'તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ'
વાલ્મિકી મહિલાના પુત્રને જાતિવાદી તત્વોએ કારણ વિના જ માર મારતા તેણે પોલીસમાં ફરિયાદ કરી, હવે આરોપીઓ તેમને ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે.

જાતિવાદ આ દેશનું પહેલું અને એકમાત્ર સત્ય છે તે સમજવામાં હજુ પણ જો તમે અસમંજસમાં હો તો તમારે તમારી સમજણ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે. કેમ કે, રાજકારણથી લઈને ધર્મ, બિઝનેસ, રહેણાંક અને પ્રતિષ્ઠા સુધીનું બધું અહીં માત્ર અને માત્ર તમારી જાતિને ધ્યાનમાં રાખીને મળે છે. સુપ્રીમ કોર્ટના જજો, ભારતરત્નો, ફિલ્મો, સંગીત, રમતગમતના ખેલાડીઓ, તેના બોર્ડના અધ્યક્ષોમાં કઈ જાતિના લોકોની બહુમતી છે તેના પર નજર કરો એટલે આપોઆપ મામલો સમજાઈ જશે. બાકી દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજમાં પ્રતિભાની જરાય કમી નથી. છતાં તેમના પર માત્ર તેમની જાતિના કારણે ચોક્કસ પ્રકારના ભેદભાવ થતા રહે છે. ક્યારેક તો કશા જ કારણ વિના પણ જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર કરવા પર ઉતરી આવે છે. આ ઘટના પણ કંઈક આવી જ છે.
ઉત્તરપ્રદેશના સિવિલ લાઈન્સ વિસ્તારના ભાટાવલી ગામમાં રહેતા એક દલિત પરિવાર સાથે બનેલી ઘટનાએ સમાજમાં જાતિ ભેદભાવ અને અત્યાચારના કાળી બાજુને ફરી ઉજાગર કરી દીધી છે. અહીં હરજ્ઞાન વાલ્મિકીની પત્ની સંગીતા પર જે વીતી રહ્યું છે તે ભારતમાં પ્રવર્તમાન જાતિવાદને નગ્ન કરી મૂકે છે. સંગીતાના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો નિખિલ ઘરની બહાર રસ્તા પર ઉભો હતો, ત્યારે ગામનો કમલ, તેનો ભાઈ અરવિંદ, પિતા રતન સિંહ, શિવમ અને પંકજ ત્યાં આવ્યા હતા. આ બધાંએ મળી નિખિલને કારણ વિના જ ઢોર માર માર્યો અને જાતિસૂચક ગાળો ભાંડી બધાં વચ્ચે અપમાનિત કર્યો. નાનકડો દીકરો આ ઘટનાથી ભારે ડરી ગયો છે.
ફરિયાદ બાદ જાતિવાદી તત્વો વધારે છાકટાં થયા
આ મામલે ન્યાય મળવાની આશાએ સંગીતાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેનાથી જાતિવાદી તત્વો ડરવાને બદલે વધુ છાકટા થઈ ગયા છે. એક વાલ્મિકી સમાજની મહિલાએ પોતાના પર ફરિયાદ નોંધાવી તેને આ જાતિવાદી તત્વોએ પોતાની પ્રતિષ્ઠા પર હુમલો માની લીધી છે અને સંગીતાના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું છે. આરોપીએ સંગીતાને કહ્યું છે કે, "તેં અમારી સામે ફરિયાદ કરીને સારું નથી કર્યું. હવે ગામ છોડી દો, નહીંતર પરિણામ ખરાબ આવશે."
આરોપીઓના પરિવારની મહિલાઓએ ઘરમાં ઘૂસી બબાલ કરી
પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે મદનપાલની પત્ની મુન્ની દેવી, કમલની પત્ની જ્યોતિ અને અરવિંદની પત્ની નિધિએ સંગીતાના ઘરમાં ઘૂસીને તેની સાથે અભદ્ર વર્તન કર્યું. આ મહિલાઓએ સંગીતાને ન માત્ર અપમાનજનક શબ્દો કહ્યાં પરંતુ તેના પરિવારને માનસિક ત્રાસ પણ આપ્યો. આ ઘટના માત્ર સંગીતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજ માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.
પોલીસે કેસ નોંધ્યો પરંતુ ડર યથાવત
સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના અર્પિત કપૂરે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધમકી અને એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, સંગીતા અને તેનો પરિવાર હજુ પણ ડરેલો છે. તેમના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે, શું તેઓ પોતાના જ ગામમાં સુરક્ષિત છે? આ ઘટના માત્ર એક દલિત પરિવારની કહાની નથી, પરંતુ સમાજમાં પ્રવર્તી રહેલી એ કુપ્રથાનું પ્રતિબિંબ છે, જેમાં જાતિ ભેદભાવ અને અત્યાચાર હજુ પણ ચાલુ છે. સંગીતા અને તેના પરિવારે આ મામલામાં ન્યાયની ગુહાર લગાવી છે છતાં સવાલ એ છે કે શું તેમના અવાજનો પડઘો ન્યાય તંત્રમાં બરાબર પડશે ખરો? શું સંગીતા અને તેના દીકરાને તેમનો અધિકાર મળશે કે પછી ગામ છોડવાની ફરજ પડશે?
ન્યાયની લડત અને સમાજની જવાબદારી
આ ઘટના દલિત સમાજના દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે કે, જો જાતિ ભેદભાવ સામે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો આ સમસ્યા વધુ ઘેરી બનશે. એ જરૂરી છે કે, પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે અને પીડિત પરિવારને સુરક્ષા પુરી પાડે.
આ પણ વાંચો: "દલિત થઈને અમારી સાથે બેસવું છે?" કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા