શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?

વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે તે આ લેખનો મૂળ વિચાર છે. બહુજન વિચારધારામાં માનતી વ્યક્તિ માટે આને સમજવો ખૂબ સરળ છે.

શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?

કનુભાઈ કબીર, આણંદ

સવાલ એ છે કે સંસ્કૃતિ પહેલી કે સાહિત્ય? સામાન્ય રીતે મૂંઝવતા સવાલનો સરળ જવાબ એ છે કે પહેલા સંસ્કૃતિનું નિર્માણ થાય છે પછી એના સમર્થનમાં સાહિત્ય નિર્માણ કરવામાં આવે છે. એટલે જેની સંસ્કૃતિ એનું સાહિત્ય. સંસ્કૃતિમાં માત્ર સ્થાપત્ય કે મૂર્તિઓ કે પત્થર પર કોતરણીવાળા લેખો નથી હોતા પણ એમાંથી જે તે સંસ્કૃતિના દર્શન થાય છે. 

સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થાય છે? વિચારધારા સંસ્કૃતિની માતા છે. કોઈ એક વિચારધારાનું માનવબળ બીજી વિચારધારા પર હાવી થાય એ પહેલાં બંને વિચારધારાવાહકો વચ્ચે સત્તાનો સંઘર્ષ થાય છે. જે પરાજિત થાય છે તેની પર જીતેલી પ્રજાની સંસ્કૃતિ લાદવામાં આવે છે અને એને કાયમી બનાવવા લોકમાનસમાં સ્થાપિત કરવા સાહિત્ય નિર્માણ કરવામાં આવે છે.

એક થિયરી એવી ચાલી હતી કે આર્યો બહારથી આવ્યા. આગળ જતાં "બહારથી આવેલા"ની છાપ ભુંસી નાખવા એવું સ્થાપિત કરવામાં આવ્યું કે ‘આર્યોના આગમન’ની થિયરી ખોટી છે.  એના સમર્થનમાં એવું પણ કહેવાયું કે આર્યો એક ભારતીય પ્રજા જ હતી, એટલે તો પ્રાચીન સમયમાં પણ બુદ્ધ પહેલાં આર્ય શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો.  તથાગત બુદ્ધે પણ ‘આર્ય સત્યો’ શબ્દપ્રયોગ કર્યો હતો. 

આર્ય શબ્દની શાબ્દિક પળોજણમાં પડીએ તો આર્ય એટલે સારું, ઉચ્ચ, પવિત્ર અને સનાતન એવા અર્થ કાઢવામાં આવશે. તો છેવટે વાત તો ત્યાં આવી ને અટકી ને કે ‘આર્ય’ એટલે સારું કે ઉચ્ચ કે પવિત્ર. તો વાંધો અહિયાંથી શરૂ થાય છે. 

સાહિત્યે સારું નરસુંના વિભાજન કરી બતાવ્યા પણ છેવટે એ એક પ્રજા વિશેષ શબ્દ બની ગયો અને એની વિરુદ્ધ ‘અનાર્ય’ પ્રજા વિશેષ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો. આજે પણ દક્ષિણ ભારતમાંથી શા માટે ‘રામ’ સામે વિવાદ વંટોળ ઉઠ્યો છે? જો માત્ર સત્તાકીય સંઘર્ષનો સવાલ હોય તો આર્ય સાંસ્કૃતિક ચળવળના પ્રતિક ‘રામ’ શબ્દપ્રયોગનો ઈન્કાર ના થાત. આ વિવાદના મૂળ ઉત્તર ભારતથી આર્યની સાંસ્કૃતિક ચઢાઈ દક્ષિણ ભારતમાં છેક લંકા સુધી ‘રામ’ ની સવારી દ્વારા સાંસ્કૃતિક લડાઈથી પહોંચી એમાં પડેલા છે. 

આ પણ વાંચો : ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી

“વાહ ભાઈ વાહ ” ના હાસ્ય કવિના કાર્યક્રમમાં એક હાસ્ય કવિએ ‘લંકા’ ને ‘શ્રીલંકા’ કેમ કહેવામાં આવે છે એના પર પ્રકાશ પાડ્યો હતો. કુમાર જાવેદ કવિએ ક્હ્યું કે સીતા લંકામાં થોડો સમય રહ્યાં એટલે સી એટલે શ્રી ને લંકા સાથે જોડાયું એટલે લંકા ને પછી ‘શ્રીલંકા’ કહેવામાં આવે છે.

આ હાસ્ય કવિની કવિતા દરમિયાનની વાત છે પણ સાંસ્કૃતિક આક્રમણ સાહિત્ય મારફતે થાય છે તેનો પુરાવો છે.

આર્યની ચઢાઈ ઉત્તર ભારત તરફથી દક્ષિણ ભારત તરફ થવામાં શાનો સંકેત છે એ સમજવા મૂળ ભારતીય પ્રજા પર વિદેશી પ્રજાનું આક્રમક પછી સાંસ્કૃતિક સંઘર્ષને સમજવા ની જરૂર છે. શા માટે રામાયણ લખવામાં આવી? શા માટે લંકા સુધીની કહાની સીતાહરણના નામે છેક રાવણ દહનની ઘટના સુધી ઘડી કાઢવામાં આવી આવા પ્રશ્નોના જવાબ શોધવાની જેને નવરાશ નથી એ પ્રજા સાંસ્કૃતિક આક્રમણને સમજી શકે જ નહીં.

