પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાંએ હુમલો કર્યો

30 જેટલા માથાભારે લોકોનું ઉશ્કેરાયેલું ટોળું સેનમા વાસ પર તિક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડ્યું, 7 લોકોને ઈજા પહોંચી.

પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાંએ હુમલો કર્યો
image credit - Google images

ગુજરાતમાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠીવાવડી ગામે ગઈકાલે રાત્રે માથાભારે પટેલ સમાજના 30 થી વધુ લોકોના ટોળાંએ સ્થાનિક સેનમા વાસ પર ધોકા, પાઈપ, ધારિયા સહિતના તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો. જેમાં 7 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

મામલો શું હતો?

પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે ગઈ રાત્રે સેનમા સમાજના બે યુવાનો બાઇક લઇને મંદિર આગળથી નીકળી રહ્યા હતા ત્યારે કેટલાક માથાભારે તત્વોએ તેમને રોકીને અહીંથી કેમ નીકળ્યો છે તેમ પૂછપરછ કરીને તેમને માર માર્યો હતો. એ પછી બંને યુવાનોએ વાસમાં જઈને વાત કરતા સેનમા સમાજના કેટલાક વડીલો આ મામલે ગામમાં ઠપકો આપવા માટે ગયા હતા. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા પટેલ સમાજના લોકોએ 25 થી 30ના ટોળામાં ઘાતક હથિયારો સાથે સેનમા વાસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક 75 વર્ષના વૃદ્ધને પણ ગંભીર ઈજા પહોંચી હતી. 

માથાભારે તત્વોએ તિક્ષ્ણ હથિયારો અને પથ્થરો મારી 7 થી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. જ્યારે 10 વધુ લોકોને ગડદાપાટુંનો માર માર્યો હતો.

સાવરણીના ધંધાનો સામાન પણ તોડી નાખ્યો

માથાભારે ટોળાંએ સેનમા સમાજનો સાવરણીના ધંધાનો સામાન પણ તોડી નાખ્યો હતો, જેના પર તેમનું ગુજરાન ચાલે છે. આરોપી ટોળાંએ સાવરણી બનાવવા માટેનો કાચો માલ પણ સળગાવી દીધો હતો. જેનાથી આ પરિવારોની રોજીરોટીને પણ અસર થઈ છે.

7 લોકો સારવાર હેઠળ

હાલ આ ઘટનામાં ઘાયલ થયેલા સાત લોકો પાટણ સ્થિત ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને એફઆઈઆર નોંધી છે. ડીવાયએસપી કે.કે. પંડ્યા સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યાં છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દલિત સમાજના સામાજિક કાર્યકરો અહીં પહોંચી ગયા છે અને સમાજના આગેવાનો સાથે તમામ ભોગ બનનારને રૂબરૂ મળી કાનુની માર્ગદર્શન આપી રહ્યાં છે. આ મામલે સામાજિક કાર્યકરોએ ડીવાયએસપી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: જાતિવાદીઓનો દલિતવાસ પર હુમલોઃ 6 ઘાયલ, 3ને માથામાં કુહાડી વાગી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.