ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી
અમદાવાદની એચ.કે. કોલેજના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્ર ઉપરાંત ભારતીય બંધારણ વિશેના તેમના સુક્ષ્મ નિરીક્ષણો માટે પણ જાણીતા છે. હાલમાં જ તેમણે સુરતમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં ‘બંધારણનું આમુખઃ કેટલાક ખ્યાલો’ અને ‘ભારતના બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ’ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા. જેના મુખ્ય મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે.
(1) ભારતના બંધારણના આમુખમાં લોકશાહી ભારત રહેશે એમ લખવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે લોકશાહી નબળી પડે એવી કોઈ પણ સરકારી કાર્યવાહી, કાયદા અને નિયમોનો વિરોધ કરવો એ નાગરિકોની ફરજ છે.
(2) વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીનો એક મજબૂત પાયો છે. એ ન હોય તો લોકશાહી મરી પરવારે. આ સ્વતંત્રતા દરેક નાગરિકની છે, થોડાક લોકોની નહિ. સરકાર એમ કહે કે તે જે રીતે વિચારે છે તે જ રીતે નાગરિકો પણ વિચારે, તો તે તાનાશાહી કહેવાય.
(3) સામાજિક ન્યાય હોય તો જ લોકશાહી ટકે અને વિકસે. એને માટે પરિવારમાં અને સમાજમાં લોકશાહી હોવી જોઈએ. કોઈના પણ, કોઈ પણ વિચારને આદર આપવો જોઈએ.
(4) આર્થિક ન્યાય ઊભો કરવો શક્ય છે, ભલે આર્થિક સમાનતા શક્ય ન હોય એમ મહાત્મા ગાંધીએ કહ્યું છે. આર્થિક ન્યાય એટલે પાયાની મૂળભૂત જરૂરિયાતો સૌને સંતોષકારક રીતે મળે તે.
(5) નાગરિકોની ફરજ છે કે તે તેઓ સરકારોની ટીકા કરે. એ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એ જો ટકશે તો દેશમાં લોકશાહી ટકશે. અત્યારે તેના પર તરાપ મારવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો વિરોધ કરવો જોઈએ.
(6) દરેક વ્યક્તિનું ગૌરવ બીજી દરેક વ્યક્તિએ, સમાજે અને રાજ્યે જાળવવાનું છે. સરકાર બેફામ રીતે વર્તી શકે નહિ. સરકારમાં બેઠેલા પોતાને રાજા સમજે અને એ રીતે વર્તે એ સહેજે ક્ષમ્ય ન ગણાય.
(7) બંધુતાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ અને સમાજે બીજી દરેક વ્યક્તિ અને સમાજ પરત્વે માનસન્માનથી વર્તવું જોઇએ. એમ થાય તો જ રાષ્ટ્ર ટકે અને વિકસે. ધિક્કારનું વાતાવરણ સમાજને તોડે છે એટલું જ નહિ, દેશને પણ તોડે છે એમ જગતનો છેલ્લાં સો વર્ષનો ઈતિહાસ કહે છે.
(8) અમે ભારતના લોકો એવા શબ્દોથી ભારતના બંધારણનો આરંભ થાય છે. એનો અર્થ એ છે કે ભારત એ ઈશ્વરે સર્જેલી ઘટના નથી, પણ મનુષ્યો દ્વારા નિર્મિત અને તેમના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સર્જિત રાજ્ય છે. ભારતની સ્થાપના પાછળનો એ વૈજ્ઞાનિક અભિગમ છે અને તેથી ભારત નાગરિકો માટે છે, નાગરિકો ભારત માટે છે એવું નથી, ન હોઈ શકે.
(પ્રો. હેમંતકુમાર શાહ (image credit - google images)
(9) બંધારણ એ એક સામાજિક કરારથી ઊભું થયેલું રાજ્ય છે એટલે કે એ મૂળભૂત રીતે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અસ્તિત્વ ધરાવે છે, અધિકારો છીનવી લેવા માટે રાજ્ય નથી.
(10) કાયદા ઘડવાની, તેમનો અમલ કરવાની અને અમલ ન કરે તેને સજા કરવાની સત્તા લોકશાહીમાં ત્રણ વ્યવસ્થાઓમાં વહેંચાયેલી હોય છે એ તાર્કિક બાબત છે. રાજાશાહીમાં આ ત્રણેય સત્તા રાજામાં કેન્દ્રિત થયેલી હતી. સત્તાનશીન લોકો એમ સમજે કે તેમનામાં જ બુદ્ધિ છે અને નાગરિકોમાં નથી, તો એ તદ્દન બુદ્ધિ વગરની વાત છે.
(11) શાસકોની સત્તાને નિયંત્રિત રાખવા માટેની અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ બંધારણમાં છે એ મૂળભૂત રીતે વૈજ્ઞાનિક અભિગમની બાબત છે. કારણ કે અધિકારોના રક્ષણ માટે જ આપણે ભારત નામના રાજ્યની સ્થાપના કરી છે.
(12) સમાનતાનો અભિગમ અને ન્યાયની સ્થાપના માટેની ઝંખના તેમ જ સ્વતંત્રતાને બરકરાર રાખવાનો ઉદ્દેશ બંધારણની પાયાની બાબત છે.
(13) વિચારની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ એ સૌથી તર્કબદ્ધ બાબત છે. કારણ કે મનુષ્ય જ તેના વિચારોને શબ્દબદ્ધ કરી શકે છે.
(14) પરીક્ષણ અને પ્રયોગને આધારે તારણ અને એમાં પણ કાળક્રમે સુધારા એ વૈજ્ઞાનિક અભિગમ છે, એ જ રીતે બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ પણ વૈજ્ઞાનિક અભિગમની સાબિતી આપે છે.
(15) જેઓ સરકારમાં બેઠા હોય છે તેઓ એમ સમજે છે કે તેમની પાસે પૈસા અને સત્તા છે એટલે તેમનામાં જ બુદ્ધિ છે. બુદ્ધિનો ઈજારો કોઈની પાસે નથી એવો વૈજ્ઞાનિક અભિગમ ભારતનું બંધારણ આપણને શીખવે છે. લોકશાહીનો અર્થ જ એ છે કે બધામાં બુદ્ધિ છે જ.
- પ્રો. હેમંતકુમાર શાહ (લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતીય બંધારણના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચોઃ દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક