મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?

કૃષિ પ્રધાન દેશમાં સંરક્ષણનું બજેટ કૃષિ બજેટ કરતા વધુ છે, ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે કોણ વિચારે છે? - વાંચો વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો લેખ.

મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?
image credit - Google images

ચંદુ મહેરિયા

બાળપણમાં વાંચેલી કવિતાની આ પંક્તિઓ હમણાના દિવસોમાં ઘણીવાર ગણગણું છું: 
સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મહેર રે
ભાઈ! મોસમ આવી મહેનતની.

વરસાદી મોસમને કારણે તો તે યાદ આવે જ છે પરંતુ  ખેડૂતો માટે વરસાદ મહેનતની મોસમ છે, એટલે પણ યાદ આવે છે. જગતતાત ‘ લિયો પછેડી દાતરડાં’ ને ‘ રંગે સંગે કામ’  કરે છે અને ધાન પકવે છે. જોકે હવે ખેતી માત્ર માનવીના શરીરશ્રમ આધારિત નથી રહી. ખેતીમાં માનવ અને પશુઓના શ્રમના વિકલ્પે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ વીસમી સદીની મહાન લબ્ધિ મનાય છે.

એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગ સંબંધી પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ જુલાઈ ૨૦૨૩માં ‘દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણમાં સંશોધન અને વિકાસ’  અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૨માં દેશની અડધા કરતાં ઓછી કૃષિનું જ યાંત્રિકીકરણ થયું છે. અન્ય વિકાસશીલ દેશો બ્રાઝિલ ૭૫ અને ચીન ૬૦ ટકાની તુલનામાં, ભારતમાં હજુ કૃષિ યાંત્રિકીકરણ ૪૭ ટકા જેટલું નિમ્ન સ્તરે છે.

ચોમાસા પૂર્વે કે અન્ય વખતે ખેતરો ખેડવા હળ અને બળદને બદલે હવે ટ્રેકટરનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં વાવણી-રોપણી માટે ખેતરો ખેડવા ૭૦ ટકા ટ્રેકટર વપરાય છે. રોપણી અને વાવણીના કામમાં યંત્રોનો ઉપયોગ ૪૦ ટકા, નિંદામણમાં ૩૨ ટકા અને કાપણી-લણણીમાં ૩૪ ટકા  એમ સરવાળે ૪૭ ટકા ખેતીનું મશીનીકરણ થયેલું છે. સમગ્ર દેશમાં કૃષિ યાંત્રિકીકરણ અસમાન છે. 

આ પણ વાંચો: હેં! જાપાનમાં પણ અસ્પૃશ્યો છે!

દક્ષિણી રાજ્યો,  પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં લગભગ બધા જ કામો યંત્રોથી થાય છે. પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં કૃષિ યાંત્રિકીકરણ નહિવત છે. જેમ રાજ્યવાર તેમ પાક પ્રમાણે પણ કૃષિમાં મશીનોના ઉપયોગમાં ભિન્નતા છે. ઘઉંના પાક માટે ૬૯ ટકા અને ડાંગર માટે ૫૩ ટકા મશીનો વપરાય છે. જ્યારે બીજા કૃષિ પાકોમાં પચાસ ટકા કરતાં ઓછું યાંત્રિકીકરણ છે. ખાદ્ય પાકોની સરખામણીએ રોકડિયા પાકોની ખેતીમાં મશીનોનો વપરાશ વધુ થાય છે. આ ભિન્નતા માટે ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ, સિંચાઈની સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, ભૌગોલિક સ્થિતિ  જેવા કારણો જવાબદાર છે.

