એટ્રોસિટીના કેસમાં ભયંકર પૂર્વગ્રહ ધરાવતા જજ રસિક માંડાણીને ઓળખો

જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી પોતાના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હવે તેમણે એટ્રોસિટીના એક કેસમાં વિવાદાસ્પદ નિર્ણય કરતા હોબાળો મચ્યો છે.

એટ્રોસિટીના કેસમાં ભયંકર પૂર્વગ્રહ ધરાવતા જજ રસિક માંડાણીને ઓળખો
image credit - Google images

જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી પોતાના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હવે તેમણે એટ્રોસિટીના એક કેસમાં વિવાદાસ્પદ નિર્ણય કરતા હોબાળો મચ્યો છે. તરંગી ચૂકાદાઓ આપવા માટે જાણીતા આ જજ કોણ છે તે જાણવું જરૂરી બની જાય છે.

જામનગરમાં એડિશનલ સેશન્સ જજ રસિકકુમાર માંડાણી છે. તેમની સામે જામનગર બાર એસોસિએશને 11 સપ્ટેમ્બર 2024ના રોજ વિરોધ નોંધાવ્યો છે. એટલું નહીં પણ આ જજની બદલી કરવા હાઈકોર્ટને વિનંતિ કરી છે.

જજ માંડાણીનો શામાટે વિરોધ થયો? 6 સપ્ટેમ્બર 2024ના રોજ જજ માંડાણીએ બાર એસોસિએશનના પ્રમુખને નોટિસ આપેલ કે “એટ્રોસિટી કેસ નં. 3/2023ના આંક-14ની અરજી હેઠળ 13 સપ્ટેમ્બર 2024ના કલાક 11.00 કલાકે કોઈ વકીલ જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો ઓપન સુનાવણીમાં ઉપસ્થિત રહેવું.” 

આંક-14 હેઠળ જજ માંડાણીએ 31 ઓગસ્ટ 2024ના રોજ હુકમ કરેલ કે “આરોપીઓના એડવોકેટે તેમને ડિસ્ચાર્જ કરવા માટે Exh.-14થી અરજી કરી છે. તે મુજબ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળ બનતો નથી. બાકીનો ગુનો 7 વર્ષ સુધીની સજાને પાત્ર છે. પીડિત/ફરિયાદીએ સરકાર તરફથી મળેલ આર્થિક સહાય સરકારને પરત ચૂકવવી જરૂરી છે. તેથી, આ કોર્ટને લાગે છે કે આ મુદ્દા પર કોઈપણ વકીલ તરફથી ખૂલ્લી રજૂઆત કરવી હોય તો તક આપવી જોઈએ. ઉપરાંત, સમાજ અને કલ્યાણ વિભાગ, જામનગરના સંબંધિત સક્ષમ અધિકારીને પણ આ મુદ્દા પર કોર્ટને મદદ કરવા માટે આગામી તારીખે આ કોર્ટમાં હાજર રહેવું. આ બાબતે જામનગર બાર એસોસિએશનને નોટિસ મોકલવી. કોઈ એડવોકેટ કાનૂની મુદ્દા પર રજૂઆત કરવા માંગે તો તે હાજર રહી શકે/રજૂઆત કરી શકે છે.“

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?

જામગર બાર એસોસિએશને હાઈકોર્ટને લખ્યું કે “13 સપ્ટેમ્બર 2024 ના રોજ જામનગર વકીલ મંડળના સભ્યોને SC/ST એક્ટ બાબતે કોર્ટમાં જાહેર ચર્ચા કરવા માટે હાજર રહેવું તેવો કાયદા વિરુદ્ધનો અને પોતાની સત્તા બહારનો હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના કોઈપણ જજમેન્ટ, straitjacket formula તરીકે દરેક કેસમાં એપ્લિકેબલ થાય નહીં, છતાં સુપ્રીમકોર્ટના Shajan Skaria v/s  State of Karnatakaના કેસમાં, એટ્રોસિટી એક્ટની કલમ-3(1) (r)ના સંદર્ભમાં આપેલ ચુકાદાનો આધાર લઈ, તેનું ખોટું અર્થઘટન કરી જજ માંડાણીએ ઓપન કોર્ટમાં SC/ST એક્ટના કેસો બાબતે જાહેર ચર્ચા રાખેલ હોય તે વ્યાજબી નથી અને કાયદા વિરુદ્ધ છે. વળી તેમણે SC/ST એક્ટના કેસોમાં ફરિયાદી/પીડિતને મળતી સહાય પરત લેવાની ચર્ચાને સામેલ કરેલ છે.


