હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?

હરિયાણામાં 22 ટકા દલિત અને 40 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. તેમના મતો જેની તરફ જાય તેની સરકાર બને તેવો ટ્રેન્ડ રહ્યો છે. ત્યારે આ વખતે તેઓ કોની તરફ છે?

હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?
image credit - Google images

haryana assembly election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. તેની આશાઓ એ હકીકત પર ટકેલી છે કે આ વખતે પણ તે રાજ્યની તમામ પછાત જાતિઓને કથિત જાટ વર્ચસ્વની સામે એક કરવામાં સફળ થશે. પાર્ટીની ટિકિટ વહેંચણીમાં આ રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે, આ વખતે જમીન પર આ રણનીતિની સફળતા અંગે ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.

હરિયાણામાં સંખ્યા અને પ્રભુત્વની દ્રષ્ટિએ જાટ સૌથી અગ્રણી જાતિ સમૂહ છે. જોકે જાતિ ગણતરીના અભાવે ચોક્કસ સંખ્યાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, તેમ છતાં દાવો કરવામાં આવે છે કે હરિયાણામાં જાટ મતદારોની સંખ્યા 20 થી 27 ટકાની વચ્ચે છે. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકોના પરિણામો પર જાટ મતદારો સીધી અસર કરે છે. આ સિવાય જાટ સમાજ બીજી દસથી બાર બેઠકોના પરિણામોને પણ તે પ્રભાવિત કરી શકે છે. જાટોના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 1966માં જ્યારથી પંજાબથી અલગ થઈને હરિયાણા નવું રાજ્ય બન્યું છે, ત્યારથી લઈને આ 58 વર્ષોમાંથી 33 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી જાટ સમાજમાંથી રહ્યાં છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...

એ કારણ છે કે રાજ્યની રાજનીતિને જાટ વિ. અન્ય વચ્ચે વહેંચવી ખૂબ જ સરળ છે. ભાજપ છેલ્લા દસ વર્ષથી આવું કરી રહ્યું છે અને તેનો ફાયદો પણ પાર્ટીને મળ્યો છે. 2014 માં ભાજપનું ચૂંટણી અભિયાન રાજ્યમાં જાટોના વર્ચસ્વ, તેમના અતિરેક અને અન્ય જાતિ સમૂહોની ઉપેક્ષાની આસપાસ ફરતું હતું. 

લોકોએ ભાજપ પર વિશ્વાસ કર્યો અને રાજ્યમાં પહેલીવાર તે પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ રહી. ભાજપ અગાઉ 1987માં ઓમપ્રકાશ ચૌટાલાની આગેવાની હેઠળની જનતા દળ સરકાર અને 1996માં બંસી લાલની આગેવાની હેઠળની હરિયાણા વિકાસ પાર્ટીની સરકારનો ભાગ હતી. વર્ષ 2014માં ભાજપ માટે સાનુકૂળ પરિસ્થિતિ એ રીતે પણ સર્જાઈ હતી કારણ કે દેશભરમાં કોંગ્રેસ વિરુદ્ધ માહોલ હતો. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને હરિયાણામાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સામેના લોકોની નારાજગીના આધારે ભાજપે પોતાના દમ પર 47 બેઠકો જીતી અને સરકાર બનાવી હતી.

બીજી તરફ, હરિયાણાની કુલ વસ્તીના લગભગ 40 ટકા OBC જાતિઓ છે. રાજ્યમાં દલિતોની સંખ્યા 23 ટકાથી થોડી વધારે છે. આ ઉપરાંત લગભગ 7 ટકા મુસ્લિમો પણ છે, જેમની વસ્તી મેવાત વિસ્તારમાં ચારથી પાંચ બેઠકો પર નિર્ણાયક છે. રાજ્યમાં 2014 અને 2019માં યોજાયેલી ચૂંટણીઓ વચ્ચે ભારે સમાનતા છે. બંને વખત ભાજપે જાટો વિરુદ્ધ અન્ય જાતિઓને એક કરીને ચૂંટણી લડી હતી. જેમાં સૈની, યાદવ (રાવ), ગુર્જર જેવી મોટી ઓબીસી જાતિઓ ઉપરાંત દલિતોમાંથી વાલ્મિકી અને કોળી જાતિના મતદારોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે મુસ્લિમ અને જાટવ મતદારોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું. પરંતુ જાટ કોંગ્રેસ સિવાય ઈન્ડિયન નેશનલ લોકદળ, જનનાયક જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા. પંજાબી, વાણિયા, બ્રાહ્મણો અને રાજપૂતો પહેલેથી જ ભાજપની તરફેણમાં હતા.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આરએસએસની રણનીતિ શું છે?