ભારત જેવા વધુ વસ્તી અને સંસાધનોની અસમાન વહેંચણી ધરાવતા દેશમાં ઝાઝા હાથ કામ માંગતા હોય ત્યારે તેમને બેરોજગાર બનાવી યંત્રોનો ઉપયોગ સવાલો પેદા કરે તે સહજ છે. પરંતુ કૃષિ યાંત્રિકીકરણના લાભ અને ખાધ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવાની દ્રષ્ટિએ તે અપનાવવું આવશ્યક છે. ખેતીના કામો મહેનત, ચીવટ અને આવડત માંગી લે છે. એ વધુ સારી રીતે માનવી જ કરી શકે છે પરંતુ મશીનના ઉપયોગથી માનવ અને પશુશ્રમ બચે છે, જે  ઈતર કામોમાં વાપરી શકાય છે. એકલા ટ્રેકટરના ઉપયોગે પણ કેટલો મોટો ફાયદો કરી આપ્યો છે. ટ્રેકટરના ઉપયોગથી જમીન વધુ સારી રીતે ખેડી શકાય છે. વધુ જમીન ખેતી યોગ્ય બનાવી શકાઈ છે. બીજ, જંતુનાશક દવાઓ અને ખાતરની બચત થાય છે. એટલે ખર્ચ ઘટે છે.

સમય અને પાણીની બચત થાય છે. ઉત્પાદન વધે છે. નિંદામણ ઘટે છે. ખેત કામદારોની અછતનો વિકલ્પ મળે છે. વધુ શ્રમના કામો યંત્રોથી કરવા સરળ બન્યા છે. કૃષિ યાંત્રિકીકરણનો સૌથી મોટો લાભ એ છે કે તે ભારતના ગામડાઓની સામાજિક સંરચનામાં પરિવર્તન આણી શકવાની સંભાવના ધરાવે છે. ખેડૂતો માટે ખેતી માત્ર બે ટંકના રોટલા જોગ ના રહેતાં તેમની આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારે છે. પારંપરિક ખેતીને વ્યાવસાયિક બનાવી શકાય છે. શ્રમ, સમય અને નાણાંની બચત થાય છે તો ઉત્પાદનમાં વૃધ્ધિથી આવક વધે છે તે મશીનીકરણનો મોટો ફાયદો છે.

યાંત્રિકીકરણ મોટા ખેતરો માટે જ લાભપ્રદ છે. ભારતમાં ૮૬ ટકા કિસાનો બે હેકટરથી ઓછી જમીન ધરાવે છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે જો નાના આકારના યંત્રો ન હોય તો તે બિનઉપયોગી અને નાંણાકીય બોજ વધારનાર છે. ખેત ઓજારો માનવહાથથી વપરાય છે.પરંતુ મશીનો ચલાવવા વીજળી કે ઈંધણની જરૂર પડે છે. તેના કારણે ડીઝલ અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ  પર્યાવરણમાં બગાડ અને પ્રદૂષણ જેવા પ્રશ્નો ઉદભવે છે. ટ્રેકટરનો ઉપયોગ માટી પરનો ભાર ઘણો વધારે છે. બેરોજગારી વધે છે અને કૃષિ શ્રમિકોની અછતના અલ્પ ગાળામાં વધુ વેતન માટેની તેમની સોદાશક્તિ તથા ગરજ ઘટે છે. મોટા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ  પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. જ્યારે નાના ખેડૂતો જાતમજૂરી પર નભે છે. એટલે યંત્રોનો ઉપયોગ સામાજિક-આર્થિક અસમાનતા વધારે છે.

આ પણ વાંચો: સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?

આજે પણ દેશની 80 ટકા કૃષિ જમીન પર ખાધ્ય પાકોની વાવણી-રોપણી માનવશ્રમ દ્વારા જ થાય છે ત્યારે દેશનું કૃષિ યાંત્રિકીકરણ પણ આંશિક જ છે. સરકાર આગામી પચીસેક વરસોમાં પોણા ભાગની કૃષિને યંત્રો હેઠળ આવરી લેવા માંગે છે. પરંતુ તે ઈચ્છનીય નથી. માનવશ્રમ આટલો શેષ હોય ત્યારે ખેતીને મશીનોના હવાલે કરી દેવી તેમાં કોઈ ડહાપણ નથી. કામ વગરના કરોડો હાથને યંત્રોએ કામ કરતા અટકાવ્યા છે. યંત્રોને લીધે બેકારી અને ગરીબી વધવાની છે. વળી કૃષિ કામોમાં માનવીય સ્પર્શ અને સંલગ્નતા ઘટે તે યોગ્ય નથી.

