દલિત સરપંચને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ગામ છોડવું પડ્યું

દલિત સરપંચને માથાભારે લોકો હોદ્દો છોડી દેવા ધમકાવતા હતા. જ્યારે ન માન્યા તો ઝાડ સાથે બાંધીને માર માર્યો, હવે સરપંચે ગામ છોડવું પડ્યું છે. 

દલિત સરપંચને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ગામ છોડવું પડ્યું
all image credit - Google images

જાતિવાદથી ગ્રસ્ત ભારત દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા સરપંચ જેવા હોદ્દે પણ જો કોઈ દલિત, આદિવાસી સમાજની વ્યક્તિ હોય તો ગામના જ માથાભારે જાતિવાદી તત્વો તેનું માન સન્માન જાળવતા નથી. ઘણાં કેસોમાં તો આવા સરપંચ કથિત સર્વણો જાતિના માથાભારે લોકોના કહેવા પ્રમાણે જ કામ કરવા માટે મજબૂત હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં જો તેઓ સ્વતંત્ર રીતે કામ કરવા જાય તો અન્ય સભ્યો તેમને કામ કરવા દેતા નથી અને તેમની સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. જો કે આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે. જ્યાં એક ગામમાં જાતિવાદી ગુંડાઓએ એક ગામના સરપંચને ઝાડ સાથે બાંધીને તેમને માર માર્યો હતો. એટલું જ નહીં સરપંચને ગામ છોડવાનો વારો આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

માથાભારે તત્વો બે વર્ષથી હેરાન કરતા હતા

જાતિવાદના અન્ય મોટા કેસોની જેમ આ મામલો પણ હિન્દી ભાષી કટ્ટર જાતિવાદી રાજ્યો પૈકીના એક એવા મધ્યપ્રદેશનો છે. અહીંના મુરૈના જિલ્લાના એક ગામમાં એક દલિત સરપંચને કથિત રીતે ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો. જેના કારણે તેમણે પોતાનું પૈતૃક ઘર છોડવા મજબૂર થવું પડ્યું. સરપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી અને તેમણે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. ગામના તલાટીએ આ મામલે ફરિયાદી વિશે જણાવ્યું હતું કે, સરપંચને ગામના માથાભારે લોકો તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. જેના કારણે તેમણે ગામ છોડવાનો નિર્ણય કર્યો હતો.

મામલો મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના કૌથરકલા ગ્રામ પંચાયતનો છે. જ્યાંના સરપંચે ગુરૂવારે અહીંના પોરસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી ગુંડાઓ તેમને હેરાન કરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું મારા સરપંચના હોદ્દા પરથી રાજીનામું આપી દઉં અને ઓફિસના આઈડી પાસવર્ડ તેમને આપી દઉં. જેમાં તેમના ડિજિટલ સિગ્નેચર અને પાસવર્ડ સેવ કરેલા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, જ્યારે સરપંચે તેમની શરતો માનવાનો ઈનકાર કરી દીધો તો માથાભારે તત્વો 3 મેના રોજ તેમને કૌથરકલાની બહાર એક વિસ્તારમાં લઈ ગયા, જ્યાં તેમને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ પછી સરપંચને એટલું લાગી આવ્યું કે માથાભારે તત્વોની સતામણીથી તેઓ ગામ છોડવા મજબૂર બની ગયા હતા.

આ મામલે અંબાહના એસડીઓપી રવિ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, આ મામલે સરપંચની ફરિયાદના આધારે દિવાકરસિંહ તોમર અને તેના ભઆી પિંકુ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. દિવાકરની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. જો કે, સરપંચ તેમની સાથે થયેલી મારપીટ વિશે ખુલીને ફરિયાદમાં લખાવ્યું નથી. તેમને હજુ ડર લાગી રહ્યો હશે. એટ્રોસિટીની કલમો તેમાં સામેલ કરી લેવામાં આવી છે.

નજરે જોનાર લોકોનું કહેવું છે કે, "માર માર્યાની ઘટના બાદ સરપંચ પોતાના ઘરનો સામાન એક વાહનમાં ભરીને પોતાના સંબંધીઓ સાથે ગોહર શહેર જવા રવાના થઈ ગયા હતા. ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે સરપંચે મને કહ્યું હતું કે, ગામના કેટલાક લોકો મારા પર અત્યાચાર કરી રહ્યાં છે, એટલે હું ગામ છોડીને જઈ રહ્યો છું."

