દલિત કિશોરના શરીરે બટકા ભરી માંસના લોચાં ખેંચી ચાવી ગયો
હૈવાનિયતની હદ વટાવતી એક ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર 15 વર્ષના દલિત કિશોરના શરીરે અસંખ્ય બટકાં ભરી, માંસના લોચાં તોડીને ચાવી ગયો હતો.
બોલીવૂડ અને હોલીવૂડની અનેક ફિલ્મોમાં આપણે મનોરોગી વિલનો જોયા છે. ખાસ કરીને મહેશ ભટ્ટની ફિલ્મોમાં ગે, બાયોસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર કે વિચિત્ર પ્રકારની માનસિક બિમારીથી પિડાતી વ્યક્તિ જ્યારે બર્બરતા પર ઉતરી આવે ત્યારે સામેની વ્યક્તિ પર જે ભયંકર ત્રાસ ગુજારે તેની કલ્પના કરતા પણ થથરી જવાય છે. તો વિચારો જેમની સાથે ખરેખર આવું કંઈક થયું હોય તો તેની શું દશા થાય?
આપણી વિચારશક્તિ બહેર મારી જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના દલિત કિશોરને એક ટ્રક ડ્રાઈવર પોતાની સાથે લઈ ગયો હતો અને 20 દિવસ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. વાત આટલેથી અટકતી નથી. વિચિત્ર પ્રકારની માનસિક બિમારીથી પિડાતા એ ટ્રક ડ્રાઈવરે દલિત કિશોરના આખા શરીર પર બટકાં ભરીને માંસના લોચાં તોડી લીધાં હતા અને તેની નજર સામે જ ચાવી જતો હતો. 20 દિવસ સુધી આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો.
મામલો હિમાચલ પ્રદેશના હરોલી વિસ્તારનો છે. અહીં 15 વર્ષના એક દલિત કિશોર સાથે તેની બાજુના ગામમાં રહેતા એક મનોરોગી ટ્રક ડ્રાઈવરે રાક્ષસો જેવું વર્તન કર્યું હતું. ટ્રક ડ્રાઈવર કિશોરના શરીરમાંથી માંસના લોચાં તોડીને ચાવી ગયો હતો અને તેનું જાતીય શોષણ પણ કર્યું હતું.
ઘટનાની જાણકારી મળતા જ ચોતરફ હાહાકાર મચી ગયો હતો. હોબાળો થતા ભીમ આર્મી હિમાચલ પ્રદેશની ટીમ એક્ટિવ થઈ હતી અને સમગ્ર મામલે મનોરોગી ટ્રક ડ્રાઈવર પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ સાથે જ ભીમ આર્મીના અધ્યક્ષ રવિકુમાર અને તેમના સાથીદારોએ પીડિત કિશોર અને તેના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી યોગ્ય કાર્યવાહી કરાવવાની ખાતરી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરને અટકાયતમાં લઈને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પીડિત કિશોરના પરિવારજનો દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, બાજુના ગામમાં રહેતો એક ટ્રક ડ્રાઈવર(આટલી ગંભીર ઘટનામાં પણ સવર્ણ મીડિયાએ આરોપીનું નામ છુપાવ્યું છે, એટલે તે કઈ જાતિનો હશે તે સમજી શકાય છે. આ પ્રકારના રિપોર્ટ ભાગ્યે જ મુખ્યધારાના મીડિયામાં પ્રકાશિત થતા હોવાથી ખબરઅંતર.કોમને પણ આરોપીનું નામ કે અટક મળી શક્યા નથી.) તેમના 15 વર્ષના દીકરાને ફરવા લઈ જવાના બહાને પોતાની સાથે ટ્રકમાં લઈ ગયો હતો.
આ પણ વાંચોઃ ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધીને ઢોર માર માર્યો
ગત રવિવારે જ્યારે કિશોર પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેણે જે ખુલાસા કર્યા તે સાંભળીને તેનો પરિવાર હતપ્રભ થઈ ગયો. પીડિત કિશોરે જણાવ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવરે તેનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું. એટલું જ નહીં તેણે કિશોરના શરીર પર અનેક જગ્યાએ બટકાં ભરી લીધાં હતા અને તેની નજર સામે જ માંસ ચાવીને ખાઈ જતો હતો.
આરોપી ટ્રક ડ્રાઈવરે દલિત કિશોરને 20 દિવસ સુધી પોતાની સાથે બંધક બનાવીને રાખ્યો હતો. એ દરમિયાન તે કિશોરને પોતાની સાથે ફેરવતો રહ્યો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો રહ્યો. આરોપી તેને હિમાચલ પ્રદેશની બહાર સુધી લઈ ગયો હતો અને દરરોજ ઈચ્છા થાય ત્યારે તેનું શોષણ કરતો રહ્યો. હતપ્રભ થઈ ગયેલો કિશોર પરિવારજનોથી દૂર હોવાથી કશું બોલી શક્યો નહોતો.
દલિત કિશોરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર મામલે આરોપી ટ્રક ડ્રાઈવર પર કડક કાર્યવાહીની માંગણી કરી છે. જિલ્લા પોલીસ વડા રાકેશ સિંહે આ મામલે જણાવ્યું હતું કે, પીડિત કિશોરના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. દલિત કિશોરનું મેડિકલ ચેક અપ પણ કરાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને વહેલી તકે સજા થાય તેવા પગલાં ભરાશે.
આ પણ વાંચોઃ ડીસાના રામપુર ગામમાં દલિત બાળકે દુકાનના માટલામાંથી પાણી પીધું તો માર્યો
આ મામલે ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ રવિ કુમાર દલિતે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં આવી બર્બરતાપૂર્ણ ઘટના ઘટે તે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે, સરકાર અને નાયબ મુખ્યમંત્રી આ ઘટના પર ધ્યાન આપે અને આરોપી ટ્રક ડ્રાઈવર પર કડકમાં કડક કાર્યવાહી કરે.
તેમણે કહ્યું કે, પોલીસ આ મામલામાં એસસી-એસટી એક્ટ સહિતની કલમોને સામેલ કરે અને તરત કાર્યવાહી કરે. અમારી ટીમ ઉનાના એસપી સાથે મુલાકાત કરશે અને તેમને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરશે.
રવિકુમારે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલામાં જો પોલીસ અને સરકાર કોઈપણ પ્રકારની ચાલાકી કરશે કે આરોપીને બચાવવાનો પ્રયત્ન કરશે તો ભીમ આર્મી ઉનાના રસ્તા પર ઉતરશે અને સરકાર, તંત્ર અને પોલીસ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરશે. આ ઘટનાએ સમગ્ર હિમાચલ પ્રદેશમાં સનસની ફેલાવી દીધી છે.
આગળ વાંચોઃ ડીઝલ ચોરીની શંકાએ દલિત યુવકને બેભાન થયો ત્યાં સુધી ફટકાર્યો, પાણી છાંટી ભાનમાં લાવીને ફરી માર્યો