અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી

અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારના 37 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મથી કંટાળીને ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી
image credit - Google images

કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા બની ગઈ.

તા. 3 નવેમ્બર 2024ને રવિવારના રોજ અમરાઈવાડીના સુખરામનગરમાં આવેલા પ્રબુદ્ધ બુદ્ધ વિહાર ખાતે અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 37 લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.

મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.

આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં અમદાવાદ જિલ્લાના કુલ 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક ‘ધમ્મપદ’ હતું?

ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો: કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.