સવર્ણ મીડિયાની ચાલાકી, સરપંચનું નામ જ ન લખ્યું

આ આખી ઘટનામાં બહુજન સમાજે સમજવા જેવી બાબત એ છે કે, સમગ્ર ઘટનાના રિપોર્ટિંગમાં કહેવાતા રાષ્ટ્રીય મીડિયાએ પીડિત દલિત સરપંચના નામનો ક્યાંય ઉલ્લેખ પણ કર્યો નથી. અંબાણી-અદાણીના દીકરા-દીકરીઓના લગ્નમાં આવનાર વિદેશી મહેમાનોનું આખું નામ અને તેના સગાંવહાલાઓનું પણ બેકગ્રાઉન્ડ શોધી નાખનાર સવર્ણ મીડિયાને એક ફરિયાદી દલિત સરપંચનું નામ ન ખબર હોય એવું શક્ય નથી. પણ તેમની જાતિવાદી માનસિકતામાંથી તેઓ બહાર આવી શકતા નથી. વર્ષોથી દલિતો, આદિવાસીઓ સાથે આ રમત રમાતી આવી છે. એટલે જ ખબરઅંતર.કોમના કામનું મહત્વ વધી જાય છે. આ પ્રકારના રિપોર્ટ તૈયાર કરવામાં કલાકોની મહેનત લાગે છે. વિગતો ક્રોસ ચેક કરવી પડે છે. તેમ છતાં ક્યારેક આરોપીઓના નામ સવર્ણ મીડિયા છુપાવી દે છે, તો ક્યારેક પીડિતનું જ નામ નથી લખતું. જે શોધવાના ફાંફા પડી જાય છે. જેના કારણે દલિતો, આદિવાસીઓ, લઘુમતી અને ઓબીસી સમાજ સુધી તેમના જ સમાચારો યોગ્ય રીતે પહોંચતા નથી. 

પીડિત સરપંચ વાલ્મિકી સમાજના છે

અનેક રિપોર્ટ્સ, ન્યૂઝ ચેનલો પર ચેક કર્યા પછી ખબરઅંતર.કોમને ખબર પડી કે પીડિત સરપંચ વાલ્મિકી સમાજના છે, તેમનું નામ હરદેવ વાલ્મિકી છે અને તેઓ કોંથરકલા ગામના સરપંચ છે. માથભારે તત્વો તેમની સાથે ગુલામ જેવું વર્તન કરતા હતા. તેઓ પંચાયત ઓફિસનો તેમનો પાસવર્ડ અને આઈડી માંગતા હતા. તેમણે આપવાનો ઈનકાર કર્યો એટલે તેમને ગામ બહાર લઈ જઈને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો.

બહુજન મીડિયાને સપોર્ટ કરો

આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉપાય છે આપણું પોતાનું મીડિયા પ્લેટફોર્મ હોવું. એટલે જ ખબરઅંતર.કોમના બહુજન સમાજલક્ષી પત્રકારત્વને તમારા સહકારની જરૂર છે. તમે અમને આર્થિક મદદ કરીને આ મિશનમાં મદદરૂપ થઈ શકો છો. કેમ કે, જ્યાં સુધી સમાજ પોતાના સમાચાર માટે પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી આ પ્લેટફોર્મ ટકી નહીં શકે. તેના માટે તમારી નાની અમથી પણ આર્થિક મદદ અમને પ્રોત્સાહન પુરું પાડશે. તેના માટેની વિગતો સ્ટોરીના અંતમાં આપેલી છે, જ્યાં જઈને તમે તમારી યથાશક્તિ પ્રમાણે આર્થિક ટેકો કરીને આ મિશનમાં અમને મદદ કરી શકો છો. જેથી આપણું પોતાનું પ્લેટફોર્મ મજબૂત થાય અને વધુ સારી રીતે અમે બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપી શકીએ.

આ પણ વાંચો: દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો અને પછી શેરીમાં ઢસડ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jivan mayatra
    Jivan mayatra
    अरे बुड्ढे तेरे पास क्या डिग्री थी तेरे गांव में कोई पढ़ा लिखा नौजवान नहीं था
    16 days ago
  • Jeshingbhai
    Jeshingbhai
    ભારત ૨૧મી સદીમાં ભલે પહોચ્યું હોય પરંતુ આજ પણ ભારતની ૭૫% થી વધુ જનતા પર, ખાસ કરીને ST, ST, OBC, MINORITIES पर અન્યાય, અત્યાચાર અને ભેદભાવ નિરંતર ચાલુ છે, બેફામ ચાલુ છે. શું ભારત પોતાની આઝાદીનું ૧૦૦મું વર્ષ ઊજવતું હશે ત્યારે દેશમાંથી જાતિવાદ ખતમ થઈ ગયો હશે ખરો!!!???
    16 days ago