લોકનિકેતન રતનપુર ખાતે દુષ્કર્મની ઘટનાઓ પર ચિંતન બેઠક યોજાઈ

આ ચિંતન ગોષ્ઠીમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને બૌદ્ધિક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.

લોકનિકેતન રતનપુર ખાતે દુષ્કર્મની ઘટનાઓ પર ચિંતન બેઠક યોજાઈ
image credit - Google images

છેલ્લા કેટલાય સમયથી દેશ અને ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. કોલકાતામાં મહિલા તબીબની બળાત્કાર બાદ થયેલ હત્યા, આટકોટ (રાજકોટ) કન્યા છાત્રાલય ખાતે બાળકીઓનું યૌન શોષણ તેમજ દાહોદ જિલ્લાના તોરણી ગામે પ્રાથમિક શાળાના આચાર્યે ૬ વર્ષની બાળકીની ઠંડા કલેજે કરેલ ક્રૂર હત્યાના બનાવો ઉપરાંત દેશમાં બની રહેલી આવી ઘટનાઓ આઘાતજનક અને ચિંતાપ્રેરક છે. ત્યારે આ ઘટનાઓની ગંભીરતા સમજીને બનાસકાંઠાની લોકનિકેતન સંસ્થા રતનપુર ખાતે એક ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર, લોકનિકેતન રતનપુર અને  યુવા જાગૃતિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને બૌદ્ધિક વર્ગે ઉપસ્થિત રહી આ સામાજિક દૂષણ સામે આપણે એકમત અને એકજૂટ બનીને કેવી રીતે લડી શકીએ અને આ ઘટનાઓ પાછળના કારણો અને ઉપાયો અને તેની સમાજિક અસર ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગોષ્ઠીમાં સહભાગીઓ દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાત અશ્વિનકુમાર કારીયા, મનોચિકિત્સક ડો. પ્રવીણ પટેલ, ડૉ. ટીકા, નિવૃત્ત ડાયરેકટર કૃષિ યુનિ. દાંતીવાડા ગિરીશ ભાઈ સૂંઢિયા, જયેશભાઈ સોની સાથે અને શિક્ષકો, વડીલો, કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં થયેલ ચર્ચાનાં તારણોનો ઠરાવ કરી સરકારશ્રીને આવેદન સ્વરૂપે મોકલવામાં આવશે. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન વસંત યાદવ અને સમાપન વિક્રમ વજીર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના તમામ ખર્ચની જવાબદારી લોકનિકેતનના શ્રી કિરણભાઈ ચાવડાએ ઉપાડી લીધી હતી.

આ પણ વાંચો: પાલનપુરમાં 'બંધારણ દિવસ' પ્રસંગે બંધારણ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.