અહીં એ નોંધવું રહ્યું કે, ભાજપ વર્ષોથી 'દલિતો-પછાતોમાં ભાગલા પાડો અને રાજ કરો'ની એક રસપ્રદ રાજકીય રમત સફળતાપૂર્વક રમી રહી છે. જે રાજ્યમાં ચૂંટણી હોય, ત્યાં ઓબીસી કે દલિત જાતિઓમાં સૌથી વધુ સંખ્યા કે રાજકીય પ્રભુત્વ ધરાવતા જાતિ સમૂહને ત્યાંની તમામ સમસ્યાઓ માટે જવાબદાર ગણાવીને વિલન બનાવી દો. રાજ્ય પ્રમાણે વિલન બદલાતો રહે છે, પરંતુ વ્યૂહરચના એક જ રહે છે. 

રસપ્રદ વાત એ છે કે આ ખેલમાં એક રાજ્યનો વિરોધી બીજા રાજ્યમાં પાર્ટીનો સમર્થક મતદાર બની જાય છે. જમીની લેવલ પર આવું કરવું અશક્ય લાગે છે, પરંતુ ભાજપે વારંવાર આ અશક્ય લાગતી વ્યૂહરચનાને સફળ કરી બતાવી છે. હરિયાણા ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉદાહરણ પરથી આ ખેલને સારી રીતે સમજી શકાય છે.

ઉદાહરણ તરીકે, હરિયાણામાં જે જાટ મતદારો સામે ધ્રુવીકરણના સહારે ભાજપ સત્તા મેળવે છે, એ જ જાટ મતદારો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં ભાજપનો મુખ્ય જનાધારા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે યાદવો વિરુદ્ધ ધ્રુવીકરણ ભાજપની રાજનીતિનો આધાર છે, એ જ યાદવો હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં ભાજપની કોર વોટબેંક ગણાય છે.

આ પણ વાંચોઃ RSS ના મુખપત્ર પાંચજન્યમાં જાતિપ્રથાના જરૂરી ગણાવવામાં આવી

પરંતુ આ વખતે હરિયાણામાં સ્થિતિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. તેનાં ઘણા કારણો છે. જેમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને કથળતી કૃષિ વ્યવસ્થા મુખ્ય છે. આ કારણોસર તમામ ખેડૂત જાતિઓ આ વખતે ભાજપથી નારાજ જોવા મળી રહી છે. અગ્નિવીર યોજના, કુશ્તી ખેલાડીઓનું અપમાન અને ખેડૂત આંદોલન દરમિયાન થયેલા અત્યાચારોને લઈને આ વખતે માત્ર જાટ જ નહીં, યાદવ, ગુર્જર, સૈની અને અન્ય તમામ ખેડૂત જાતિઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

યાદવ, ગુર્જર અને દલિતોની નારાજગીનું એક બીજું મોટું કારણ છે. આ જાતિઓ સાથે મળીને હરિયાણામાં માત્ર એક મોટી રાજકીય તાકાત જ નથી બની જતી, પરંતુ ભાજપની જીતનો આધાર પણ બને છે. હરિયાણામાં 2014 અને 2019માં ભાજપની સફળતા ઓબીસી અને દલિત મતદારોના ધ્રુવીકરણને કારણે હતી, પરંતુ બંને વખત પાર્ટીએ પંજાબી ખત્રી જાતિના મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેના કારણે પક્ષના ઘણા નેતાઓ, જેઓ મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા તેમને નુકસાન થયું હતું. જો કે આ વખતે ચૂંટણીના લગભગ સાત મહિના પહેલા ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય કર્યો અને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આની પાછળ પાર્ટીનો વિચાર ફરી એકવાર OBC જાતિઓને પોતાની તરફેણમાં લાવવાનો હતો. પરંતુ આનાથી પક્ષમાં નિરાશા અને આંતરકલહમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં 19000 જેટલાં દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી દીધી

નાયબ સિંહ સૈની મુખ્યમંત્રી બન્યા બાદ રાવ ઈન્દ્રજીત સિંહ, કૃષ્ણપાલ ગુર્જર અને અનિલ વિજ જેવા નેતાઓ અસંતુષ્ટ છે. રાજ્યના અનુક્રમે યાદવ, ગુર્જર અને બ્રાહ્મણ મતદારોમાં તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આધારભૂત સૂત્રો કહે છે કે, આ વખતે બ્રાહ્મણ મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે તેવું લાગે છે. ગુર્જરોમાં અસંતોષ છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં તે ભાજપ સાથે રહેશે, કારણ કે તેઓ રાજ્યમાં ફરી એકવાર જાટોનું વર્ચસ્વ જોઈ રહ્યા છે. બહુમતી મતદારો માને છે કે ભાજપ પાસે ન તો રાજ્યમાં કોઈ મુદ્દો બચ્યો છે અને ન તો વાતાવરણ તેના પક્ષમાં છે. તેમ છતાં જો લોકો ભાજપને મત આપતા હોય તો તેના બે કારણો છે. એક તો હુડ્ડા પરિવારને લઈને લોકોમાં અવિશ્વાસ અને બીજું જાટોનું પ્રભુત્વ તેમને ડરાવે છે.

આ પણ વાંચોઃ આરએસએસ હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.