દક્ષિણ ભારતમાં શા માટે આજે પણ રામનો વિરોધ છે. દક્ષિણ ભારતના મહામાનવો એ શા માટે આર્ય પ્રચારિત સાહિત્યની સામે વિરોધી અથવા કાઉન્ટર કલ્ચરલક્ષી સાહિત્ય નિર્માણ કર્યું એ સમજવું જરૂરી છે. નારાયણ ગુરૂ,  પેરિયાર રામાસામી જેવા મહાન પ્રતિભા સંપન્ન ક્રાંતિકારીઓએ શા માટે કાઉન્ટર કલ્ચરલક્ષી સાહિત્યનું નિર્માણ કર્યું એ જાણવું પડશે, તો જ આજના દક્ષિણ ભારતીય નેતાઓના રામ આધારિત સત્તા, સાહિત્ય અને સાંસ્કૃતિક આક્રમણ ને સમજી શકાશે.

રામાયણની એક ઘટના એવી બતાવી છે કે રામના નામે પથ્થરો તરી ગયા ને રામસેતુ પુલ બની ગયો. વાનરસેનાએ પથ્થર પર રામ લખી સમંદરમાં તરતા મુક્યા એ જોઈને રાવણે પણ પથ્થર સમંદરમાં તરતો મૂક્યો તો એ પણ  તરતો હતો. આ આશ્ચર્ય જોઈને રાવણને પત્ની મંદોદરીએ પૂછ્યું કે તમે મુકેલ પથ્થર કેવી રીતે તરી ગયો? તો રાવણના મુખે જવાબ ઘૂસવાડવામાં આવ્યો કે તેણે મનોમન ‘શ્રીરામ"નું સ્મરણ કરીને પથ્થર સમંદરમાં તરતો મૂક્યો ને તે તરી ગયો.

વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે. યુગોથી વારંવાર કથા સ્વરૂપે આમ જનતામાં કહેવાતી અને પ્રચારિત કરી, પ્રચલિત કરાતી વાત દિલોદિમાગમાં વાસ્તવિકરૂપ ધારણ કરી લે છે. જીતેલી પ્રજા હંમેશા એ ધ્યાનમાં રાખીને રાજકીય રણનીતિ તૈયાર કરે છે કે તેની જીત સાશ્વત અને સનાતની બની રહે. રાજકારણમાં ધાર્મિક ડૉઝ ભલભલાને ભૂ પીતા કરી દે છે એનો ઈતિહાસ ગવાહ છે. લાંબી વાત ના કરીએ તો મંગલ પાંડે કારતૂસ પર લાગેલ ગાયની ચરબીથી ભડકી ગયા હતા અને વિદ્રોહ કર્યો. આઝાદીની લડતમાં ગાંધીએ સિફતપૂર્વક ‘રામ’ નામનું મિશ્રણ કર્યું છતાં રામની સાંસ્કૃતિક વિરાસતના વાહકોએ જ્યારે ગોળી મારી દીધી ત્યારે પણ "હે રામ" બોલાઈ ગયું. આ કથાનાક સાચું કે ખોટું છે એ જોવા કરતા એની સાહિત્ય દ્વારા લોકમાનસમાં કેટલી જબરદસ્ત અસર પડી છે એ સમજવું જરૂરી છે. એજ ‘રામ’ શબ્દનું આજના રાજકારણમાં મિશ્રણ તૈયાર કરી મંદિરનું નિર્માણ સાંસ્કૃતિક આક્રમણની પરંપરાનો પુરાવો છે.

રાજકીય પક્ષ આધારિત સત્તા કદાચ બદલાઈ જાય તો પણ શું આર્ય કલ્ચર આધારિત રાજકીય પક્ષો આવા સાંસ્કૃતિક આક્રમણ ને ખાળશે ખરા? હું ચોક્કસપણે માનું છું કે આજના ખુલ્લા સ્વરૂપે નહીં તો નવા પ્રચ્છન્ન સ્વરૂપે પણ તેને સ્થાયી બનાવવાની કોશિશ કરશે. સંતો ભલે કહે કે મારો રામ જુદો ને તારો રામ જુદો પણ આ શબ્દની વિભાવનાને આમ જનતા કેમ કરીને અલગ પાડીને બતાવશે? કારણ રામને શ્રધ્ધાનો વિષય બનાવી તમારા લોહીમાં ભેળવી દેવામાં આવ્યો છે એ તો સાહિત્યની કમાલ છે.
ખબર નથી તો મુખે સરી પડે ‘રામ જાણે', કોઈ પૌરુષત્વમાં નથી તો તેનામાં ‘રામ’ નથી એ શું હવામાંથી પડ્યું છે? ના, એની પાછળ પણ લાંબી સાહિત્ય આક્રમણની પરંપરા રહેલી છે.

આર્ય કલ્ચરની સાહિત્યક અસર આપણા જીવનના અંતમાં પણ એટલી ઊંડી છે કે છેલ્લે પણ ‘રામ બોલો ભાઈ રામ’થી જ સ્મશાનગ્રસ્ત થવાય છે. છે આવા સાંસ્કૃતિક આક્રમણ સામે નો કોઈ બચાવ? કોણે શું કરવું એ સંવિધાનિક સ્વતંત્રતા છે પણ ધર્મપરિવર્તન કરવા સાથે આર્ય કલ્ચરની સામે બહુજનવાદી સત્તા, સંસ્કૃતિ અને સાહિત્યનું નિર્માણ અને અંગિકાર એ એનો ઉપાય ના હોય શકે? આર્યન પૉલીટીકસની સામે બાબાસાહેબ ડૉ આંબેડકરથી માન્યવર કાંશીરામ સુધીના રાજકીય સંઘર્ષમાંથી નિર્માણ પામેલ બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા સિવાય મને તો કોઈ વિકલ્પ નથી લાગતો.

આ પણ વાંચો : અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.