનો ભાઈ રાકેશ ખેડૂત છે.
બાબા બનતા પહેલા સૂરજપાલ સિંહ ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લાંબા સમય સુધી તેમણે લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ એટલે કે LIUમાં સેવા આપી હતી. તેઓ આગ્રાની આસપાસના લગભગ 12 પોલીસ સ્ટેશનોમાં ડ્યૂટી નિભાવી ચૂક્યા છે. 1990ના દાયકામાં તેમની વિરુદ્ધ આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશનમાં જાતિય શોષણનો કેસ નોંધાયો હતો. એ પછી તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બાબાએ તેમની સરકારી નોકરી પણ ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો: Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત
જો કે, ભોલે બાબા તેમના ભક્તોને જુદી જ વાત કરે છે. બાબા કહે છે કે તેમણે 18 વર્ષ સુધી પોલીસમાં કામ કર્યું અને પછી 90ના દાયકામાં VRS લીધું. બાબા દાવો કરે છે કે "તેમની ઈશ્વર સાથે મુલાકાત થઈ હતી અને પછી તેમણે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું હતું. તેમનું શરીર ભગવાનનું અંગ છે અને માનવ કલ્યાણ એ તેમના જીવનનું લક્ષ્ય છે.”
એ પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને નારાયણ સાકાર વિશ્વ હરિ રાખ્યું. બાબાની ભગવાન સાથે મુલાકાતની વાર્તાઓ તેમના ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેમના ચમત્કારો તો તેના કરતાં પણ વધુ લોકપ્રિય છે. બાબાના ઉપદેશો ઉપરાંત તેમના કાર્યક્રમોમાં રોગો મટાડવા, ભૂત ભગાડવા અને ગરીબી દૂર કરવાના દાવાઓ પણ કરવામાં આવે છે.
ચમત્કારિક સ્પર્શ અને બાબાના નળનું પાણી
સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે બાબા જેલમાંથી છૂટ્યા ત્યારે તેમણે લોકોને ભગવાન સાથેની તેમની મુલાકાતની વાર્તા કહેવાનું શરૂ કર્યું હતું. તેમના ગામ પટિયાલીના એક રહેવાસી કહે છે, “તે દરમિયાન, બાબાએ તેમના ઘરની બહાર લગાવેલી ડંકીનું પાણી ચમત્કારિક હોવાની વાર્તા શરૂ કરી હતી. સમય સાથે તેમના ભક્તો વધવા લાગ્યા અને ચમત્કારિક પાણીની વાર્તા દૂરના વિસ્તારોમાં પણ ફેલાવા લાગી હતી. આ ડંકીમાંથી પાણી લેવા લોકો દૂર-દૂરથી આવવા લાગ્યા. તેમનું માનવું હતું કે, આ નળનું પાણી તેમના તમામ દુઃખો દૂર કરી દે છે અને તમામ પ્રકારની બીમારીઓથી મુક્તિ અપાવે છે."
બાબાની લોકપ્રિયતા વધવા લાગી. પરંતુ આવા કિસ્સાઓમાં મોટાભાગે જોવા મળે છે તેમ, બાબાના મોટા ભાગના ભક્તો ગરીબ, પછાત અને દલિત સમાજના લોકો હતા. તેમાં પણ મોટાભાગની મહિલાઓ હતી, જે ઓછું ભણેલી અને ગરીબીથી ઘેરાયેલી હતી.
થોડા સમય પછી બાબાની લોકપ્રિયતા પટિયાલી અને કાસગંજની સીમાઓ વટાવીને અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ. એ પછી ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાનપુર, જાલૌન, ફરુખાબાદ, આગ્રા, હાથરસ, મથુરા, પીલીભીત, બરેલી અને મુરાદાબાદ જેવા શહેરોમાં બાબાના કાર્યક્રમોનું આયોજન થવા લાગ્યું. આ દિવસોમાં, દર મહિનાના પહેલા મંગળવારે નારાયણ સાકાર હરિના વિશાળ સત્સંગનું આયોજન કરવામાં આવે છે.
નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા સામાન્ય બાબાઓની જેમ ભગવા વસ્ત્રો પહેરતા નથી. હંમેશા સફેદ સૂટમાં જોવા મળતા બાબા પોતાના અંગત સુરક્ષાકર્મીઓ સાથે ફરે છે. તેમની સાથે વાહનોનો લાંબો કાફલો પ્રવાસ કરે છે. તેમણે ઘણી જગ્યાએ આશ્રમો બનાવ્યા છે. જ્યાં પણ આશ્રમો હોય કે જ્યાં પણ બાબાના કાર્યક્રમોનું આયોજન થાય ત્યાં બાબાની ડંકી અવશ્ય દેખાય છે. બાબાની ડંકીનું પાણી અને બાબાનો ચમત્કારી સ્પર્શ મેળવવા માટે અનુયાયીઓમાં રીતસરની હોડ મચે છે. ભક્તો ડંકીનું પાણી પીને પોતાને ધન્ય માને છે. ભોલે બાબાની આવી ગાંડપણની હદની ભક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની ચરણરજ લેવા માટે 121 લોકોએ જીવ ગુમાવ્યો છે.
બાબાનો ગુનાહિત ઈતિહાસ
સૂરજપાલ સિંહ વિરૂદ્ધ માત્ર યૌન શોષણનો કેસ નથી, પરંતુ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ પાંચ કેસ નોંધાયેલા છે. આ કેસ આગ્રા, ઈટાવા, કાસગંજ, ફરુખાબાદ અને રાજસ્થાનના દૌસામાં નોંધાયેલા છે. વર્ષ 2000ની સાલમાં તેમની પત્ની કટોરી દેવી સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાબાને પોતાનું કોઈ સંતાન નથી. તેમણે તેમની ભત્રીજીને દત્તક લીધી છે, જે 16 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામી હતી. બાબાએ દાવો કર્યો હતો કે તે તેને પુનર્જીવિત કરશે. આ કારણે તેમણે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર નહોતા કરવા દીધાં. બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને બાબાને જેલમાં ધકેલી દીધા અને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા.