કૃષિનું માત્ર મશીનીકરણ જ નહીં રોબોટીકરણ કરવાની અને આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની વાતો પણ થઈ રહી છે. ભાવિમાં આ યંત્રો ડેટા સમૃધ્ધ સંવેદન અને નિરીક્ષણ પ્રણાલી બની જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.  હળ, દાતરડુ, કોદાળી જેવા ખેત ઓજારોનું સ્થાન હવે ટ્રેકટર, કંબાઈન હાર્વેસ્ટર, ટિલર જેવા યંત્રો-સાધનો અને ખેતીને આનુષાંગિક કામોમાં સિંચાઈ માટે પાવરલિફ્ટ, ટ્યુબ વેલ, વોટર પંપ, ઈલેકટ્રિક મોટર, ખેત પેદાશોને બજાર સુધી લઈ જવા માટે ટ્રક, પશુપાલન અને ડેરીના સાધનો, વોશિંગ મશીન, વેક્યુમ ક્લિનર, રેડિયો,  ઈસ્ત્રી, થ્રેસર મશીન, ફૂડ પ્રોસેસિંગ મશીનો લેશે. પરંતુ તળ વાસ્તવિકતા  કંઈક જુદી છે તેનો અંદાજ નથી. કૃષિમાં આવનારા તળિયાઝાટક પરિવર્તનો વિશે જાણીને એક સામાન્ય,  નાનો અને ઘર નભે એટલી જમીન ધરાવતો ગામડિયો ખેડૂત તેની ધરતીમાતા પર કોર્પોરેટ્સનો ડોળો પડતો જોઈ પહેલાં અચંભિત અને પછી દુ:ખી તથા આક્રોશિત છે.

ગાંધીજી પણ યંત્રોના વિરોધી નહોતા. પરંતુ માનવ હાથને બેકાર કરી યંત્રોના ભરોસે જીવવું યોગ્ય નથી. ખાધ્યાન્નની વૈશ્વિક માંગ પૂર્ણ કરવા કૃષિ ઉત્પાદકતામાં વૃધ્ધિ પડકારજનક  જરૂર છે પણ તેનો એકમાત્ર ઉકેલ કૃષિનું સંપૂર્ણ યાંત્રિકીકરણ ના હોઈ શકે. યંત્ર અને માનવ બેઉ સાથે રહીને કરી શકે તેવા કૃષિ કામોની દિશામાં વિચારવું ઘટે. કૃષિ યાંત્રિકીકરણની મહિલાઓ પર પડનારી અસરો તો જુદા લેખનો વિષય છે.

હાથથી થતી સફાઈના કામો  (ગટર, ખાળકૂવા અને માનવ કે પશુ મળની સફાઈ અને બીજાં અનેક કામો)  કથિત નિમ્ન જ્ઞાતિમાં જન્મેલ માનવીના માથે થોપાયેલા છે. હાથથી થતી સફાઈમાં સો ટકા મશીનીકરણ શક્ય છે. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગ્રતિના અભાવે તેમ કરવામાં આવતું નથી. કૃષિ પ્રધાન દેશનું કૃષિ બજેટ સંરક્ષણ બજેટ કરતાં ઓછું હોય ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે વળી કોણ વિચારે. મોંઘાદાટ દેશી-વિદેશી સંરક્ષણ સાધનો અને હાથથી થતી સફાઈના મશીનો કે કૃષિ યંત્રોમાંથી નાગરિક તરીકે આપણી પસંદગીની પ્રાથમિકતા શું હશે તે કહેવાની જરૂર ખરી?

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.