ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં કવિ દાન વાઘેલા અને રાઘવજી માધડ ચૂંટાયા

ગુજરાતી સાહિત્ય પરિષદની હાલમાં જ યોજાયેલી પ્રમુખ અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં મધ્યસ્થ સમિતિમાં ભાવનગરના કવિ દાન વાઘેલા અને અમરેલીના પ્રસિદ્ધ લેખક-વાર્તાકાર રાઘવજી માધડ ચૂંટાઈને આવ્યા છે. રાઘવજી માધડને 754 મતો જ્યારે દાન વાઘેલાને 687 મતો મળ્યાં હતાં. નવા ચૂંટાયેલા પ્રમુખ અને સ્થાયી સમિતિના સભ્યો આગામી જાન્યુઆરી 2024માં ભોપાલમાં યોજાનાર પરિષદના અધિવેશનમાં કાર્યભાર સંભાળશે. પ્રમુખ સહિતનું આ માળખું વર્ષ 2024થી 2026 એમ ત્રણ વર્ષ સુધી પરિષદનો વહિવટ સંભાળશે.
દાન વાઘેલા અને રાઘવજી માધડનો પરિચય
કવિ દાન વાઘેલા તેમની કવિતાઓને લઈને બહુજન સમાજમાં ભારે લોકપ્રિય છે. ભાવનગરના નાનકડા ગામના આ કવિએ તેમની કલમ થકી ભારે લોકચાહના મેળવેલી છે. તેમના અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. સુપ્રસિદ્ધ સંત સવૈયાનાથ ફિલ્મના ગીતો પણ કવિએ લખ્યાં હતાં.
અમરેલીના વતની રાઘવજી માધડ પ્રસિદ્ધ લેખક-વાર્તાકાર છે. તેમની સંદેશ દૈનિકમાં આવતી 'ચંદરવો' કોલમ ભારે લોકપ્રિય છે અને વર્ષોથી ગુજરાતના મુખ્યધારાના દૈનિકોમાં નિયમિત રીતે પ્રસિદ્ધ થતી રહી છે. લેખક પોતે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યાં છે અને સાહિત્ય અને શિક્ષણ જગતના વહિવટનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની અનેક નવલિકાઓ વિવિધ દૈનિકો, પૂર્તિઓ અને મેગેઝિનોમાં પ્રસિદ્ધ થતી રહે છે. તેમના અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે જેને વાચકોનો ભારે પ્રેમ મળ્યો છે.
કેવી રીતે થાય છે ચૂંટણી?
ગુજરાતની સૌથી મોટી સાહિત્યિક સંસ્થાઓ પૈકીની એક ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં પ્રમુખ અને મધ્યસ્થ સમિતિના 40 સભ્યોની પરિષદના કાયમી સભ્યો દ્વારા ચૂંટણી થતી હોય છે. પરિષદના 4500 જેટલા કાયમી સભ્યો તેના માટે પોસ્ટ કે કુરિયરથી મતદાન કરતા હોય છે. પ્રમુખ બાદ પરિષદની મધ્યસ્થ સમિતિ સત્તાનું સૌથી મહત્વનું કેન્દ્ર હોય છે. 40 સભ્યોની આ સમિતિમાં કવિ દાન વાઘેલા અને રાઘવજી માધડ એમ બે જ સભ્યો બહુજન સમાજમાંથી આવે છે. બાકીના 38 સભ્યો મોટાભાગે કથિત સવર્ણ જાતિના બ્રાહ્મણ, જૈન અને અન્ય સમાજના ચૂંટાયા છે. પરિષદના કાયમી સભ્યોમાં કથિત સવર્ણ જાતિના સભ્યો બહુમતિ છે, એવામાં દાન વાઘેલા અને રાઘવજી માધડના ચૂંટાવાનું મહત્વ અનેકગણું વધી જાય છે.
સાહિત્ય પરિષદનો જાતિવાદી ચહેરો
ગુજરાત સહિત દેશની અન્ય સાહિત્યિક સંસ્થાઓની જેમ ગુજરાતી સાહિત્ય પરિષદ પણ તેના જાતિવાદી ચહેરાને કારણે કુખ્યાત છે. તેનો અંદાજ એ બાબત પરથી પણ લગાવી શકાય છે કે વર્ષ 1905માં રણજીતરામ મહેતાએ તેની સ્થાપના કરી ત્યારે ગોવર્ધનરામ ત્રિપાઠી તેના પહેલા પ્રમુખ બન્યા હતા. ત્યારથી લઈને આજદિન સુધીમાં કોઈ દલિત કે આદિવાસી સમાજનો લેખક કે કવિ સાહિત્ય પરિષદનો પ્રમુખ બની શક્યો નથી. હાલ ચૂંટાયેલા પ્રમુખ હર્ષદ ત્રિવેદી પણ બ્રાહ્મણ છે અને ગોવર્ધનરામ પણ બ્રાહ્મણ હતા. ત્રિપાઠી પ્રમુખથી શરૂ થયેલી પરિષદની સફર આજે 118 વર્ષ પછી પણ ત્રિવેદીએ જ અટકેલી છે. સો વરસ કરતા પણ જૂની આ સંસ્થાને આજ સુધીમાં સમખાવા પુરતો પણ એક દલિત-આદિવાસી ચહેરો નથી મળ્યો જે તેનું પ્રમુખપદું શોભાવી શકે. પરિષદનો મોટાભાગનો સ્ટાફ કથિત સવર્ણ જાતિમાંથી આવે છે. તેની લાઈબ્રેરીથી લઈને તમામ નાનામોટા પદો પર ચોક્કસ જાતિના લોકોએ વર્ષોથી કબજો જમાવીને રાખ્યો છે. એવામાં દાન વાઘેલા અને રાઘવજી માધડનું આ સંસ્થાની મધ્યસ્થ સમિતિમાં ચૂંટાવું એ દુર્લભ ઘટના બની જાય છે.
આ પણ વાંચોઃ રાજુ સોલંકી લિખિત ‘માનવ અધિકારના મશાલચી: વીર મેઘમાયા’ પુસ્તકનું વિમોચન થયું