મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ

મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ

 - સાહિલ પરમાર

એલ.ટી.સી.ક્યારેય ભોગવ્યું ન હતું. નિવૃત્ત થતાં પહેલાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારત જોઈ લેવાં એવો વિચાર તો હતો જ ને દિનેશ પટેલે કહ્યું, 'જી.એમ., દક્ષિણ ભારત આવવું છે, સજોડે? વિક્રમભાઈ પટેલની GSRTCની માન્ય બસ છે, આવવું હોય તો.' 

ત્રણે દીકરીઓ તો ભણતી હતી. એમણે ના પાડી. એટલે અમે બંનેએ 15મી મેના રોજ ઉપડતી બસમાં બે ટિકિટો બુક કરાવી લીધી. બસ ઉપડી. બસમાં બીજા કોઈ ઓળખીતા ન હતા - દિનેશભાઇ અને ભગવતીબેન સિવાય. દિનેશભાઈએ એમની હરોળમાં જ ટુ બાય ટુ સીટ પર બેઠેલાં એક યુગલની ઓળખાણ કરાવીઃ 'આ અમારા પડોશી હરીશભાઈ ભાવસાર અને આ નિર્મળાબેન, એમનાં પત્ની. અમે છેલ્લાં ચોવીસ વર્ષથી પડોશમાં રહીએ છીએ' કહેતાં દિનેશભાઈ ભાવવિભોર થઇ ગયા. બસમાં એક યુવાન છોકરી હતી, જે સારી ગાયિકા હતી. એ બસમાં રોજ ગરબા ગાતી. બીજી બહેનો એની ગાયેલી પંક્તિઓ ઝીલી લેતી. ત્રણ દિવસ થયાં ને બીજી બહેનોએ પેલી યુવતીને ફરમાઈશ કરીઃ 'સ્મિતાબહેન, આનંદનો ગરબો ગાવ ને?' મને થયું આ ‘આનંદનો ગરબો’ શું છે? ચોપન વર્ષમાં કદી આનંદના ગરબાનું નામ પણ નથી સાંભળ્યું મેં તો. બહેને આનંદનો ગરબો ઉપાડ્યો ને બધાં એકી ટહે એને ઝીલતાં. દરેક પંક્તિના અંતે મા શબ્દ આવતો. ઢાળ પણ ઉલાળનો. મને થયું કે હું કોઇ બીજા જ ગુજરાતમાં રહું છું'. ગરબા તો ઘણાં સાંભળેલા અને કિશોરાવસ્થામાં ગાયેલા પણ ખરા, પણ આનંદના ગરબાનું નામ પ્રથમ વાર સાંભળ્યું અને ગવાતો પણ પ્રથમ વાર સાંભળ્યો. એનું એકધારાપણું સતત કાનને ખૂંચતું હતું. તદ્દન કંટાળાજનક ગરબો. પછીથી ઘેર આવીને ખણખોદ કરી તો ખબર પડી કે ભક્ત વલ્લભ ધોળાએ એના માતાજીની કૃપા એના પર ઊતરતાં આ ગરબો લખ્યો હતો. ચેન્નઇથી બસ તિરુપતિ બાલાજી જવા એક હોટલ આગળ ઊભી રહી ગઈ. હોટલમાં રાત્રિરોકાણ કરી સવારે ત્યાંથી જીપમાં તિરુપતિ બાલાજી જવાનું હતું. બસમાં એક મહેન્દ્રભાઈ પટેલ અને એમનાં પત્ની પણ હતાં. અમે જોયું તો દિનેશભાઈ પટેલ અને ભગવતીબેનની બાજુમાં જીપના આગળના ભાગે મહેન્દ્રભાઈ પટેલ તેમનાં પત્ની સાથે બેઠા હતા. હું દિનેશભાઇ પટેલ સાથે પોરબંદર બદલી થઈ ત્યારે 23 મહિના એક રૂમમાં રહેલો એટલે મને તો દિનેશભાઈ જીપના આગળના ભાગે અમારી જગા રાખે એવી અપેક્ષા પણ ન હતી. હું ને હીરા બન્ને જીપના પાછળના ભાગે ગોઠવાયાં. ત્યાં તો હરીશભાઇ ભાવસાર અને નિર્મળાબેન આવ્યાં. એમણે દિનેશભાઇને કહ્યુઃ 'અમને આગળ બેસાડો. 'દિનેશભાઇએ એમને પાછળ બેસવા કહ્યું. નિર્મળાબેન ભાવસારે કહ્યું: 'પાછળ તો અમે નહીં બેસીએ. તમે અમારી જગા ના રાખીને? તો હવે અમે બીજી જીપમાં જઇશું.' એમનો ચહેરો રડું રડું થઇ ગયો હતો. એ બંને પતિ-પત્ની બીજી જીપમાં આગળની સીટ પર ગોઠવાયાં. તિરુપતિ બાલાજી તરફ જીપો ઉપડી. આખો દિવસ ત્યાં પસાર થયો. સાંજે પાછા આવ્યા પછી હું અને હીરા જમી રહ્યાં હતાં ત્યાં હરીશભાઇ ભાવસાર અને નિર્મળાબેન આવ્યાં.

