હું સારી કામગીરી કરું છું છતાં બદલી, આવો અન્યાય? સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખેડાની આરોગ્યકર્મી યુવતીએ કરી આત્મહત્યા
સૂકાં ભેગું લીલું પણ બળે એ વાત આ ખેડાના પલ્લવીબેનની કહાનીમાં લાગુ પડે છે. કશાય વાંક ગુના વિના તેમની બદલી થઈ અને તેમણે જીવ ગુમાવીને તેની કિંમત ચૂકવવી પડી.
અમદાવાદના બારેજામાં રહેતી અને ખેડાના નવાગામ આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી પલ્લવી મેકવાન નામની યુવતીએ રવિવારે રાત્રે અગમ્ય કારણોસર ઘરના બીજા માળે થી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં તેની બદલી નવાગામથી 87 કિમી દૂર ગળતેશ્વરના વાઘરોલી આરોગ્ય કેન્દ્ર ખાતે કરી દેવામાં આવી હતી. જેને લઇ તે ડિપ્રેશનમાં હોવાથી આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
પલ્લવીબેન ખેડા તાલુકાના નવાગામ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. તેમના પતિ શિક્ષક છે અને સંતાનમાં બે બાળકો છે. તેમની નજીકના લોકોમાં ચર્ચા છે કે સપ્તાહ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા 11 કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. જેમાં પલ્લવીની પણ બદલી કરવામાં આવી હતી, જેને લઇ તેણી ડિપ્રેશનમાં હતી.આ જ કારણે તેણીએ આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત છેકે ખેડાના સોડપુર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો. જેની તપાસ બાદ કાર્યવાહીના ભાગરૂપે 11 કર્મચારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી હતી. જો કે, વિડીયો વાયરલ થયો હતો તેની સાથે પલ્લવીને કોઈ નિસ્બત નહોતી, તેમ છતાં તેમની બદલી કરી દેવામાં આવતા તે તાણમાં આવી ગયા હતા.
આરોગ્યકર્મી તરીકે પલ્લવીબેનની કામગીરી સરસ હતી
આરોગ્ય વિભાગમાં પલ્લવીની કામગીરી ખૂબ જ સરસ હતી. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દર્દીઓ અને વૃદ્વો તેમને આશિર્વાદ આપતા હોય તેવા ફોટાં પણ મૂકેલાં છે. જો કે તાજેતરમાં જિલ્લા આરોગ્ય વિભાગે વહીવટી કારણોસર તેઓની બદલી નવાગામ ખાતેથી ગળતેશ્વર તાલુકાના વાઘરોલી ગામમાં કરી હતી. આ બાબતે પલ્લવીબેને પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો અને “હું કામગીરી સારી કરું છું છતાં બદલી, આવો અન્યાય?” તેવી પોસ્ટ મૂકી હતી. જેથી બદલી બાબતે તણાવમાં હોવાની શંકાએ જોર પકડ્યું છે.
બદલી રોકવા અનેક પ્રયત્નો કર્યા હતા
પલ્લવીબેને પોતાની બદલી રોકવા માટે બનતા તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા નહોતી મળી. બદલી રોકવા માટે તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક રાજકીય વ્યક્તિઓને પણ વિનંતી કરી હતી. જો કે કોઈ તેમની મદદે આવ્યું નહોતું. આખરે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. એ પછી સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપીને સિસ્ટમ પર ગુસ્સો ઠાલવ્યો હતો.
સમગ્ર મામલે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે એ જણાવ્યું હતુ કે સોડપુર આરોગ્ય કેન્દ્રના વાયરલ વિડીયોની તપાસ બાદ 11 આરોગ્ય કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી. જેમાં સોડપુર સહિત અન્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આપઘાત અંગે અમે કશું જાણતા નથી.
આ પણ વાંચો : દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.