પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો

ગુજરાતમાં એટ્રોસિટી એક્ટને પોલીસ, સરકારી અધિકારીઓ અને સરકારે મળીને કેવી રીતે ધીરે ધીરે પાંગળો બનાવી દીધો છે તે અહીં વિસ્તારથી સમજીએ.

પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો
image credit - Google images

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, તેના નિયમો 1995, સુધારા અધિનિયમ 2015 અને તેના નિયમો 2016 ની ખાસ જોગવાઓનો અમલ ન કરી એટ્રોસિટી એક્ટને પાંગળો કઈ રીતે બનાવી દેવામાં આવ્યો છે તે સમજવા જેવું છે.

આ કાયદામાં આગોતરા જામીનની કોઈ જોગવાઈ ન હોવા છતાં આરોપીઓને આગોતરા જામીન આપી દેવામાં આવે છે.

આ ગુના હેઠળ આવતા કેસોમાં સીધી જ ફરિયાદ નોંધવાની જોગવાઈ છે, છતાં પોલીસ અધિકારીઓ પ્રાથમિક તપાસની વાત આગળ ધરી ફરીયાદ નોંધવામાં વિલંબ કરે છે.

નવી જોગવાઈ મુજબ 60 દિવસમાં આ ગુના હેઠળ નોંધાયેલા કેસની તપાસ પુરી કરી કોર્ટમાં ચાર્જશીટ કરવાની જોગવાઈ હોવા છતાંય કેટલાય કેસોમાં 60 દિવસ થવા છતાંય ચાર્જશીટ કરવામાં આવતી નથી.

એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના નિયમ 16 મુજબ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 20 સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવાની અને વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવા માટે ફરજીયાત મળવાની જોગવાઈ છે. જેથી આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્યમાં આ કાયદાનો કડકપણે અમલ થાય જેના લીધે અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો પર થતો અત્યાચાર ઓછો થાય, કાબુમાં આવે અને પીડિતોને ન્યાય મળે તે જોવાની બંધારણીય જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે.

ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ડીજીપી, સચિવોના સભ્ય પદ વાળી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે 20 સભ્યોની કમિટી બનાવવાની જોગવાઈ છે તેમાં હવે થાય છે શું? વાસ્તવિકતા શું છે? બંધારણીય અધિકારોના રક્ષણ માટે ઘડાયેલા કાયદાના અમલીકરણની સમીક્ષા કરવાની જવાબદારી જેની છે તે કરે છે કે કેમ?

નવી સરકારની રચના થયા બાદ એટ્રોસિટી એક્ટના અમલીકરણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રચવાની જેની જોગવાઈ છે તેવી રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવેલ જ નથી. બંધારણના શપથ લઈ બંધારણની રખેવાળી કરવામાં ચૂક કેમ?

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ હાઈ લેવલની રાજ્ય  કક્ષાની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની વર્ષમાં 2 વખત, એમ બે વર્ષમાં 4 વાર તેની મિટીંગ મળવી જોઈએ તે મળતી જ નથી, આનો મતલબ શું સમજવો? શું અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારો વિશે સરકાર સંવેદનશીલ નથી? શું અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોની સુરક્ષાની રાજ્ય સરકારને જરાય ચિંતા નથી?

રાજ્યની અનામત બેઠક પર ચૂટાયેલા અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જન જાતિના 28 ધારાસભ્ય કેમ કાંઈ આ મુદ્દે બોલતા નથી? રાજ્યની અનુસૂચિત જાતિના અનામત બેઠક પર ચૂટાયેલા બે સાંસદ અને અનુસૂચિત જન જાતિના સાંસદ કેમ આ મુદ્દે ચૂપ છે?

આ પણ વાંચો: ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ

ગુજરાતના દરેક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના અનામત બેઠક પર ચૂટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આ મુદ્દે અવાજ ઉઠાવે તેવી અપીલ કરવી જોઈએ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ હોદ્દાની રૂએ આ કાયદાના અમલીકરણ માટેના નોડલ ઓફિસર તરીકેના ચાર્જમાં છે અને રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિના સભ્ય સચિવ પણ છે. જો આ કાયદાની અમલવારી ન કરી શકતા હોય તો અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોને સામાજિક ન્યાય શું આપવાના?

એટ્રોસિટી એક્ટના અમલીકરણની દશા

-પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓને જામીન આપી છોડી દેવામાં આવે છે.

-દર છ મહિને સરકારી વકીલોની કામગીરીની જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સમીક્ષા કરવામાં આવતી નથી.-ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જતા નથી અને રાજ્ય સરકારને જાન-માલની નુકસાનીનો રિપોર્ટ આપતા નથી.

-એટ્રોસિટીના ગંભીર કેસમાં સરકારી વકીલ કોર્ટમાં ફરિયાદી અને સાક્ષીઓને જુબાની કેમ આપવી તે માટે તૈયાર કરતા નથી અને એકપણ કેસમાં લેખિતમાં દલીલ રજૂ કરતા નથી.

સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવોમાં પીડિતોને સામાજિક બહિષ્કાર અને હિજરતી જાહેર કરવામાં આવતા નથી.

-તપાસ અધિકારી જાણી જોઈને પોતાને કરવાની થતી કાર્યવાહી ન કરતા હોવા છતાંયે એકપણ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી બાબતે તેમની સામે એટ્રોસિટી એક્ટની કલમ-04 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.

- પીડિત દ્વારા એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે તેની સામે તરત જ કોઈપણ જાતની તપાસ કર્યા વગર પોલીસ જ સીધી ક્રોસ ફરિયાદ કરાવે છે.

-એટ્રોસિટી કેસના આરોપીઓને હાઇકોર્ટમાં કેસ રદ્દ કરવા ક્વોશીન પિટિશન કરવા દેવા માટે પોલીસ જાણી જોઈને ધરપકડ કરતી નથી અને હાઇકોર્ટમાં જવાનો સમય આપે છે.

-એટ્રોસિટીના કેસમાં મોડી ફરિયાદ લેવાના કિસ્સામાં જવાબદાર અધિકારી સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી.

-પીડિતને જીવનું જોખમ હોવા છતાં પોલીસ રક્ષણ આપતી નથી અથવા તો રક્ષણ હટાવી લે છે જેના કારણે હત્યાઓ થાય છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે.

-અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના પેટા નિયમ 15 હેઠળ ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતના આશ્રિત પરિવારનું પેન્શન, જમીન, મકાન, સરકારી નોકરી, બાળકોના શિક્ષણની વ્યવસ્થા વગેરે બાબતે પુન:વસન કરવામાં આવતું નથી.

-અત્યાચારના ગંભીર કેસોમાં ડો. આંબેડકર ફાઉન્ડેશનમાંથી અલગ સહાય આપવામાં આવે છે તેની દરખાસ્ત તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગ વર્ષ 2017થી દિલ્હી મોકલતા નથી.

- કાંતિલાલ પરમાર(લેખક દલિત-બહુજન સમાજ માટે કામ કરતા સામાજિક કાર્યકર છે.)

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.