જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું
આજે ઐતિહાસિક મહાડ જળસત્યાગ્રહ દિન છે. 20 માર્ચ 1927ના રોજ ડૉ. આંબેડકરે ચવદાર તળાવના પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હતો.

-વિરાગ સુતરિયા
19-20 માર્ચ 1927 મહાડ, મહારાષ્ટ્ર. આ દિવસોમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં કાયમી સ્થાન પામે એવી ‘ચવદાર’ તળાવ સત્યાગ્રહની ઘટના બની. વિશ્વ ઇતિહાસના તમામ સત્યાગ્રહોમાં આ સત્યાગ્રહ અનોખો એટલા માટે કેમ કે, વિશ્વમાં કોઈ જગ્યાએ ક્યારેય પણ જીવતા - જાગતા માનવીઓએ એક તળાવના પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હોય એવી ઘટના માત્ર અને માત્ર આપણા દેશમાં બની. કૂતરાં-બીલાડાં જેવાં પ્રાણીઓ તળાવનું પાણી પી શકે, પણ ભારતમાં જન્મેલા હજારો વર્ષોથી અસ્પૃશ્યતાની અમાનવીય પરંપરામાં સબડતા દલિતો જો એ પાણીને સ્પર્શે તો સ્પર્શ માત્રથી પાણી અભડાઇ જાય!
કોલાબા જિલ્લાના મહાડમાં દલિતોને પાણી પીવાની કોઇ વ્યવસ્થા નહોતી, આ વાત બાબાસાહેબના ધ્યાન પર હતી, એ વિષયની ફરિયાદો ઘણીવાર એમના સાંભળવામાં આવી હતી. એટલે ‘ચવદાર’ તળાવમાંથી દલિતો પાણી ‘પી’ શકે એટલા માટે સંવાદ કરવાનું અને જો એનાથી સફળતા ના મળે તો સત્યાગ્રહ કરીને પણ અધિકાર મેળવવાનું બાબાસાહેબ અને એમના સાથીઓએ નક્કી કર્યું હતું.
1927ની 19-20 માર્ચે ‘બહિષ્કૃત પરિષદ’નું બે દિવસીય સંમેલન મહાડમાં બોલાવવાનું નક્કી થયું. બાબાસાહેબ, સુરબા ટીપણીસ, સૂબેદાર સવાદકર અને અનંતરાવ ચિત્રે સંમેલન માટે તૈયાર થયા. કાર્યકર્તાઓએ સંમેલનની સફળતા માટે રાતદિવસ મહેનત કરી, પત્રિકાઓ વહેંચી, ગામેગામ ફરીને બે મહિના સુધી પ્રચાર કર્યો. જેના પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સેંકડો ગામોમાંથી હજારોની સંખ્યામાં ગરીબ દલિતો પગપાળા, તો કેટલાક ગાડાંમાં બેસીને સંમેલનનાં સ્થળે પહોંચ્યા હતા. સ્ત્રીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઈ પોતાના ‘માનવ’ હોવાનો અધિકાર મેળવવા ‘મહાડ’ પહોંચ્યા હતા. કેટલાક સાથે રોટલો- ચટણી તો કેટલાક સીધું લાવેલા. આવેલા તમામ ઉત્સાહથી છલકાતા હતા. સૌને લાગતું હતું કે સદીઓથી જે અવ્યવસ્થા, અત્યાચાર, દમન, શોષણનો ભોગ બન્યા છીએ એ હવે તૂટશે. સદીઓથી અમાનુષી અત્યાચારનો ભોગ બનેલ ચીંથરેહાલ દલિતોની આંખોમાં નવા પ્રભાતના સોનેરી કિરણની આશા હતી, એનો ઉલ્લાસ હતો. જ્યારે ઘણીવાર મનમાં રૂઢિવાદીઓ આખો કાર્યક્રમ છીન્નભિન્ન કરી દેશે એવો ડર પણ હતો.