જમતાં જમતાં અમારી બાજુમાં ઊભા રહ્યાં. નિર્મળાબેન ભાવસારે હીરા સાથે વાત કરતાં કહ્યું: 'દિનેશભાઈ સાથે અમે ચોવીસ વર્ષથી પડોશી તરીકે રહીએ છીએ. પણ એમણે અમારું જરાય ના રાખ્યું. આઠ દિવસના સંબંધવાળા મહેન્દ્ર માટે આગળ જગા રાખી, અમારા માટે ના રાખી. મહેન્દ્ર એમનો પટેલ હતો ને એટલે. પડોશી કરતાં ય સવાયો પટેલ થઈ ગયો." બોલતાં બોલતાં નિર્મળાબેનની આંખો ભરાઇ આવી. "હવે અમારા સંબંધો કાયમ માટે પૂરા.

"બીજા દિવસે બસમાં અમે જોયું કે હરીશ ભાવસાર અને નિર્મળાબેન દિનેશભાઈની બાજુમાં બેસતાં તે સીટ પર બીજું કોઇ યુગલ બેઠું હતું. હરીશભાઈ અને નિર્મળાબેન દિનેશભાઈથી દૂરની સીટ પર બેઠાં હતાં. બસ જ્યાં ઊભી રહેતી ત્યાં તક મળ્યે હું ભાવસાર દંપતિના ચહેરા ધ્યાનથી જોતો. મને લાગ્યું કે એમનાં મન મુરઝાઈ ગયેલી વેલ જેવાં થઇ ગયા હતા. જાણે વેલ પર હિમ પડ્યું હોય કે કોઈ મોટો આઘાત લાગ્યો હોય. બે વર્ષ પછી હરીશ ભાવસાર જૂના સચિવાલયમાં ચાની કીટલીએ મળી ગયા. મેં એમને પૂછ્યુઃ “શું ચાલે છે હરીશભાઇ?” તેમણે હરખાતાં હરખાતાં કહ્યું, "અમે તો બે વર્ષથી પેલા બદમાશ સાથે બોલતાં જ નથી. બધો જ સંબંધ કાપી નાખ્યો એની સાથેનો " 

મેં કહ્યુઃ “તમને આભડછેટનો એ અનુભવ કેટલો કઠ્યો? તમારા સવર્ણોમાં આ સ્થિતિ છે, તો અમારી હાલતની તો તમે કલ્પના પણ ન કરી શકો. મનુ કાર્યરત છે આજે પણ. આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે ત્યાં વિદેશોમાં પણ."

આ પણ વાંચો : ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.