ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો
ડીસા તાલુકાના રામપુર ગામે પાંચ વર્ષના વાલ્મિકી બાળકે ઠાકોર સમાજની દુકાનેથી પાણી પીધું તો તેને સોટીથી ફટકારી જાતિસૂચક ગાળો આપી અપમાનિત કર્યો હતો.
ડીસા તાલુકાના રામપુરા ગામે એક અનુસૂચિત જાતિના બાળકે ગામમાં આવેલી દુકાન બહાર મૂકેલા માટલામાંથી પાણી પીતા ઉશ્કેરાયેલા શખ્સે તેને જાતિ આધારિત શબ્દો કહીને અપમાનિત કર્યા બાદ સોટીથી ફટકાર્યો હતો. 5 વર્ષના નિર્દોષ બાળકને આભડછેટના એરુએ એવો તો ડંખ માર્યો કે બિચારાને ગામની દુકાને બધાંની વચ્ચે માર ખાવો પડ્યો.
આ મામલે બાદમાં તેના પરિવારજનો દુકાનદારને ઠપકો આપવા જતા તેમની ઉપર પણ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો. હવે સમગ્ર ઘટના મામલે ત્રણ શખ્સો સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલ્મિકી સમાજનું બાળક
ડીસાના રામપુરા ગામે ફૂલાભાઈ પથુભાઈ વાલ્મિકીનો પાંચ વર્ષનો પુત્ર કુરશી મંગળવારે સવારે ગામના વડના ઝાડ નીચે આવતી ગાડીએ ખીચડી-કઢી ખાવા માટે ગયો હતો. તેણે ઘણી રાહ જોઈ પણ ગાડી આવી નહોતી. એ દરમિયાન તેને તરસ લાગતા તે નજીકમાં આવેલા ગામના બળવંતજી માધાજી ઠાકોરના ગલ્લે ગયો હતો અને ત્યાં મૂકેલા માટલામાંથી પાણી પીધું હતું. એ જોઈને બળવંતજી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પાંચ વર્ષના નિર્દોષ કુરશીને જાતિસૂચક ગાળો ભાંડીને બધાંની વચ્ચે અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં તેને સોટીથી માર માર્યો હતો. કુરશી રડતા રડતા ઘરે ગયો હતો અને સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી હતી.
આ પણ વાંચો: જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું
આથી તેના પિતા ફૂલાભાઈ સહિતના પરિવારના લોકો બળવંતજીને ઠપકો આપવા માટે તેની દુકાને ગયા હતા. પણ બળવંતજી લાજવાને બદલે ગાજ્યા હતા અને તેમના બે પુત્રો ભરતજી અને દેવચંદજી ઠાકોરે વાલ્મિકી સમાજના ફૂલાભાઈ સહિતના પરિવારજનો પર હુમલો કરી જાતિસૂચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફૂલાભાઈ વાલ્મિકીએ બળવંતજી, ભરતજી અને દેવચંદજી ઠાકોર વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.
SSDના કાર્યકરોએ પીડિત પરિવારની મુલાકાત લીધી
જાતિવાદના આ બનાવની જાણ સ્વયં સૈનિક દળના કાર્યકરોને થતા તેઓ તરત પીડિત ફૂલાભાઈના પરિવારની મદદે દોડી ગયા હતા અને સમગ્ર મામલે જરૂરી તમામ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાતિવાદના જેટલા પણ બનાવો બને છે
આ પણ વાંચો: તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...
તેમાંના મોટાભાગના કેસોમાં આરોપીઓ ઓબીસી ઠાકોર સમાજના હોય છે. અંધશ્રદ્ધા અને દારૂના વ્યસન વચ્ચેથી બહાર નીકળવાને બદલે સવાયા સવર્ણ બનીને ફરતા ઠાકોર સમાજને તેમના બંધારણીય હકો પર પડી રહેલી તરાપ વિશે કશો ખ્યાલ નથી. હાલ ગુજરાતમાં સામાજિક જાગૃતિની સૌથી વધુ જરૂર ઓબીસી ઠાકોર સમાજમાં જણાય છે તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.
આ પણ વાંચો: જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો