આપણો પોતાનો મહિસાસુર
પત્રકાર ગૌરી લંકેશે અસુરરાજ મહિષાસુર પર અંગ્રેજીમાં લખેલો સંશોધન લેખ Our very own Mahisasur અનેક ભાષાઓમાં પ્રકાશિત થયો હતો. વાંચો ગૌરી લંકેશ મહિષાસુર વિશે શું લખે છે.
આર. કે. પરમાર
Our very own Mahisasur : વિખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર એવા ગૌરી લંકેશની ૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ હત્યા થઈ હતી. ગૌરી લંકેશ એક સ્પષ્ટ અને સત્ય વક્તા હતા. તેઓ જમણેરી હિન્દુત્વવાદી વિચારધારાના પ્રખર આલોચક, મહિલાઓના હક અધિકારોના સંરક્ષક અને જાતિ ભેદભાવોના કટ્ટર વિરોધી હતા. ગૌરી લંકેશે "આપણો પોતાનો મહિષાસુર" શીર્ષક હેઠળ એક અહેવાલ મૂળ અંગ્રેજી ભાષામાં લખ્યો હતો, જે અહેવાલ વેબ પોર્ટલ બેંગલોર મીરરમાં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ પ્રકાશિત થયો હતો.
આ અહેવાલમાં તેમણે મહિષાસુર અને બીજા અસુર રાજાઓની હત્યા અને તેમાં ષડયંત્રો ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ અહેવાલ વાંચ્યા બાદ આપ સમજી શકશો કે શા માટે હિન્દુત્વવાદીઓએ ગૌરી લંકેશની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ લેખનો હિન્દીમાં અનુવાદ સિદ્ધાર્થજીએ કર્યો હતો જે ફોરવર્ડ પ્રેસમાં પ્રકાશિત થયો હતો. આ અહેવાલનો ગુજરાતી અનુવાદ અહીં રજૂ કરીએ છીએ. આવો જાણીએ કોણ છે અસુર? કોણ છે મહિષાસુર? કોણ છે દુર્ગા અને કોણ છે ચામુંડા?
મહિષાસુર એવા વ્યક્તિત્વનું નામ છે, જે સહજતાથી લોકોને પોતાની તરફ ખેંચી જાય છે. તેમના જ નામ પરથી 'મૈસુર' નામ પડ્યું છે. જોકે હિન્દુ દંતકથાઓ તેમને દૈત્ય એટલે કે રાક્ષસના રૂપમાં રજૂ કરે છે, ચામુંડા દ્વારા તેમની હત્યાને યોગ્ય ઠેરવે છે, પરંતુ લોકગાથાઓ તેનાથી બિલકુલ અલગ વાર્તાઓ કહે છે. ત્યાં સુધી કે ડૉ. બી. આર. આંબેડકર અને મહામના જોતિબા ફૂલે જેવા ક્રાંતિકારી વિચારક પણ મહિષાસુરને એક મહાન અને ઉદાર દ્રવિડિયન રાજાના રૂપમાં જુએ છે. જેણે લૂંટારા - હત્યારા આર્યો એટલે કે સુરોથી પોતાના લોકોની રક્ષા કરી હતી.
ઇતિહાસકાર વિજય મહેશ કહે છે કે, 'માહી' શબ્દનો અર્થ એક એવો માણસ થાય છે જે દુનિયામાં શાંતિ સ્થાપિત કરે છે. મોટાભાગના મૂળનિવાસી રાજાઓની જેમ મહિષાસુર ન માત્ર વિદ્વાન અને શક્તિશાળી રાજા હતા, પરંતુ તેમની પાસે ૧૭૭ બુદ્ધિમાન સલાહકારો પણ હતા. તેમનું રાજ્ય પ્રાકૃતિક સંશોધનોથી ભરપૂર હતું. તેમના રાજ્યમાં હોમ-હવન કે યજ્ઞ જેવા વિધ્વંસક કર્મકાંડો માટે કોઈ જગ્યા નહતી. કોઈપણ માણસ પોતાના ભોજન, આનંદ કે ધાર્મિક કર્મકાંડ માટે મનમાની કરી અસંખ્ય જાનવરોને મારી શકતો નહતો. સૌથી મોટી વાત તો એ હતી કે મહિષાસુરના રાજ્યમાં કોઈને પણ કામકાજ કર્યા વિના જીવન જીવવાની મંજૂરી નહોતી. તેમના રાજ્યમાં કોઈ મનમરજીથી ઝાડ કાપી શકતું નહતું. ઝાડને કપાતા રોકવા માટે તેમણે ઘણાં બધાં માણસોને નિયુક્ત કરી રાખ્યા હતા.