આ પણ વાંચો: Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!
જોકે, 2 જુલાઈની ઘટનામાં બાબાને હજુ સુધી આરોપી બનાવવામાં આવ્યા નથી. આ મામલે પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે. હાથરસના કલેક્ટર દ્વારા સરકારને મોકલવામાં આવેલા અહેવાલ મુજબ, આયોજકોએ કાર્યક્રમ માટે એકઠા થવાની પરવાનગી માંગી હતી તેના કરતા અનેક ગણા વધુ લોકો સ્થળ પર એકઠા થયા હતા. આ ભીડ અકસ્માતનું મુખ્ય કારણ બની હતી.
પરંતુ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અલીગઢના રહેવાસી સંદીપનું કહેવું છે કે “સત્સંગ તરફ જતા રસ્તા પર લોકોનો જામ હતો, જેને તંત્રે બળજબરીથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભીડમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં લોકો એકબીજા પર ચઢવા લાગ્યા અને નાસભાગ મચી ગઈ.”
આરોપીના વકીલ એ.પી. સિંહના કહેવા પ્રમાણે, “આ ઘટના પાછળ અસામાજિક તત્વોનો હાથ છે. આ બધું એક ષડયંત્ર હતું."
આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે આ મામલાની તપાસ માટે આગ્રા ઝોનના ADGની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે ન્યાયિક પંચની પણ રચના કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના નિવૃત્ત જજ બ્રજેશ શ્રીવાસ્તવ, પૂર્વ IAS હેમંત રાવ અને ભૂતપૂર્વ IPS ભાવેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.
આ દરમિયાન રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે ભોલે બાબાને ભાજપના સ્થાનિક નેતાઓનું સંરક્ષણ છે, તેથી જ તેમનું નામ FIRમાં નથી. બીજી તરફ ભાજપના લોકો બાબા સાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો ફોટો બતાવીને કહી રહ્યા છે કે બાબાને તેમનું પીઠબળ છે.
કેટલાક લોકો બાબાની જાતિના આધારે પણ આરોપો લગાવી રહ્યા છે. સૂરજપાલ સિંહ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દલિતોની જાટવ પેટાજાતિના છે. તેમના મોટાભાગના ભક્તો પણ જાટવ, અતિ પછાત અને દલિત સમાજના છે. હાથરસની ઘટનામાં મૃતકોમાં સૌથી વધુ 14 મહિલાઓ જાટવ સમાજની છે.
સ્થાનિકોનો દાવો છે કે બાબાના કાર્યક્રમોમાં તમામ મોટા નેતાઓ આવતા રહ્યા છે. જોકે બાબા પોતે ટીવી, સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર માધ્યમોથી અંતર જાળવી રહ્યા છે, પરંતુ તેમના રાજકીય પ્રભાવને નકારી શકાય તેમ નથી. BSP સરકારના સમયમાં બાબાનો એક અલગ જ ચાર્મ હતો. તે સમયે તેમના કાફલામાં લાલ બત્તીવાળા વાહનો સામાન્ય હતા.
એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, બાબાના દરબારની મુલાકાત લેનારાઓમાં માત્ર અખિલેશ યાદવ જ નથી, પરંતુ ભાજપ, બસપા અને અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ રહ્યા છે. પીલીભીતના એક ભાજપના ધારાસભ્ય સતત બાબાના કાર્યક્રમોનું આયોજન કરાવતા રહે છે. બાબા પોતે દાવો કરે છે કે નેતાઓ સિવાય તેમના શિષ્યોમાં ઘણા IAS અને IPS પણ છે.
હાથરસના એક સ્થાનિકનો આરોપ છે કે “બાબાને તેમની દલિત જાતિના કારણે આ મામલામાં વધુ ઢસડવામાં આવી રહ્યાં છે. જો તેઓ કથિત સવર્ણ જાતિના હોત તો મીડિયામાં આટલો હોબાળો ન મચ્યો હોત."
જો કે હાથરસની ઘટના ન તો પહેલી છે કે ન છેલ્લી છે. જ્યાં સુધી દેશમાં ગરીબી, નિરક્ષરતા, પછાતપણું અને આરોગ્ય સેવાઓનો અભાવ છે ત્યાં સુધી ચમત્કારોનો ધંધો ધીમો પડવાનો નથી. ગરીબ, નિરાધાર, પીડિત લોકો કે જેમની પાસે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ નથી તેઓ એ આશા સાથે તેમની સમસ્યાઓ લઈને આ પ્રકારના સત્સંગોમાં જાય છે કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય. આવી સ્થિતિમાં, જો ક્યાંક કાગનું બેસવું અને ડાળનું ભાંગવુંની જેમ કથિત ચમત્કારની ઘટના બની જાય છે તો તે લાખો લોકોમાં નવી આશા જગાવી દેતો હોય છે.સહાલમાં દેશની જે હાલત છે તેમાં, એક બે બાબાઓ જો બદનામ થઈ પણ જાય, બે-ચાર જેલમાં પણ જતા રહે, કે પાંચ-દસ દુર્ઘટનાઓનું કારણ બની પણ જાય, તો પણ આ ધંધામાં મંદી આવવાની નથી.
આ પણ વાંચો: હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં