રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતિ આપી રહી છે?
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત સરકાર એસસી, એસટીના હિતોને બાજુમાં મૂકી એટ્રોસિટી એક્ટને નબળો બનાવવામાં છુપી સહમતિ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતા હેઠળના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત સરકાર પર દલિતો, આદિવાસીઓના હિતોને હાંસિયામાં ધકેલી દઈને એટ્રોસિટી એક્ટને નબળો પાડવામાં છુપી સહમતી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
હાલમાં ગુજરાતભરમાં એટ્રોસિટીના કેસોમાં પોલીસ અર્ણેશકુમારના જજમેન્ટને ટાંકીને પોલીસ સ્ટેશનમાંથી જ બારોબાર જામીન આપી દે છે. જેને લઈને એસસી, એસટી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે ગઈકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને વિવિધ દલિત સંગઠનોએ મળીને રાજ્યના ડીજીપીને ગુજરાતમાં અર્ણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓની ધરપકડ નહીં કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શું ગુજરાત સરકાર દલિતો-આદિવાસીઓ ઉપર અત્યાચાર કરનારા અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનમાં ચા-પાણી- નાસ્તો કરીને જેલના બદલે ઘરે જતાં રહે એવું ઈચ્છે છે? તેવો સવાલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં આ તમામ દલિત, આદિવાસી સમાજના સંગઠનોએ ડીજીપીને મળીને જણાવ્યું હતું કે, SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯માં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને અર્ણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનો લાભ અપાવવાના ઈરાદે કરાતું ખોટું અર્થઘટન કાયદા વિરુદ્ધનું છે. જેનાથી આરોપીઓમાં કાયદાનો ભય નહીં રહે અને ફરિયાદીને વધારે અત્યાચારનો સામનો કરવો પડશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો
પોલીસ દ્વારા અપરાધીઓને ફાયદો પહોંચાડવા અર્ણેશકુમારના ચુકાદાનું ચુકાદાના દસ વર્ષ પછી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળના ગુન્હાઓમાં આવુ મરજી મુજબનું અર્થઘટન કરવાનું કોની સુચનાથી સૂઝયું છે? કોનો રાજકીય ઈશારો થયો છે? એ તો ગૃહમંત્રી અને પોલીસ તંત્ર જ કહી શકે.
પોલીસની આ કાર્યવાહીથી શું અસર થશે?
ધારો કે કોઈ દલિત- આદિવાસીને કોઈ આરોપી જાતિવાચક શબ્દોથી અપમાનિત કરશે, એમના હાથ- પગ તુટી જાય એ રીતે માર મારશે, ઘોડા પરથી ઉતારીને હુમલો કરશે, નામ પાછળ સિંહ લગાવવા જેવી કે મૂછો રાખવા જેવી બાબતમાં ગાળો આપી શારિરીક હુમલો કરશે, કોઈ દીકરીની છેડતી કરશે, ટોળું બનાવીને હુમલો કરશે, સામાજિક-આર્થિક બહિષ્કાર કરશે, જાહેર સ્થળો ઉપર જવા નહીં દે, મરેલા ઢોર ઉપાડવા કે ગટરમાં ઉતરવા ફરજ પાડશે એવા સંજોગોમાં પોલીસ પહેલાં તો કેટલાય સંઘર્ષ પછી ફરીયાદનો સ્વીકાર કરશે.
જે પોલીસે ફરીયાદ લેવામાં જ આનાકાની કરી હોય અને એમાંય આરોપી કથિત ઉંચી જાતિનો વગદાર માણસ હોય એટલે પહેલાં તો એની શરમમાં અને ત્યારબાદ વહીવટ થવાથી પોલીસ ફરીયાદમાં ૭-વર્ષ કરતાં વધુ સજાની જોગવાઈ વાળી કલમ ઉમેરવામાં જ નનૈયો ભણી દેશે. પછી ૭ વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈવાળી કલમ હેઠળ ગુન્હો નોંધીને ફક્ત અર્ણેશકુમારના ચુકાદાનો હવાલો આપીને આરોપીને ફક્ત નોટીસ આપીને પોલીસ ત્યાંથી જ રવાના કરી દેશે. એટલે આરોપીઓને કે પોલીસને કાયદાનો ડર રહેશે નહી અને ફરીથી ગુન્હો કરવા માટે પ્રોત્સાહન મળશે. એક રીતે પોલીસને આરોપીઓને બચાવવાનો પરવાનો મળી જશે.