આ પણ વાંચો : મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ
મહાડમાં ત્યાંના ગ્રામદેવતા ‘વિરેશ્વર’નું મંદિર હતું. એના નામે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતના કહેવાતા મુખ્ય રાજકીય પક્ષોના મંડપ જેવો મંડપ તો ક્યાંથી હોય? આ મંડપતો જાતે વાંસડા રોપી, ઉપર ઘાસ-પરાળ નાખીને બનાવેલો હતો. મહાડના ગ્રામજનો આ સંમેલન સફળ બને એવું ઇચ્છતા નહોતા. સંમેલનના સ્થળે પાણીની પણ તકલીફ હતી. આયોજકોએ ‘ચાલીસ રૂપિયા’ ભરીને સરકાર પાસેથી સંમેલન માટે પાણી મેળવ્યું હતું.
19 માર્ચે બપોરે બાબાસાહેબ સંમેલન સ્થળે આવ્યા. સંમેલનમાં કેટલાક બિનદલિત આગેવાનો પણ હતા કે જેઓ માનતા કે અસ્પૃશ્યતા કલંક છે અને એ ભૂંસાવું જોઇએ. બાબાસાહેબે લગભગ બે કલાક સુધી સૌ સમક્ષ શિક્ષણ, કુરિવાજોમાંથી મુક્તિ, આત્મસન્માન, સ્વાવલંબન, ખેતી વગેરે જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો મૂક્યા. સંમેલનમાં હાજર બિનદલિતોએ પણ પોતાની વાત કરી. સંમેલનમાં બપોર પછી કાર્યકારીણી સમિતીની બેઠકે મંજૂર કરેલા 10 ઠરાવોનું વાચન કરી તેના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા.
બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરવા માટે નગરપાલિકાના ગેસ્ટહાઉસમાં બેઠક બોલાવવામાં આવી. સરકારે કરેલા નિર્ણયના અનુસંધાને મહાડ નગરપાલિકા દ્વારા પણ ‘સાર્વજનિક સ્થળો’ અસ્પૃશ્યો પણ ઉપયોગમાં લઇ શકશે એવો ઠરાવ કર્યો હતો. પરંતુ, રૂઢિચુસ્તોના દબાણને લીધે એ ઠરાવ અમલમાં આવી શકતો નહોતો. આ બેઠકમાં બીજા દિવસે એટલે કે, 20 માર્ચના રોજ સામૂહિક રીતે તળાવ પર જઇને પાણી મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 20 માર્ચે સંમેલન ભરાયું ત્યારે અનંતરાવ ચિત્રે એ ઘોષણા કરી કે, આપણે સૌ મહાડ નગરપાલિકાએ કરેલા ઠરાવના અમલીકરણ માટે ‘ચવદાર’ તળાવે જઇશું. બાબાસાહેબે સૌને વાકેફ કર્યા કે, આપણો વિરોધી વર્ગ આપણને ઉશ્કેરવા કેટલીય રીત-રસમો અજમાવશે. આપણે કોઇને અન્યાય કરવા નહીં પણ ન્યાય મેળવવા જઇએ છીએ. વિરોધીઓની ચાલમાં ફસાઇને ધાંધલ-ધમાલ અને અશાંતિ સર્જાશે તો આપણા હાથમાંથી બાજી સરી પડશે. વિરોધીઓને સફળતા મળશે. આપણે ‘મારીશું નહીં અને માનીશું નહીં.’
સંમેલનમાં ભેગા થયેલા સૌ દલિતો સત્યાગ્રહ માટે તૈયાર થયા. આ જાહેરાતો જોઇને સંમેલનમાં જોડાયેલા બિનદલિત નેતાઓ ગભરાયા. હિંદુ ધર્મનું પાપ ધોઈ નાખવાની વાતો કરતા એ સૌ, ’હજુ પરીક્ષા લેવાનો સમય આવ્યો નથી, લોકમત કેળવાયો નથી, આપણે ઉતાવળીયા પગલાથી દૂર રહેવું જોઇએ, ઉતાવળીયું પગલું ના ભરવું જોઇએ’ વગેરે વાતો કરીને મંડપના પાછલે દરવાજેથી વિદાય થયા.