વિજય મહેશ દાવો કરે છે કે, મહિષાસુરના રાજ્યના લોકો ધાતુને આકાર આપવાની કામગીરીમાં નિષ્ણાંત હતા. આ જ પ્રકારનું મંતવ્ય એક બીજા ઇતિહાસકાર એમ. એલ. શેદંજ રજૂ કરે છે. તેઓ જણાવે છે કે, "ઇતિહાસકાર વિન્સેન્ટ એ. સ્મિથ પોતાના ઇતિહાસગ્રંથમાં કહે છે કે ભારતમાં તામ્રયુગ અને પ્રગ ઐતિહાસિક યુગમાં હથિયારોનો પ્રયોગ થતો હતો. મહિષાસુરના સમયમાં સમગ્ર દેશમાંથી લોકો તેમના રાજ્યમાં હથિયારો ખરીદવાં માટે આવતા હતા. આ હથિયારો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી બનેલા હતા. લોકકથાઓ અનુસાર મહિષાસુર વિભિન્ન વનસ્પતિઓ અને વૃક્ષોના ઔષધીય ગુણોનો જાણકાર હતાં અને તેઓ વ્યક્તિગત રીતે તેનો ઉપયોગ પોતાના રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા.
તો પછી શા માટે અને કેવી રીતે આટલા શ્રેષ્ઠ અને મહાન રાજાને ખલનાયક બનાવવામાં આવ્યો? આ સંદર્ભમાં સબર્લ્ટન સંસ્કૃતિના લેખક અને શોધકર્તા યોગેશ માસ્ટર કહે છે કે, "આ બાબતને સમજવા માટે તમારે સુરો અને અસુરોની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષને સમજવો પડશે". દરેક માણસ જાણે છે કે અસુરોના મહિષા રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાડાઓ હતા. આર્યોની ચામુંડાનો સંબંધ તેની સંસ્કૃતિ સાથે હતો. જેમનું મૂળ ધન ગાયો હતી. જ્યારે આ બે સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ થયો, ત્યારે મહિષાસુરની હાર થઈ અને તેમના લોકોને આ વિસ્તારમાંથી ભગાડી દેવામાં આવ્યા. કર્ણાટકમાં માત્ર મહિષાસુરનું જ શાસન નહોતું પરંતુ બીજા અનેક અસુર શાસકો પણ હતા.
તેની વ્યાખ્યા કરતા વિજય કહે છે કે, "વર્ષ ૧૯૨૬ માં મૈસુર વિશ્વવિદ્યાલયે ઇન્ડિયન ઇકોનોમિક કોન્ફરન્સ માટે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં અસુર રાજાઓના ઘણા બધા ગઢ હતા. ઉદાહરણ તરીકે ગુહાસુર પોતાની રાજધાની હરિહર પર રાજ કરતા હતા. હિડિંબાસુર ચિત્રદુર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર શાસન કરતા હતા. બકાસુર રામાનગરના રાજા હતા. એ વાત તો તમને બધાને ખબર જ છે કે મહિષાસુર મૈસુરના રાજા હતા. આ બધા પુરાવાઓ જણાવે છે કે આર્યોના આગમન પહેલા આ બધા વિસ્તારો પર મૂળનિવાસી અસુરોનુ રાજ હતું. આર્યોએ તેમના રાજ્યો પર કબજો કરી લીધો હતો."
ડોકટર બાબાસાહેબ આંબેડકરે પણ બ્રાહ્મણવાદી દંતકથાઓના એ ચિત્રણનું મજબૂતીથી ખંડન કર્યું છે કે અસુરો દૈત્ય હતા. ડૉ. બી. આર. આંબેડકર પોતાના એક નિબંધમાં આ વાત પર જોર આપે છે કે, "મહાભારત અને રામાયણમાં અસુરોને આ રીતે ચીતરવા સંપૂર્ણ ખોટું છે કે તેઓ માનવ સમાજના સભ્ય ન હતા. ડોકટર બી. આર. આંબેડકર બ્રાહ્મણોની એ વાતની પણ મજાક ઉડાવે છે કે બ્રાહ્મણોએ પોતાના દેવતાઓને દયા આવે તેવા ડરપોકોના સમૂહ તરીકે રજૂ કર્યા છે.
ડો. આંબેડકર કહે છે કે, હિન્દુઓની બધી દંતકથાઓ એ દર્શાવે છે કે અસુરોની હત્યા વિષ્ણુ કે શિવ દ્વારા નહીં પરંતુ દેવીઓએ કરી છે. દુર્ગા (કર્ણાટકના સંદર્ભમાં ચામુંડા) એ મહિષાસુરની હત્યા કરી, તો કાળીએ નરકાસુરને માર્યો, જ્યારે શુંબ અને નિશુંબ અસુર ભાઈઓની હત્યા દુર્ગાના હાથે થઈ. બાણાસુરને કન્યાકુમારીએ માર્યો. એક બીજા અસુર રક્તબીજની હત્યા દૈવીશક્તિએ કરી. ડો. બી.આર. આંબેડકર તિરસ્કાર સાથે કહે છે કે, "એવું લાગે છે કે ઈશ્વર લોકો અસુરોના હાથોથી પોતાની રક્ષા પોતે કરી શકે એમ નહતા, એટલે તેમણે પોતાને બચાવવા માટે પોતાની પત્નીઓને મોકલી દીધી."