આ ઉપરાંત, આરોપીઓની ધરપકડ ના થવાને લીધે ફરિયાદીનું મનોબળ તૂટી જશે અને આરોપી કેસ સાથે સંકળાયેલા પુરાવાઓ અને સાક્ષીઓ સાથે ચેડાં કરીને લાલચ આપી ડરાવવા-ધમકાવવાનું કામ કરશે અને પોતાની સામે થયેલી ફરીયાદ પાછી ખેંચવા દબાણ કરશે.
SC/ST (પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ એ સ્પેશિયલ કાયદો એટલા માટે છે, કેમ કે એમાં પ્રથમ દર્શનીય ગુન્હાઓમાં આગોતરા જામીનની જોગવાઈ નથી અને ધરપકડ ફરજીયાત હોઈ આરોપીઓમાં આ કાયદાનો ડર છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી નોટીસ આપીને છુટી જવાની સરળતા થઈ જવાથી દલિતો સાથે અત્યાચારની ઘટનાઓ વધવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે.
પોલીસ દ્વારા અર્ણેશકુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન
નામદાર સુપ્રીમ કોર્ટનો અર્ણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો જેમાં પોલીસ સ્ટેશનમાંથી સી.આર.પી.સી. કલમ-૪૧ (ભા.ના. સુ. સં. કલમ-૩૫) મુજબ નોટીસ આપીને ધરપકડ કર્યા વિના આરોપીને જવા દેવાની વાત કરવામાં આવી છે એમાં આરોપીની ધરપકડ કરવા અને ના કરવા એમ બંને પ્રસંગે લેખિતમાં કારણ આપવાની વાત કરવામાં આવી છે. જે કરતા નથી અને ધરપકડ ના કરવાના કારણોમાં ફક્ત અર્ણેશકુમારના ચુકાદાનો હવાલો આપવામાં આવે છે અને કોઈ અન્ય કારણો આપવામાં આવતા નથી.
આ પણ વાંચો: એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે
SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ ની કલમ-૨૦ દ્વારા આ કાયદાની જોગવાઈઓ અન્ય તમામ કાયદાની જોગવાઈઓથી ઉપર રહેશે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કલમ-૧૮માં આગોતરા જામીન ઉપર પ્રથમ દર્શનીય કેસોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ, અર્ણેશકુમારનો SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલા ગુન્હાઓમાં ઉપયોગ એ કલમ-૧૮ થી વિરુધ્ધની કાર્યવાહી છે જે પોલીસ અધિકારી કરી શકે નહીં.
આ ઉપરાંત, સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાના વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરતાં યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદામાં પેરા-૬૬ માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે આગોતરા જામીનની જોગવાઈ ના હોય એ કિસ્સામાં ધરપકડ કરવી અનિવાર્ય છે. અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો એ બે ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા ૨૦૧૩માં આપવામાં આવેલો છે. જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો ચુકાદો એ અદ્યતન (લેટેસ્ટ) અને ૩ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલો છે. જેથી ધરપકડ કરવી ફરજીયાત છે.
વધુમાં, SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ ની કલમ-૧૫-એ ભોગ બનનારના અધિકારની વાત કરે છે. જેમાં ફરીયાદી/ભોગ બનનારને દરેક પ્રક્રિયાની નોટીસ આપીને બોલાવવાનો અને દરેક પ્રક્રિયા વખતે સાંભળવાનો કાયદાથી અધિકાર આપવામાં આવ્યો છે. જે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા કાયદાની ઉપરવટ જઈને કરવામાં આવતું નથી. આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં પોલીસ તંત્ર કોના રાજકીય ઈશારે આ ગુસ્તાખી કરી રહ્યું છે એ સમજી શકાય એમ છે.
