Heeralal Samriya: હીરાલાલ સામરિયા બન્યાં દેશના પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર(CIC), જાણો કેવો છે તેમનો કાર્યકાળ

Heeralal Samriya: હીરાલાલ સામરિયા બન્યાં દેશના પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર(CIC), જાણો કેવો છે તેમનો કાર્યકાળ

1985 બેચના IAS અધિકારી હીરાલાલ સામરિયાને દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને દેશના પ્રથમ દલિત CIC બનવાનું ગૌરવ પણ મળ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં 63 વર્ષીય સામરિયાને પદના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

IAS સામરિયાનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક અંતરિયાળ નાના ગામ પહાડીમાં થયો હતો. 14 સપ્ટેમ્બર 1960ના રોજ જન્મેલા સામરિયાએ રાજસ્થાન યુનિ.થી સિવિલ(ઓનર્સ)નું શિક્ષણ લીધું છે. એ પછી 1985માં તેમની નિયુક્તિ સિવિલ સર્વિસમાં થઈ હતી.

તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી. 3 ઓક્ટોબરે વાયકે સિન્હાનો કાર્યકાળ પૂરો થયા બાદ મુખ્ય માહિતી કમિશનરનું પદ ખાલી હતું. સામરિયાને હવે આ પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન તોઓ શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ, અધિક સચિવના પદ પર કામ કરી ચૂક્યા છે. તેમણે કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલયમાં પણ અધિક સચિવ તરીકે કામ કર્યું છે અગાઉ, તે 7 નવેમ્બર, 2020ના રોજ CICમાં માહિતી કમિશનર તરીકે નિમાયા હતા.

IAS Heeralal Samriyaની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક થયા પછી, આઠ માહિતી કમિશનરની જગ્યા ખાલી છે. હાલમાં આયોગમાં બે માહિતી કમિશનર છે. કમિશનનું નેતૃત્વ મુખ્ય માહિતી કમિશનર કરે છે અને તેમાં વધુમાં વધુ 10 માહિતી કમિશનર હોઈ શકે છે. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર 65 વર્ષની વયના થાય ત્યાં સુધી હોદ્દો સંભાળી શકે છે, તેમના કાર્યકાળમાં વધુ બે વર્ષ બાકી છે.  

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) એ ભારત સરકારની બંધારણીય સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 2005માં માહિતી અધિકાર કાયદા હેઠળ કરવામાં આવી હતી. તેનો હેતુ એવા અરજદારોને સુવિધા આપવાનો છે જેઓ કોઈપણ સરકારી વિભાગ અથવા મંત્રાલય પાસેથી માંગવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ નથી અથવા તેમને માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો:ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં કવિ દાન વાઘેલા અને રાઘવજી માધડ ચૂંટાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.