જજ માંડાણીએ 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપેલ હતી. આ બાબતે જામનગર વકીલ મંડળે હાઈકોક્ટને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ જજ માંડાણી; 7 વરસ સુધીના SC/ST એક્ટના કેસોના આરોપીઓને, ફરિયાદી કે સરકારી વકીલને સાંભળ્યા વિના જ, આરોપીની જામીન અરજી રજિસ્ટરે લીધા વિના, નંબર પાડ્યા વિના, આરોપીને તાત્કાલિક જામીન પર છોડી મૂકે છે. સુપ્રિમકોર્ટના Criminal Appeal No. 1278/2021 કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં જામીન અરજી વખતે ફરિયાદીને સાંભળવા જ જોઈએ તેવો હુકમ થયેલ છે, તેનું ઉલ્લંઘન જાણીજોઈને કરી રહ્યા છે. જજ માંડાણીને SC/ST એક્ટ હેઠળના કેસોની સૂગ/નારાજગી હોય તે રીતે વિવાદાસ્પદ હુકમો કરે છે.”

આ પણ વાંચોઃ એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો હોવા છતાં આરોપીઓ કેમ છૂટી જાય છે?

જજ રસિકકુમાર માંડાણી કોણ છે? બનાસકાંઠાના ડીસા ખાતે અગાઉ એડિશનલ સેશન્સ જજ હતા ત્યારે 26 માર્ચ 2024ના રોજ PI વિજયસિંહ મેઘસિંહ ચૌધરી સામે પગલાં ભરવા 101 પેજનો વિવાદાસ્પદ હુકમ કરેલ. જે હુકમ ગુજરાત હાઈકોર્ટે 5 એપ્રિલ 2024ના રોજ, રદ કરી જજ માંડાણીની બરાબર રીમાન્ડ લીધી હતી : “Whims and Caprices of Judge have no place in judicial decision-ન્યાયિક નિર્ણયમાં ન્યાયાધીશની ધૂનને/તરંગોને કોઈ સ્થાન નથી. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે વિદ્વાન સેશન્સ જજે તેના અધિકારક્ષેત્રને ઓળંગી જઈને PI ચૌધરી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે!”

થોડાં સવાલ : [1] શું સેશન્સ જજને; એટ્રોસિટી એક્ટ હેઠળ સરકાર જે સહાય ચૂકવે તે પરત લેવાનો હુકમ કરવાની સત્તા એટ્રોસિટી એક્ટ મુજબ છે? [2] એક આરોપીને જામીન મુકત કરવો કે ન કરવો તેનો નિર્ણય જજે કરવાનો છે, તે માટે બાર એસોસિએશનના વકીલોને નિમંત્રણ આપવાની જરુર ખરી? એટ્રોસિટી એક્ટના એક કેસમાં આરોપીને ડિસ્ચાર્જ કરવાની અરજીમાં આખા શહેરના બધા વકીલોને અને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને જાહેર નોટિસ કાઢી જાહેર આમંત્રણ આપવાની જરુર ખરી? એક અરજીના નિર્ણય માટે આખા ગામને દલીલ કરવા આમંત્રણ આપવાનો કોઈ અર્થ ખરો? [3] 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને જજ આપી શકે? શું આ બેજવાબદારીવાળી માનસિકતા નથી? [4] સુપ્રિમકોર્ટ/હાઈકોર્ટના ચૂકાદાનો straitjacket formula તરીકે જ ઉપયોગ કરવાનો હોય તો કોર્ટમાં જજની જગ્યાએ કોમ્પ્યુટર ગોઠવી દઈએ તો ન ચાલે? દરેક કેસની હકીકતો અલગ હોય છે, જજે જ્ઞાન/શાણપણનો ઉપયોગ કરવાનો હોય છે. જે જજ વેઠ કાઢે કે SC/ST સમુદાય પ્રત્યે પૂર્વગ્રહ રાખે તેને જજની ખુરશીમાં બેસવાનો અધિકાર ખરો? [5] જામનગર બાર એસોસિએશને જજ માંડાણીની માત્ર બદલી કરવા વિનંતિ કરી છે અને તેમના પત્રમાં જણાવેલ ગંભીર હકીકતો ધ્યાને લેતાં જજ માંડાણીની બદલી કરવાને બદલે તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી ખાતાકીય શિક્ષાત્મક પગલાં ભરવા માંગણી કરવાની જરુર હતી. [6] ‘ન્યાયિક નિર્ણયમાં ન્યાયાધીશની ધૂનને/તરંગોને કોઈ સ્થાન નથી’ આ શબ્દોનું પાલન શું ગુજરાત હાઈકોર્ટ તાબાના જજો પાસે કરાવી શકશે?

રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આ પણ વાંચોઃ હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • મહેશભાઈ રામાભાઈ મકવાણા (મિલિન્દ ગૌતમ)
    મહેશભાઈ રામાભાઈ મકવાણા (મિલિન્દ ગૌતમ)
    આવા જજને તાત્કાલિક અસરથી નોકરી માંથી બરતરફ કરવા જોઈએ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
    2 months ago