અત્રે નોંધનીય છે કે રાજ્યમાં અર્ણેશકુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે જેની જાણ રાજ્ય સરકારને હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવી રહ્યા. એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ બળાત્કાર અને ખૂન જેવા જઘન્ય ગુન્હાઓના આરોપીઓને જામીન મળવાના એકપણ કેસમાં આજદિન સુધી ગુજરાત સરકાર ફરીયાદી તરફ અપીલમાં ગઈ હોય એવું જાણમાં નથી.
દલિત-આદિવાસીઓના હિતોને સરકારે હંમેશા દરકીનાર કર્યા છે. ઉનાના પીડિતોને આપેલા વચનો આજદિન સુધી પુરા નથી કર્યા કે ભાનુભાઈ વણકર આત્મવિલોપન પ્રસંગે લેખિતમાં મુખ્ય સચિવની સુચનાથી આપેલી બાંહેધારીનો પણ અમલ નથી કર્યો. આ ઉપરાંત પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવામાં આવ્યા પણ વારંવારની રજુઆતો છતાં એકપણ દલિત આંદોલનના કેસ પરત ખેંચવામાં નથી આવ્યા. કાયદાનો પૂર્ણપણે અમલ કરાવવાની તથા શંકાઓ દુર કરવાની જવાબદારી રાજ્ય સરકારના ગૃહ અને કાયદા વિભાગની છે. એકપણ અત્યાચારની ઘટનામાં જે વિભાગની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે એવા ગૃહમંત્રી આજદિન સુધી ગયા નથી અને પીડિતોને મળ્યા નથી, જે દર્શાવે છે કે સરકાર વંચિત વર્ગ માટે કેટલી નિસબત ધરાવે છે. તેથી આ કેસમાં પણ સરકાર સામે ચાલીને કોઈ પગલાં ભરશે એવી આશા બહુ ધુંધળી છે.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ
રાજ્યની મોનીટરીંગ સમિતિની બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ષમાં ૨ (બે) વખત મળવી એ એટ્રોસિટી એકટ મુજબ ફરજીયાત છે એની બેઠક લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મળી જ નથી.
કદાચ એ મીટીંગ કરીને મુખ્યમંત્રીએ એટ્રોસીટીઝ એક્ટ હેઠળ નોંધાતા ગુન્હાઓમાં કેવી બૌધ્ધિક બદમાશી કરી રહી છે ઇનો અંદાજો મેળવવાનો પ્રયત્ન કર્યો હોત તો આ પરીસ્થિતિ ના ઉદ્ભવી હોત. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોઈ જ પગલાં હાથ ધરવામાં નહીં આવે અને આંખ આડા કાન ધરીને મૌન જ રહેવાની હોય તો આગામી દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને રાજ્યના દલિત-આદિવાસીઓ આંદોલનના રસ્તે આગળ વધશે.
એડવોકેટ સુબોધ કુમુદ સાથે કમલેશ કટારિયા, વિનોદ પરમાર અને સતિષ વણસોલાની સહી સાથે ડીજીપીને આપવામાં આવેલા આવેદનપત્રમાં એટ્રોસિટી એક્ટને કેવી રીતે નબળો પાડવામાં આવી રહ્યો છે તેની વિસ્તારથી વાત કરવામાં આવી છે.
ગઈકાલે આ મામલે ગુજરાતભરમાંથી આવેલા ભીમયોદ્ધાઓ સાથે દલિત, આદિવાસી સમાજના વિવિધ સંગઠનો અને તેના કાર્યકરો દ્વારા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને આવેદનપત્ર આપી આ મામલે વહેલીતકે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ આ મામલે જો પગલાં લેવામાં સરકાર ઉણી ઉતરશે તો આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
M D zalaસુંદર અને ખૂબજ માહિતી સભર સમાચાર વાંચવા મળેછે આભાર
-
Ramesh MuchhadiyaGood Job