આ પણ વાંચો : મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
બાબાસાહેબના નેતૃત્વમાં 4000 જેટલાં બાળકો, સ્ત્રીઓ, જવાનો અને વૃદ્ધો ચાર-ચારની હરોળમાં ચવદાર તરફ જવા નીકળ્યા. મહારો વર્ષો સુધી લશ્કરમાં રહેલા, યુદ્ધો લડેલા હતા. એમણે કદમતાલ કરતા હોય એ રીતે કૂચ કરી, જેમને કદમતાલ નહોતું આવડતું એ પણ એમને અનુસર્યા. અને સૌ જે તળાવમાં અન્ય ધર્મીઓ પાણી પી શકે અને કૂતરાં બિલાડાં પણ પાણી પી શકે એ તળાવમાંથી માત્ર અસ્પૃશ્યો પાણીને અડી પણ જાય તો પાણી અભડાઇ જાય એ રૂઢિ, અત્યાચાર, શોષણ તોડવા આગળ વધ્યા. આખરે બાબસાહેબે તળાવમાંથી પાણીની અંજલી ભરી. અને સદીઓની પરંપરા તોડી. સૌ દલિતોને સદીઓની જંજીરો તૂટવાનો હર્ષ થયો. હર્ષના, વિજયના ઘોષ થયા. જે તળાવ બાજુ જવાની સદીઓથી હિંમત નહોતી થતી એ તળાવમાંથી સૌએ ખોબેખોબા ભરીને પાણી પીધું. પાણીની મીઠાશ કરતાં એક કુચક્રના અંતનો, બેડી તોડવાનો, અન્યાય સામે માથું ઊંચકવાનો, ન્યાય માટે લડીને વિજય મેળવવાનો આનંદ વધુ હતો.
શાંતિપૂર્ણ ચાલતા આ સત્યાગ્રહથી અને તેની સાથે કટ્ટરપંથીઓના એકાધિકારનો અંત આવશે અને એમને પોતાનું આસન ડોલતું લાગતાં પૂજારીએ ગામમાં દાંડી પીટાવી કે અસ્પૃશ્યો મંદિરમાં પ્રવેશવાના છે, આવી જાહેરાતથી કટ્ટરપંથીઓ, અસ્પૃશ્યો મંદિરને અભડાવે નહીં એટલા માટે લાકડીઓ - દંડાઓ લઇને મંદિરમાં જમા થઇ ગયા. ડો. આંબેડકર અને સ્થાનિક ફોજદારની સમજાવટની કોઇ અસર ના થઇ. ધાર્મિક ટોળાએ ‘બહિષ્કૃત પરિષદ’ ના ભોજન સ્થળ પર હુમલો કર્યો. અને ભોજન માટેના સામાનનો નાશ કર્યો. એકઠા થયેલા દલિતો પર હુમલાઓ કર્યા જેનાથી અસંખ્ય દલિતો ઘાયલ થયા. ખુદ ડો. આંબેડકરે પોતાના જીવની સલામતી માટે આખી રાત પોલીસ મથકે ગાળી. અને આ બધું મેજીસ્ટ્રેટની હાજરીમાં થયું કારણ કે તેણે કોઇ પગલાં ન લીધાં.
21 માર્ચ 1927 એટલે કે સત્યાગ્રહના બીજા દિવસે મહાડના સનાતનીઓએ તળાવના પાણીમાં પંચગવ્ય મેળવીને વૈદિક મંત્રોચ્ચારથી શુદ્ધ કર્યું કારણ કે દલિતોએ તળાવ અભડાવેલું!
આ સત્યાગ્રહ અલગ એ રીતે છે કે એમાં સદીઓથી કચડાયેલા લોકોએ સંગઠિત બની માત્ર પાણી લેવાનો જ નહીં પણ પોતાના માનવીય અધિકારો માટે લડવાનો સામૂહિક ‘હુંકાર’ કરેલો. અને એના પછી જ ભારતમાં અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથા સામે સંઘર્ષની ચેતના વધુ પ્રબળ બની.
આજે ‘ચવદાર’ તળાવ સત્યાગ્રહના 90 કરતાં પણ વધુ વર્ષો બાદ પણ અસ્પૃશ્યતાની બદીમાંથી સમાજ સંપૂર્ણ મુકત નથી બન્યો એ બાબત પોતાની જાતને માણસ તરીકે ઓળખાવતા દરેક માટે શરમજનક છે.
આ પણ વાંચો : અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.