આખરે શું કારણ હતું કે સુરો એટલે કે દેવતાઓએ હંમેશા પોતાની મહિલાઓને જ અસુર રાજાઓની હત્યા કરવા માટે મોકલી. તેના કારણોની વ્યાખ્યા કરતા વિજય મહેશ જણાવે છે કે "દેવતાઓ એ સારી રીતે જાણતા હતા કે અસુર રાજાઓ ક્યારેય પણ મહીલાઓ સામે પોતાનું હથિયાર નહિ ઉઠાવે. આમાંથી મોટાભાગની મહિલાઓએ અસુર રાજાઓની હત્યા ચાલાકીથી કરી છે. પોતાની શરમને છુપાવવા માટે દેવતાઓની આ હત્યારી પત્નીઓના દસ હાથ અને અદભુત હથિયારોની વાર્તાઓ ઘડવામાં આવી. નાટક-નૌટંકી માટે સારી, પરંતુ અશક્ય લાગતી આ વાર્તાઓથી દૂર જઈને આપણે એ હકીકતને જોઈ શકીએ છીએ કે કેવી રીતે બ્રાહ્મણવાદી વર્ગે મૂળનિવાસી લોકોના ઇતિહાસને તોડીમરોડી નાખ્યો છે. ઇતિહાસને આ રીતે તોડવાનો તેમનો ઉદ્દેશ્ય પોતાનાં સ્વાર્થને પૂરા કરવાનો હતો."
વિજય મહેશ આગળ કહે છે, "માત્ર બંગાળ કે ઝારખંડમાં જ નહિ, પરંતુ મૈસુરની આજુબાજુમાં પણ કેટલાક એવા સમાજો રહે છે, જે ચામુંડાને તેમના મહાન અને ઉદાર રાજાની હત્યા માટે દોષી માને છે. તેમનામાંથી કેટલાક દશેરાના દિવસે મહિષાસુરની આત્મા માટે પ્રાર્થના કરે છે. જેવું કે ચામુંડેશ્વરી મંદિરના મુખ્ય પૂજારી શ્રીનિવાસને મને જણાવ્યું કે તમિલનાડુમાંથી કેટલાક લોકો વર્ષમાં બે વાર આવે છે અને મહિષાસુરની મૂર્તિની પૂજા કરે છે."
છેલ્લાં બે વર્ષથી અસુરો સમગ્ર દેશમાં આક્રોશનો મુદ્દો બની ગયા છે. પશ્ચિમ બંગાળના આદીવાસી લોકો અસુર સંસ્કૃતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિશાળ બેઠકો કરી રહ્યા છે, તો દેશના અલગ અલગ વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં અસુર વિષયવસ્તુની આજુબાજુ તહેવારો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઉસ્માનીયા યુનિવર્સિટી અને કાકાટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નરકાસુર દિવસ મનાવ્યો હતો. જો કે જેએનયુના વિધાર્થીઓના મહિષાસુર ઉત્સવને તત્કાલીન માનવ સંસાધન મંત્રીએ એટલી દેશવ્યાપી લોકપ્રિયતા અપાવી દીધી હતી કે હું તેના વિસ્તારમાં નથી જઈ રહી. મહિષાસુર અને બીજા અસુરો પ્રત્યે લોકોના વધતા જતા આકર્ષણની શું વ્યાખ્યા કરી શકાય?
શું માત્ર એટલું કહીને પીછો છોડાવી લેવાય કે દંતકથાઓ ઇતિહાસ નથી હોતી, લોકગાથાઓ આપણાં ભૂતકાળનો દસ્તાવેજ હોય શકે નહીં? વિજય મહેશ તેની સટિક વ્યાખ્યા કરતા કહે છે "મનુવાદીઓએ બહુજનોના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને પોતાના હિસાબથી તોડી તેને બદલી નાખ્યો છે. આપણે આ ઇતિહાસ પર પડેલી ધૂળને ખંખેરવી પડશે, પૌરાણિક જૂઠોનો પર્દાફાશ કરવો પડશે અને પોતાના લોકો તથા પોતાના બાળકોને હકીકત જણાવવી પડશે. આ જ એકમાત્ર રસ્તો છે જેના પર ચાલીને આપણે આપણાં સાચા ઇતિહાસના દાવેદાર બની શકીશું. મહિષાસુર અને બીજા અન્ય અસુરો પ્રત્યે લોકોનું વધી રહેલું આકર્ષણ એ સાબિત કરે છે કે હકીકતમાં આ જ કામ થઈ રહ્યું છે."
(મૂળ લેખ ગૌરી લંકેશે બેંગ્લુરુ મિરરમાં અંગ્રેજીમાં લખ્યો હતો, તેનો હિન્દી અનુવાદ ફોરવર્ડ પ્રેસે કર્યો હતો, ગુજરાતી અનુવાદ આર.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યો છે.)
આર.કે. પરમારની બહુજન યુટ્યુબ ચેનલ આર.કે. સ્ટુડિયોઝ પર આ લેખનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચોઃ દલિતો અને ગણેશોત્સવ : અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dharmendra VanikIt's good information share you
-
Ramesh Vadhelસત્ય છુપાસે નહિ જેને જેને કહું એ કહ્યું ના માને મૂર્ખ સમજી મારી હાંસી ઉડાવે નથી રેવાતુ હવે નથી રેવાતું